ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વર્તમાન સદીના રોકાણકારોને સૌથી વધુ અબજોપતિ બનાવનાર જો કોઈ ઐતિહાસિક શોધ હોય તો તે બિટકોઇન (ક્રિપ્ટોકરન્સી) છે. અને મહત્વની વાત તો એ છે કે જેમણે આમાં લાંબાગાળાનું જોખમી રોકાણ કર્યું હતું, તેમણે વડની વડવાઈઓની જેમ મિલકતોનું ઉપાર્જન કર્યું છે. આ જોતાં પાછલાં ૧૨માંથી ૧૦ વર્ષ દરમિયાન ક્રિપ્ટોકરન્સી બેસ્ટ પરફોર્મિંગ એસેટ્સ સાબિત થઈ છે. હવે તો તેને સંગ્રહ મૂલ્ય (સ્ટોર ઓફ વેલ્યૂ)નો ઉત્તમ વિકલ્પ પણ ગણવામાં આવી રહ્યો છે. 

બુધવારે બિટકોઇનએ ૩૯,૯૪૫ ડોલરનો મુકામ કર્યો, તે અગાઉ ૭ માર્ચે બિટકોઈને ૬૧,૧૯૬.૩૦ ડોલરની ઐતિહાસિક સર્વોચ્ચ ઊંચી સપાટી સ્થાપિત કરી હતી, અને ૨૩ મેએ ૩૪,૫૮૪.૫૦ ડોલરનું તાજેતરનું તળિયું સ્થાપિત કર્યું હતું. બિટકોઇન આટલો બધો ગબડી કેમ પડ્યો? સવાલોના જવાબ રોકાણકાર શોધી રહ્યા છે. ચીનએ મે મધ્યમાં બિટકોઇન ટ્રેડરો પર હલ્લાબૉલ કર્યું અને ૧૧૦૦ લોકોને પકડી, જેલમાં ખોસી દીધા. 

ચીનમાં આવું તો ઘણું બધુ બન્યું, સરકારે એવો દાવો કર્યો કે આ બધા લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહયા હતા. સરકાર એવું પણ કહે છે કે આવો ક્રિપ્ટોસમાજ લોકોમાં અસમાનતાની ભાવના ભડકાવીને ગરીબ લોકોની મિલકતો કોર્નર કરવા લાગ્યા છે. ઇથેરીયમે ક્રિપ્ટો માઈનીગમાં અસરકારક અને મર્યાદિત વીજળી વાપરવાના હેતુથી ક્રિપ્ટો મોડેલને “પ્રૂફ ઓફ વર્ક”ને બદલે “પ્રૂફ ઓફ સ્ટેક” મોડેલ ટેકનોલોજી તરફ પ્રયાણ કરવાની જાહેરાત કરી. 

Advertisement


 

 

 

 

 

બિટકોઇન અને ક્રિપ્ટો ડેવલપર સમાજે પણ આવી ટેકનોલોજી અપનાવીને વીજળી કે વ્યાપક ઊર્જા ખર્ચનો બચાવ કરવાનો સમય પાકી ગયો છે. ચીનના બિટકોઇન ટ્રેડરો પર હલ્લાબૉલ કર્યું તેનાથી તદ્દન વિપરીત, અલ-સાલ્વાડોર સહિતના અનેક લેટિન (દક્ષિણ) અમેરિકન દેશોએ ડોલરની સાથોસાથ બિટકોઇનને સત્તાવાર કરન્સીની વ્યાપક સ્વીકૃતિ આપી. ટેસ્લાના એલન મસ્કએ તાજેતરમાં બિટકોઇન માટે નકારાત્મક ટ્વિટ કરી, તે પણ ભાવ તૂટવાનું એક કારણ હતું.  

આ એજ એલન મસ્ક છે, જેમણે ભાવને ઐતિહાસિક ઊંચાઈએ લઈ જવાનું ઊંબાડિયું કર્યું હતું. મસ્ક હવે કહે છે કે અમે ટેસ્લાના પેમેન્ટ તરીકે બિટકોઇન નહીં સ્વીકારી. જે રોકાણકાર આવી આસમાની સુલતાની ઊઠલપાઠલમાં સ્થિતપ્રજ્ઞ રહી શકતા હોય તેમણે સ્થિતિને થાળે પાડવાની રાહ જોવી જોઈએ. અમારું માનવું છે કે ભાવ નીચે જવા કરતાં ઊંચે જવાના સંયોગ વધુ છે. ભૂતકાળમાં પણ આવી ઉઠાપટક થઈ હતી, પણ ક્રિપ્ટોનું ભાવિ ઉજ્જવળ છે તેની ના નહીં.

અમેરિકન ફેડરલ રિજર્વના ચેરમેન જેરેમી પોવેલે આ અગાઉ સંસદમાં આપેલ પોતાની કેફિયતમાં વારંવાર સોનું અને બિટકોઇનનું જોડાણ દાખવ્યું હતું. પોવેલ એવું કહેવાય માંગે છે કે આ એવા રોકાણકારો છે, જે પોતાનું નવું ઘર ખરીદવા, બાળકના ઉછેર અને તેના કોલેજ સુધી ભણવવા માટે જે બચત કરે છે, તે સોના અને બિટકોઇનમાં રોકાણ કરવા લાગ્યા છે. આવું એટલા માટે થવા લાગ્યું છે, કારણ કે લોકોને વર્તમાન અર્થવ્યવસ્થામાં ભરોસો નથી રહ્યો.

Advertisement


 

 

 

 

 

ફુગાવાનો દર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયો છે, જ્યાંથી ભારતીય નાગરિકોને તેમનું ભાવિ નિશ્ચિત કરવા અને બચત કરવા ખૂબ બધો સંઘર્ષ કરવાનો આવ્યો છે. જો તમે તમારી બચત બેંકમાં મૂકો તો શું થાય તે તમે જાણો છો? બેંક તમને તમારી બચતના નાણા સામે ટેકનિકલ રીતે પાંચ ટકા ઓછું વળતર પરત આપે છે. ફુગાવા વૃધ્ધિ એ તમારી ઉપરનો છુપો ટેક્સ (કરવેરો) છે.

બિટકોઇનને સફળતા કઈ આમને આમ નથી મળી અને હજુ પણ બધુ કઈ સરળ નથી. આમછતાં જો તમારે આવી અફડાતફડીવાળી સવારી કરવાની ઈચ્છા હોય તો ઘણા સારા પરિણામો/ઘટનાઓ અપેક્ષિત છે અને આવું ભવિષ્યમાં પણ બનતું રહેશે. માનવ સમાજ અને સભ્યતાનો આખો ઇતિહાસ તપાસી જાવ વીજળી, ઊર્જા, નાણાકીય સ્ત્રોત, અને માહિતીના સ્ત્રોતો શોધનારા કેટલાંક લોકોના હાથમાં તેના પર નિયંત્રણો હજુ યથાવત છે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)