મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાત્તાઃ મૈન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને એમએસ ધોનીની સારી એવી પાર્ટનરશિપ ચાલતાં ભારતને આશાઓ જાગી હતી. જાડેજા અને ધોનીએ 7મી વિકેટ માટે સદીની પાર્ટનરશિપ બનાવી લીધી હતી અને બંનેના બેટથી નીકળતો એ એક બોલ ટીમ ઈન્ડિયા માટે સારો એવો સ્કોર ઊભો કરી રહ્યો હતો. તેમની બેટિંગ જોતા ફાઈનલમાં એન્ટ્રી થાય તેવી આશાઓ જાગી હતી પરંતુ પહેલા જાડેજા અને પછી ધોનીના રન આઉટ થતાં ફેન્સ નિરાશામાં સરી પડ્યા હતા. વર્લ્ડ કપથી ભારત બહાર થઈ ગયું તેનો આઘાત એક ફેનને સહન ન થયો અને તેનું મોત થઈ ગયું.

ભારત ન્યૂઝિલેન્ડ વચ્ચે ગત રોજ વર્લ્ડ કપ 2019 માટે સેમીફાઈનલ મેચ રમાઈ હતી જેમાં આખરીના 11 બોલમાં 25 રન જોઈતા હતા. બે રન લેવા માટે ધોનીએ સ્પીડ પકડી પરંતુ બીજા રન પર માર્ટિન ગપ્ટિલના થ્રોમાં રન આઉટ થયો હતો. તે સમયે કોલકાત્તાના સાયકલ દુકાનદાર શ્રીકાંત મૈતી પોતાની દુકાનમાં બેઠા બેઠા મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હતા. તે જ સમયે આંખના પલકારે ધોની આઉટ થઈ ગયો.

જોકે ધોનીના આઉટ થવાથી સમગ્ર ભારતના ક્રિકેટ ફેન્સની આશાઓ તુટી ગઈ હતી અને તમામ નિરાશ થયા હતા પણ શ્રીકાંત આ આઘાત સહન કરી શક્યો નહીં અને ધોનીના આઉટ થયાના તુરંત બાદ દુકાનમાં તેનું મોત થયું હતું.

આ જ વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા સચિન ઘોષે કહ્યું કે, જોરથી અવાજ સાંભળતાં જ હું તેમની દુકાનમાં મદદ માટે પહોંચ્યો. અમે તેમને બેભાન અવસ્થામાં પડી ગયેલા જોયા. અમે તેમને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ઈન્ડિયા 18 રનથી સેમીફાઈનલ મેચ ન્યૂઝિલેન્ડ સામે હારી ગયું અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.