મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં ફરી કરફ્યૂ મુકવામાં આવ્યો છે. જોકે અમદાવાદ માટે 300થી વધુ કેસ એક દિવસમાં આવવા તે અચરજ પમાડનારું એટલું પણ નથી, પરંતુ હાલમાં જ તહેવારોમાં લોકો ભાન મુકીને બેફામ ગુમ્યા છે અને જેને કારણે કોરોના વધુને વધુ લોકોને શિકાર બનાવશે તેવી દહેશત પણ છે. લોકો પોતે નિયમોનો ભંગ કરે અને બીજા નિયમોનું પાલન કરે તેવી વૃત્તિને કારણે ફરી કોરોના નવા કેસ ઊભા કરે તેવી શક્યતાઓ છે. જોકે કરફ્યૂના સમયે પણ લોકોમાં ધરપત છે નહીં, કામ કે જરૂરિયાત વગર વોટ્સએપ-ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકવા માટે પણ બહાર નીકળી પડતા હોય છે. ઘણા લોકો કામ વગર બહાર નીકળ્યા હતા જેમની સામે આ વખતે પોલીસે દંડો નહીં પણ કાયદાનો દંડો ઉઘામ્યો છે. પોલીસે કુલ 243 સામે કાર્યવાહી કરી છે.

એસ જી હાઈવે, આશ્રમ રોડ, નરોડા, સાબરમતી, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, પાલડી વગેરે જેવા અમદાવાદના એ વિસ્તારો કે જે લોકોની અવરજવરથી ધમધમતા રહે છે તેવા વિસ્તારો આજે ફરી સૂમસામ બન્યા છે. અગાઉ લોકાડાઉનને સમયે આવો માહોલ જોવા મળ્યો હતો. જોકે તે પછી અમદાવાદમાં કોરોનાની સ્થિતિત કાબુમાં કરવા માટે લાદવામાં આવેલા કરફ્યૂને પગલે આજે આ સ્થિતિ જોવા મળી રહી છે. શનિવાર રાત્રીના 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી આ માહોલ જળવાય તે આપણી જવાબદારી છે અને સરકારનો હુકમ પણ છે.  

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી છે જેને કારણે કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરફ્યૂની અમલવારીને પગલે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગત રાત્રીથી જ ગોઠવી દેવાયો હતો. જોકે આ કરફ્યૂના સમયે પણ કામ વગર બહાર નિકળનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પોતાની કામગીરી દરમિયાન જાહેરનામા ભંગ બદલ 215 ગુના નોંધ્યા છે, જ્યારે અન્ય 243 વ્યક્તિઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે કરફ્યૂની અમલવારી માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી જેવી વિંગ્સ પણ જોડાઈ છે સાથે જ પોલીસ કર્મચારીઓથી માંડીને અધિકારીઓ પણ પેટ્રોલીંગ સહિતની કાર્યવાહીઓ કરી રહ્યા છે.