ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ફુગાવાદર વધી રહ્યો છે ત્યારે ૨૦૨૨માં પણ તે જારી રહેશે, એવી આગાહી સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસે આ સપ્તાહે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર સ્થિરગતિએ પ્રગતિ કરવાના સંયોગો ઉજળા છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રમાં અનુકૂળતાપૂર્વક આવશ્યક ગતિશીલતા આવશે તો, અમે સર્વાંગી રીતે સમાયોજક નીતિ અપનાવીશું. આમ કહીને આરબીઆઇએ બેન્ચમાર્ક વ્યાજદરનો રેપો અને રિવર્સ રેપો રેટ, બજારની અપેક્ષા મુજબ, અનુક્રમે ૪ ટકા અને ૩.૩૫ ટકા જાળવી રાખ્યા હતા. વધુમાં માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી અને બેંકદરોમાં પણ કોઈ પરિવર્તન કર્યું ના હતું.
તાજેતરમાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઇ રહ્યો છે. પણ સર્વાંગી રીતે જોઈએ તો છેલ્લા છ મહિનામાં તે નબળો પડ્યો છે. ગુરુવારે રૂપિયામાં આગલા દિવસનો સુધારો ધોવાઈ જઈ રૂ. ૭૫.૬૮ના તળિયે બેસી ગયો હતો. ભારતમાં દૈનિક કોરોના ચેપની સંખ્યા મે ૨૦૨૦ પછીના નીચલા લેવલે ગઈ છે, જ્યારે કૂલ સક્રિય કોરોના સંક્રમણ સંખ્યા જૂન ૨૦૨૦ના સ્તરે બેસી ગઈ છે. અહી એ નોંધવું જરૂરી થઈ પડશે કે ભારતના નીતિઘડવૈયાઓ હવે સ્થાનિક બોન્ડને જાગતિક ઇંડેક્સમાં સમાવેશ કરવા સક્રિય થયા છે, જેથી રોકાણકારો સ્થાનિક બજારમાં રૂપિયાની તરફેણ કરવા ઉત્સુક બનશે.
Advertisement
 
 
 
 
 
હવે પ્રશ્ન એ છે કે ભારતીય રૂપિયાના તેજીવાળા રૂ. ૭૫.૭૫ ભાવ આસપાસ ખુશ રહેશે કે પછી એપ્રિલ ૨૦૨૦ની રૂ. ૭૭ વટાવીને રૂ. ૭૮ આસપાસના કોઈ ભાવ મેળવવા પ્રયત્નશીલ બનશે. સોસાયતે જનરલના અર્થશાસ્ત્રીઓ ૨૦૨૨માં રૂપિયો ૭૫-૭૭ વચ્ચે અપેક્ષિત માને છે. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવાના મત/મમતની થઈ રહી હોવાથી, મધ્યમગાળામાં ડોલર સામે રૂપિયાની નબળાઈ આ જ પ્રમાણે જળવાઈ રહેશે.
અલબત્ત, નાણામંત્રાલયના અધિકારીઓ તરફથી આર્થિક ક્ષેત્રે હકારાત્મક ટીપ્પણીઓ આવી રહી હોવાથી, કદાચ રૂપિયાને વધુ પડતો નબળો પડતો અટકાવી શકે છે. મહત્વના આર્થિક ઘટનાક્રમો મજબૂતાઈ દાખવવા લાગ્યા છે, તે જોતાં અર્થતંત્રના ચાર્ટમાં વી આકારના સુધારા જોવાવા લાગ્યા છે. ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈના તેની મહત્તમ બેન્કોમાં રોકડ કારન્સીનો અનામત જથ્થો ઘટાડવા જઈ રહી છે, ત્યારે ચીનમાં જે ઘટનાઓ આકાર પામશે તેના લીધે ડોલર સામે રૂપિયાને પણ અસર થવાની સંભાવના વધી રહી છે.
ઓમીક્રોન કોરોના વાયરસ ઘાતક નહીં હોય એવી માન્યતા વચ્ચે, ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ સાંકડી વધઘટે સ્થિર રહેવા સાથે જોખમી કારન્સીઓમાં હવે લેવાલી નીકળી છે. દક્ષિણ આફ્રિકામાં જોવાયેલા નવા જીવાણુ વાયરસના રોગીઓમાં નજીવી અસર જોવાયાના અહેવાલ પછી ક્રૂડ ઓઇલમાં જોખમી લેવાલી નીકળી છે. અલબત્ત, જગતભરમાં તેની વ્યાપક્તા જોવા ન મળતા કોમોડિટી બજારમાં પણ નિરાંતનો અનુભવ થયો છે. ક્રિપટોકરન્સી બિટકોઇનમાં એકાએક સેલ ઓફ આવતા ભાવ ૫૧,૨૩૦ ડોલર સુધી નીચે બેસી ગયો હતો તે હવે તેજી તરફ પાછો ફરી રહ્યો છે.
Advertisement
 
 
 
 
 
આગામી સપ્તાહે અમેરિકન ફેડની સાપ્તાહિક ફેડ ઓપન માર્કેટ કમિટીની બેઠક અને આજે (શુક્રવારે) ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે અમેરિકન ફુગાવાના નિવેદન પહેલા કરન્સી બજારમાં શાંતિ પ્રવર્તે છે. સાથે જ વ્યાજ વૃધ્ધિ સંદર્ભે વાતો કરનારા પણ ઘટયા છે. બીજી તરફ કોરોનાનો હાઉ ઓછો થતાં ભારત, જપાન અને ચીન જેવા દેશો પોતાના અર્થતંત્રોને બચાવવા થોડા જોખમો ઉઠાવવા પણ તૈયાર થયા છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)