ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): પચાસ ડોલર ઉપર વધી રહેલા ક્રૂડ ઓઇલ ભાવ અને વધતી માસિક વેપાર ખાધ કરન્સી બજારમાં રૂપિયાને નબળો પાડવયનું જોખમ વધારી શકે તેમ છે. સતત છ સપ્તાહ સુધી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યાની ઘટના પણ જૂન પછી પહેલી વખત બની છે. એએનઝેડ બેંકના ઇકોનોમિસ્ટ માને છે કે ભારતીય રૂપિયો ૨૦૨૦ની જેમ જ ૨૦૨૧માં વર્તન કરશે. અમારું માનવું છે કે જીડીપીની નકારાત્મક વૃદ્ધિ હળવી થઈને માર્ચમાં પૂરા થતાં ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં માઇનસ ૭ ટકા જેવી રહેશે.

અમે એવું માનીએ છીએ કે વર્તમાન નાંણાકીય વર્ષમાં ઉત્પાદન વધારાનો ગાળો વ્યયપાક બનશે, અને બાકીના મહિનાઓમાં ફુગાવા વૃધ્ધિ હળવી થવી શરૂ થશે. એએનઝેડ બેંક કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આગામી વર્ષમાં નીતિ વિષયક ફેરફાર કરવાની વધુ તકો મળશે. ૨૦૨૧માં સંયુક્ત રીતે ૦.૫૦ ટકાના વ્યાજદર બદલાવ શક્ય છે. નવેમ્બર ૨૦૨૦ માં ભારત નેટ આયાતકાર હતો, પરિણામે વેપાર ખાધ ૯.૯૬ અબજ ડોલરની સર્જાઇ હતી. પરંતુ શેરબજાર મજબૂત રહેતા રૂપિયા પર ખાસ કોઈ અસર જોવાઈ ના હતી.

મંગળવારે ઇન્ટર બેંક ફોરેક્સ એક્સ્ચેન્જ પર ડોલર સામે રૂપિયો ૭૩.૬૫ સાંકડી વધઘટે અથડાયો હતો. દરમિયાન છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ મંગળવારે આરંભિક ટ્રેડમાં મામૂલી મજબૂત થઈને 90.૬૫ રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું હતું કે આગામી વર્ષે ભારતની મોનિટરી પોલિસી ફ્રેમવર્ક અથવા ફુગાવાના લક્ષ્યાંકોમાં બહુ મોટા ફેરફાર સંભવિત નથી. હું માનુ છું કે આપણે વર્તમાન તમામ નીતિઓને તેના દાયરામાં જ રહીને પહોંચીવળવામાં સક્ષમ રહીશું. મને એ ખબર નથી કે આવી બાબતોમાં કોઈ ધરખમ ફેરફાર આવી જાય, જે કઈ થશે તે કાયદાને આધારે થશે.

ગત સપ્તાહે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. ૧૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું, તેને લીધે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ હાંસલ કરી હતી. આ તરફ રિઝર્વ બેન્કની વિદેશી હૂંડિયામણ અનામત તેની લાઈફ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચી હતી. શેરબજારના ડેટા કહે છે કે ગત શુક્રવારે એકજ દિવસમાં વિદેશી રોકાણકારો કેપિટલ માર્કેટમાં નેટ બાયર રહીને રૂ. ૪૧૯૫.૪૩ કરોડ ઠાલવ્યા હતા.

શક્તિકાન્ત દાસ કહે છે કે કોરોના રસીનું અવતરણ અને અમેરિકન અર્થતંત્રમાં મોટા રાહત પેકેજના આશાવાદે, જાગતિક શેરબજારોની તેજીની સવારી આવી છે. આ સવારીની વહેતી ગંગામાં ભારતીય શેરબજારોએ હાથ ધોઈ લીધા છે. બીજી તરફ, રૂપિયાને વધુ પડતો મજબૂત નહીં થઈ જવા દેવા માટે બજારમાં રિઝર્વ બેંકે સતત પોતાની હાજરી દર્શાવી છે. બ્રેકજિટ વાટાઘાટો નિષ્ફળ ગઈ તેને લીધે પણ બજારમાં અફડાતફડીનો માહોલ છે.

એચડીએફસી સિક્યુરિટીઝના દેવરસ વકીલે કહ્યું કે અમારું માનવું છે કે ડોલર સામે રૂપિયો સતત ચાર સપ્તાહથી મક્કમ રહ્યો છે, તે જોતાં હવે તેમાં પીછેહઠ અનિવાર્ય છે. અને તે આ સપ્તાહે રૂ. ૭૪ સુધી નબળો પડી શકે છે. આ સપ્તાહે કરન્સી ટ્રેડરોએ ફુગાવાદર તરફ નજર રાખવાની રહેશે, ફુગાવો વધી શકે છે. અને તેથી જ રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડા માટે હાલ તાત્કાલિક વિચાર કરે તેવી શક્યતા પણ ઓછી થઈ ગઈ છે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૫-૧૨-૨૦૨૦