ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ક્રીપ્ટો કરન્સી બીઝનેસ સર્વિસીસમાં કામ કરતી ભારતીય બેંકો પર લાગેલા સખ્ત પ્રતિબંધો ઉઠાવી લેવાયાના બે મહિના પછી, ૬ મેએ પહેલું ફિયાટ (રૂપિયા ટર્મમાં) ક્રીપ્ટો કરન્સી એક્સચેન્જ કાર્યરત થઇ ગયું છે. બીટપોલો નામના આ એકસચેન્જની બેંગ્લોર હેડ ઓફિસથી સત્તાવાર કામકાજ શરુ થઇ ગયા છે. લાંબા સમયથી ક્રીપ્ટો આધારિત બેંક સપોર્ટની માંગણી હતી જ, સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો કે તુરંત માર્ચ મહિનામાં જ આ એકસચેન્જની સ્થાપનાની કાર્યવાહી શરુ થઇ ગઈ હતી.

બીટપોલો પ્લેટફોર્મ પર હવે રૂપિયામાં ડીપોઝીટ અને ઉપાડ સાથે ક્રીપ્ટો ફિયાટ પેરમાં બિટકોઈન સહિતની તમામ ક્રીપ્ટો કરન્સીમાં સોદા શક્ય બની ગયા છે. બીટપોલોનાં ચીફ બીઝનેસ ઓફિસર સુરેશ ચૌધરીએ કહ્યું હતું કે અમારી ટીમ સતત મંદી તેમજ વિપરીત સમયમાં, લોકડાઉન વચ્ચે હિંમતપૂર્વક બજારમાં પ્રવેશી રહી છે. બીટપોલોના સ્ટ્રેટેજી હેડ ચાંદન ચૌધરીએ કહ્યું કે કોવીડ-૧૯ એ તો આપણા બધાની આંખ ઉઘાડી છે, આખા જગતની નબળી નાણા નીતિઓએ તો પરંપરાગત અસ્કયામતોનાં ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. 

લોકડાઉનને લીધે ભારતીય શેરબજારમાં પડેલા ગાબડાઓ જ, નવા ક્રીપ્ટો કરન્સી એક્સચેન્જને જીવનદાતા અને મજબુત વોલ્યુમથી ધંધો આપનાર સાબિત થશે. શક્યતા એવી પણ છે કે ભારતીય રોકાણકારો સ્પર્ધાત્મક નવા રોકાણ વિકલ્પ તરીકે ક્રીપ્ટો કરન્સી બિટકોઈન તરફ આકર્ષિત થશે.
આરબીઆઈનો પ્રર્તીબંધ ઉઠાવી લેવાયા છતાં, કેટલાંક ક્રીપ્ટો એક્ચેન્જોએ સત્તાવાળાઓને પત્ર લખી જણાવ્યું છે કે નીતિગત સ્પષ્ટતાઓને અભાવે બેંકો અમને સેવા આપવામાં આનાકાની કરે છે. ભારતીય ક્રીપ્ટો એક્સચેજોએ રિઝર્વ બેંકને જણાવ્યું છે કે અમારું કાયદેસરનું સ્ટેટસ અને કરવેરા નીતિઓ બાબતે વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે. 

ઘણા એક્સચેન્જોએ તેમના કામકાજો સામાન, કરન્સી કોમોડીટીઝ ખરીદી કે સર્વિસીસમાં કામકાજ કરી શકાશે કે નહિ તેનું વર્ગીકરણ કરતી સ્પષ્ટતા માંગી છે. તેઓ એ બાબતે પણ ચોક્કસ થવા માંગે છે કે ક્રીપ્ટો એક્સચેન્જો દેશના જીએસટી કાયદાનો અમલ કઈ રીતે કરશે. બેંકો તરફથી આ સંદર્ભની કોઈ પણ સ્પષ્ટતા નહિ હોવાથી ક્રીપ્ટો એક્ચેન્જોએ ભારતમાં મની લેન્ડર તરીકેની માન્યતા મેળવવા આરબીઆઈનો સંપર્ક કર્યો છે.

વધુમાં એક્સચેન્જોએ તેમના પરના કરવેરાઓની આકારણીની તમામ શ્રેણીઓ નિશ્ચિત કરવાની પણ માંગણી કરી છે. ખાસ કરીને તેઓ એ જાણવા માંગે છે કે તેઓ કોમોડીટી, કરન્સી કે સર્વિસ એમ કઈ શ્રેણીમાં સ્થાન પામશે. તેમના માટે એ ખુબજ મહત્વનું છે કે સરકારે તાજેતરમાં જીએસટીમાં માળખાગત પરિવર્તનો કર્યા છે, ત્યારે તેમણે કરવેરાની બાબતમાં કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જો ડીજીટલ એક્સચેન્જોને જીએસટી દાયરામાંથી બાકાત નહિ રાખવામાં આવે તો, આવા ક્રીપ્ટો એક્સચેન્જો કરવેરા સત્તાવાળા સામે અદાલતે જવા પણ સજ્જ થઇ રહ્યા છે. 

ભારતમાં જાણીતા વાજીરેક્સ ક્રીપ્ટો એક્સચેન્જના સીઈઓ અને સ્થાપક નિશ્ચલ શેટ્ટી કહે છે કે નિયંત્રણ મુક્તિ બાદ માર્ચ અને એપ્રિલમાં અમારા પ્લેટફોર્મ પર કામકાજમાં ૮૦ ટકાનો વધારો થયો છે. હેસટેગ ઇન્ડિયા વોન્ટસ ક્રિપ્ટો નામે શરુ થયેલી સોસિયલ મીડિયા કેમ્પેઈનમાં કરોડો લોકો સાઈનઅપ થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કને ક્રીપ્ટો સામેના તમામ પ્રતિબંધો હટાવી લેવાનો આદેશ આપ્યા પછી તો ભારતીય લોકો ક્રીપ્ટો એક્સચેન્જ કઈ રીતે કામ કરે છે તે જાણવા વધુ સક્રિય થઇ ગયા છે.
                
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)