મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી સતત વધતા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે આ કરફ્યુનાં પ્રથમ દિવસે જ પોલીસે સપાટો બોલાવ્યો હતો. જેમાં રાત્રે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન 72 જેટલા વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. સાથે જ જાહેરનામાંનો ભંગ કરનાર 74 વ્યક્તિઓ સામે ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. બીજીતરફ મનપા તંત્ર દ્વારા પણ દેખાવ પૂરતું માસ્ક લટકાવનાર લોકોને રૂ. 200નો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી છે. 

જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રે શહેરના લોકો 9 વાગ્યા પહેલા ઘરે પહોંચી ગયા હતા. જોકે પોલીસે શહેરનાં કાલાવડ રોડ અને યાજ્ઞીક રોડ સહિતનાં બધા મુખ્ય રસ્તાઓ પર આખી રાત સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે રસ્તા પરથી પસાર થનાર દરેક વ્યક્તિને અટકાવી પૂછપરછ કરી હતી. અને બિનજરૂરી કામ માટે નીકળેલા લોકોને અટકાવી તેના વિરૂદ્ધ જાહેરનામાં ભંગનાં ગુના દાખલ કર્યા હતા. શનિવારે રાત્રે કરફ્યુના પહેલા દિવસે જ પોલીસે 74 જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા. અને 72 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.

માસ્ક લટકાવનાર પાસેથી પણ 200 વસુલાશે

રાજકોટ મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1000 દંડ વસુલવાની સાથે જ માસ્ક પહેર્યુ હશે અને નાક પર નહીં હોય તો તેની પાસેથી પણ રૂપિયા 200 નો ફાઈન વસુલવાની શરૂઆત કરવામાં આવી ચુકી છે. જેને લઈ દેખાવ ખાતર માસ્ક લટકાવનાર લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે મનપા દ્વારા લોકોને માસ્ક પહેર્યુ હોય તો મોઢુ બરાબર ઢાંકવાની અપીલ કરવામાં આવી છે.