ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ક્રૂડ પામ ઓઇલ બજાર ઓવર બોટ પોજીશનમાં છે અને ગમ્મે ત્યારે પીછેમૂડ શરૂ કરશે, આવી આગાહી ઓઇલ વર્લ્ડના એકજિકયુટીવ ડિરેક્ટર થોમસ મિલકીએ કરી છે. તમે ઇતિહાસને જુઓ સીપીઓ મજબૂત તેજીમાં આવ્યા પછી એક ઊંચાઈ ધારણ કરીને ફ્રી ફોલ તૂટવાનું શરૂ કરે છે. ઇતિહાસમાં આવા ઘણા દાખલા છે, ૧૮ મે ૧૯૯૮માં ભાવ ટન દીઠ ૨૫૫૭ રીંગીટની ઊંચાઈએ ગયા પછી ૩૦ જૂન ૧૯૯૯એ ૯૮૮ રીંગીટના તળિયે બેસી ગયા હતા.

આ વખતે પણ ભાવ ફરી આસમાને ગયા છે, આટલી ઊંચાઈએ ભાવ ટકવા બાબતે શંકા પ્રવર્તે છે. વાસ્તવિકતા એ છે કે જે ચઢે છે તે પડે છે, મોટાભાગના એનાલિસ્ટ અત્યારે મંદી ધ્યાને સોદા ગોઠવી રહયા છે. ગત સપ્તાહે મલેશિયા ખાતેની સીપીઓ પ્રાઇસ આઉટલૂક ૨૦૨૧માં આ મુદ્દો ગરમાગમ ભજિયાની માફક ચર્ચાની એરણ પર હતો.

અલબત્ત, મહત્તમ એનાલિસ્ટોએ વર્તમાન તેજીને ધ્યાનમાં રાખીને આ વર્ષના સરેરાશ ભાવની આગાહી ૨૮૦૦ રીંગીટ  (૬૯૫ ડોલર) મૂકી છે, જે ૨૦૧૨ પછીની સૌથી ઊંચી આગાહી છે. ગતવર્ષના સરેરાશ ભાવ ૨૬૮૫ રીંગીટ હતા. તેજી પૂરી થવાના સાંકેતિક ફંડામેન્ટલ કારણો પણ છે. ઇન્ડોનેશિયાની સુપર ઉત્પાદન સાયકલ દરમિયાન ઉત્પાદન, ગતવર્ષના ૪૮૩ લાખ ટનથી ૧.૮ ટકા અને મલેશિયામાં ૧૯૬ લાખ ટનથી ૨.૪ ટકાની વૃધ્ધિનો આશાવાદ વ્યક્ત થયો છે. સીબીઓટી સોયા ઓઇલના ભાવ વધુ પડતાં ઊંચે જતાં રહેતા, પ્રમાણમાં સસ્તું લાગતું બુરસા મલેશિયા ડેરિવેટિવઝ ક્રૂડ પામ ઓઇલ, ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, મંગળવારે જુન વાયદો ૩૭૪૭ રિંગીટ મુકાયો હતો.        


 

 

 

 

 

ઓક્ટોબરમાં પૂરી થતી વર્તમાન ભારતીય ખધયતેલ મોસમમાં પામતેલની આયાત ૧૧ ટકા વધીને ૮૦ લાખ ટન અંદાજિત છે. રમજાન મહિનો શરૂ થવા સાથે ભારતમાં તળેલા ખોરાક ખાવાની મોસમ શરૂ થઈ જતી હોય છે, જે લગનસરા અને ત્યાર બાદના તહેવારોની લાંબી રાજાઓના દિવસો સુધી ખાદ્યતેલનો વપરાશ ઊંચા દરે જળવાઈ રહે છે. ભારતમાં મોંઘા ભાવના સનઓઇલ અને સોયાતેલની આયાત ઘટી હોવાથી સર્વાંગી ખાધ્યતેલનો વપરાશ મામૂલી બદલાવ સાથે ૨૧૩ લાખ ટન રહેશે. 

વર્તમાન ત્રિમાસિકમાં સનઓઇલ અને સોયાતેલના ભાવ અનુક્રમે ૨૮ અને ૨૯ ટકા વધ્યા છે, તેની તુલનાએ પામતેલના ૭ ટકા વધ્યા છે. ગોદરેજ ઇન્ટરનેશનલ લંડનના ડિરેક્ટર દોરાબ મિસ્ત્રી કહે છે કે ૨૦૨૦-૨૧માં ભારતને ૧૨૬ લાખ ટન ખાધ્યતેલ આયાત કરવાની આવશ્યકતા રહેશે. આ વર્ષે ભારતીય આયાતકારો પાસે તહેવારો પહેલા સ્ટોકનું પ્રમાણ ઘટ્યું છે. 

સનઓઇલ અને સોયાબીનની ઓછી આયાત, આ બંને તેલના ભાવને ભારતમાં ઊંચે લઈ જવામાં મદદગાર થયા છે, પરિણામે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ખાદ્યતેલ વપરાશકાર ભારત જે વર્ષે તેની કૂલ માંગના ૭૦ ટકા આયાત કરે છે, તેણે તેલિબિયાના વાવેતરને પ્રોત્સાહિત કરવાનો સમય પાકી ગયો છે. અત્યંત ઊંચા ખાદ્યતેલના ભાવ ને લીધે ગ્રાહકો પણ જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે છે.


 

 

 

 

 

જો ૭.૧ ટકાના સર્વાંગી વિકાસ વૃધ્ધિ દર (સીએજીઆર)ની આગાહીને ધ્યાનમાં લઈએ તો ૨૦૧૯માં ભારતે ૬.૪૫ અબજ ડોલર પામઓઇલ બજાર પાછળ ખર્ચ્યા હતા તે ૨૦૨૭માં ૧૫.૨૧ અબજ ડોલરનો ખર્ચ કરવાનો રહેશે. ભારતને વર્ષે સરેરાશ ૨૧૦ લાખ ટન ખાધ્યતેલની આવશ્યકતા રહે છે. જ્યારે ૭૦ લાખ ટનનું ઉત્પાદન કરે છે, આ જોતાં ભારતને વાર્ષિક રૂ.૭૫,૦૦૦ કરોડનું ધરખમ વિદેશી હૂંડિયામણ ખાધ્યતેલ આયાત પાછળ ખર્ચવું પડે છે.       

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)