ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ. મુંબઈ): એક ક્રિપટો સર્વેક્ષણ કહે છે કે વિશ્વના કૂલ બિટકોઇનમાંથી એક ટકો હિસ્સો ભારતીય રોકાણકારો પાસે છે. આટલા મોટા પ્રમાણમાં ક્રિપટોના ભાવ તૂટયા, તેને લીધે ભારતીય અર્થતંત્રને પણ જબ્બર ફટકો લાગ્યો છે. ભારતના એક મોટા ક્રિપટો એક્સચેન્જ ઝેડપેના સીઇઓ રાહુલ પાઘડીપતિ કહે છે કે વિશ્વબજાર અને ભારતમાં ચાલતા ભાવ તફાવતને ઓછો કરવા ૨૦૨૧માં સરકાર અને અન્ય સંસ્થાઓ આગળ આવીને ડિજિટલ કારન્સીને માન્યતા આપશે, એવી અમારી ધારણા છે.

આ સર્વેક્ષણ મુજબ ભારતમાં અત્યારે ૧ કરોડ કરતાં વધુ ક્રિપટોકરન્સી રોકાણકારો અસ્તિત્વમાં છે, ભારતમાં બિલાડીના ટોપની માફક ક્રિપટો એક્સ્ચેન્જ ખૂલી ગયા છે અને રંગરૂટ રોકાણકારોની સંખ્યા દિવસોદિવસ વધી રહી છે. રિજર્વ બેન્કે ક્રિપટોકરન્સી બાબતે વારંવાર ચિંતા જાહેર કરી છે, તેમછતાં ભારતીય રોકાણકારો મધપૂડાની જેમ ડિજિટલ કરન્સી પાછળ ચોંટયા છે. આવા નવાણિયા હજુ પણ એવું માને છે કે આ ૨૧મી સદીની એસેટ્સ ક્લાસ કરન્સી છે, અને હવે મૂંડામણ થઈ ગઈ છે.

હજુતો ૧૪ એપ્રિલે બિટકોઇનનો ભાવ ઓલટાઈમ હાઇ ૬૪,૩૭૪ ડોલર હતો અને રવિવારે 33,૧૩૮ ડોલરના તળિયે બેસી ગયો. બીજા નંબરની કરન્સી ઇથેરીયમ આ ચાર દિવસમાં ૧૫ ટકા ગબડી ૧૮૬૫ ડોલર થઈ ગયો, ૧૧ મેએ તે ૪૩૫૨ ડોલરના રાજાપાઠમાં હતો. કેટલાંક નાના મોટા ડિજિટલ કોઈન તો ચીથરેહાલ થઈ ગયા છે. ચીનના નિયમણકારોએ શનિવારે ક્રિપટો માઇનિંગ ઉપર હલ્લાબોલ કરતાં જ બિટકોઇન અને બાકીની તમામ ક્રિપટોમાર્કેટ ફરીથી ઊંધેકાંધ પડી હતી. 


 

 

 

 

 

ચીન સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે ક્રિપટો નિયમનો વધુ કડક બનાવવા જઈ રહ્યા છીએ. મોંગોલિયા રાજ્યમાં પણ બિટકોઇન માઇનિંગ પર સરકારના ખબરીઓને માહિતી આપવા આગળ આવવા એક વ્હિસલબ્લોઅર પ્રોગ્રામ જાહેર કરી દીધો છે. રવિવાર સહિત છેલ્લા ચાર દિવસથી રોકાણકારોમાં અંધાધૂંધી વ્યાપી છે, અને બિટકોઇનમાં ૧૩ ટકાનું ગાબડું પડ્યું છે. હવે તો ટેસ્લા અને એલન મસ્કે પણ ક્રિપટો કરન્સી સ્પોર્ટ બાબતે પોતાની યોજનામાં પીછેહઠ કરી છે. 

બિટકોઇન માઇનિંગ પર પ્રતિબંધની વાત ગયા મહિને જ આવી ગઈ હતી, લંડનના ફાયનાન્સિયલ ટાઇમ્સે શુક્રવારે જ કહ્યું હતું કે ચીનના મંગોલિયા રાજ્યમાં આવા પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. ચીનમાં માઇનિંગ ઓપરેશનો સાવ બંધ કરી દેવાના હેતુથી આવા એક્સચેંજઓની માહિતી આપવા ખાસ પ્રકારના ખબરીઓની ભરતી શરૂ કરવામાં આવી છે. મંગોલિયા વિસ્તારમાં દેશના કૂલ માઇનિંગ એક્સચેંજઓમાંથી ૭ ટકા એક્સચેન્જ અસ્તિત્વ ધરાવે છે.

ચીનની ઉક્ત જાહેરાત પછી તરતજ અમેરિકન ટ્રેજરી ક્રિપટો યુજરો માટે એક યોજના જાહેર કરી, ૧૦,૦૦૦ ડોલર કરતાં વધુ ક્રિપટો ટ્રાનજેક્શનની નોંધ ઇન્ટરનલ રિજર્વ સર્વિસ પાસે કરાવવાની રહેશે. જો આનો અમલ થાય તો પણ તેના કાયદા ૨૦૨૩ સુધી ઘડાઈ જવાની શક્યતા છે. આ ન્યૂજ બ્રેક થયા પછી, માત્ર એકજ કલાકમાં બિટકોઇનના ભાવ ૪૧,૫૦૦ ડોલરથી ૮ ટકા તૂટીને ૩૮,૧૦૦ થઈ ગયા હતા.


 

 

 

 

 

ડોમીનોઝ પિજાની નેધરલેન્ડસમાં અસંખ્ય ફ્રેન્ચાઇજી દુકાનો છે, ૨૨ મેએ તેણે જાહેર કર્યું કે તેના તમામ કર્મચારીને પોતાનો પગાર ફયાટ કારન્સીને બદલે બિટકોઇનમાં સ્વીકારવાનો વિકલ્પ આપવામાં આવશે. કોઈ પણ કર્મચારીનો પગાર લઘુતમ વેતનની ઉપર હશે, તેમને ક્રિપટો પગાર મેળવવાની પસંદગી મળશે. 

ગતવર્ષે ગોલ્ડમેન સાસએ ક્રિપટો કરન્સી એક નબળું અને નકારાત્મક મૂડીરોકાણ ગણાવ્યું હતું. પણ આજે તે નવા અહેવાલમાં કહે છે કે ઘણી બધી બાબતોમાં પરિવર્તન આવી ગયું છે. આ અહેવાલ કહે છે કે ક્રિપટોને નવી એસેટ્સ ક્લાસ ગણવી જોઈએ, જે હજુ સુધી જાહેર જનતાની પહોંચમાં નથી. હજુ પણ રોકાણકારોને તેનું વિતરણ અને માહિતી સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે, તેની સામાન્ય લોકો સુધી પહોંચ વધારવા નવા સંશોધનની જરૂર છે. ટૂંક સમયમાં આવું શક્ય બનશે એવું પણ ગોલ્ડમેન માને છે.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)