ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સાઉદી અરેબિયાના ઓઇલ શિપિંગ પોર્ટ પર હુથી હુમલાખોરોએ રવિવારે દ્રોણ હુમલો કરીને એક તરફ જાગતિક ઓઇલ સપ્લાયને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો છે, બીજી તરફ આર્થિક રાજકીય મુદ્દે ચાલતા વિવાદમાં નવો પલીતો ચાંપીને ક્રૂડ ઓઇલની તેજીને નવું ઈંધણ પૂરું પાડ્યું છે. સિંગાપુર સ્થિત આઈએનજી બેંકના એનાલિસ્ટે કહ્યું કે તેજીના સમાચારમાં આ એક મજબૂત મુદ્દો સામે આવ્યો છે. હવે એવું લાગે છે કે સામસામા હુમલા વધી જશે, આથી કહી શકાય કે બજારને હવે જોખમનું પ્રીમિયમ ઊંચા ભાવ થકી ચૂકવવું પડશે.

અમેરિકન સેનેટે ૧.૯ ટ્રિલિયન ડોલરણનું રાહત પેકેજ સ્વીકારીને ક્રૂડ ઓઇલના ભાવને નવું જોમ પૂરું પાડ્યું છે. આ સ્થિતિમાં જો અમેરિકન ડોલર સતત મજબૂત થતો રહેશે તો, કેટલાંક એનાલિસ્ટ કહે છે કે આગળ વધી રહેલી તેજીને નવા અંતરાયનો સામનો કરવો પડશે. સોમવારે આઈસીઇ બ્રેન્ટ મે વાયદો, મે ૨૦૧૯ પછીની નવી ઊંચાઈએ ૭૧.૩૮ ડોલર પ્રતિ બેરલ, જ્યારે એપ્રિલ નાયમેક્સ ઓકટોબર ૨૦૧૮ પછીની ઊંચાઈએ ૬૭.૯૮ ડોલર બોલાયો હતો.

રોકાણકારોને ત્યારે આશ્ચર્ય સર્જાયું જ્યારે આખી દુનિયામાં કોરોના વેકસીન આપવાની શરૂ થયા પછી છેલ્લા બે મહિનાથી ભાવ સતત વધી રહ્યા હોવા છતાં સાઉદી અરેબિયાએ એપ્રિલથી દૈનિક ૧૦ લાખ બેરલ ઉત્પાદન કાપ જાળવી રાખવાનો નિર્ણય લીધો.


 

 

 

 

 

ગોલ્ડમેન સાસે ૨૦૨૧ના બીજા ત્રિમાસિક માટે સરેરાશ ભાવની આગાહી પાંચ ડોલર વધારીને ૭૫ ડોલર અને ત્રીજા ત્રિમાસિક માટે ૮૦ ડોલર કરી છે. યુબીએસએ બ્રેન્ટની બીજા ત્રિમાસિકની સરેરાશ ભાવ આગાહી વધારીને ૭૫ ડોલર અને ડબલ્યુટીઆઇની ૭૨ કરી છે. ફુગાવાદર વૃધ્ધિની સંભાવના, પુરવઠા અછત, અને માંગમાં નવેસરથી વધારો, તાજેતરમાં વધેલા ક્રૂડ ઓઇલના ભાવને, આગામી મહિનામાં વધુ ઉપર જવાનો માર્ગ મોકળો કરી આપશે.

એનાલિસ્ટો અને ટ્રેડરો કહે છે કે ધીમું પડેલા ફિજિકલ ક્રૂડ ઓઇલ વેચાણને જોઈએ, સાથે માંગ સુધારામાં ચંચળતા ન આવે ત્યાં સુધી ત્રીજા ત્રિમાસિક આસપાસ ભાવમાં મોટી તેજી આવવાની આગાહી કરવી અત્યારે વાજબી નહીં ગણાય. યુબીસના એનાલિસ્ટ કહે છે કે પ્રાથમિક રીતે જોઈએ તો ગત ગુરુવારે બજાર તેજીના રવાડે ચઢી ગઇ, તેનું મૂળ કારણ છે બજારની ધારણા હતી કે ઓપેક અને સાથી દેશો દૈનિક ૧૫ લાખ બેરલનું ઉત્પાદન વધારશે, તેને બદલે તેમણે એપ્રિલથી દૈનિક માત્ર ૧.૫ લાખ બેરલ ઉત્પાદન વધારાનો અત્યંત સાવચેત નિર્ણય લીધો.

બજાર માંગ પુરવઠાના સામાન્ય નિયમ પ્રમાણે ચાલે છે. જો વેચાણ માટે વધુ ઉત્પાદન કરવામાં આવે તો પ્રત્યેક બેરલ દીઠ તેમને વ્યક્તિગત રીતે ઓછો નફો મળે. આ જ કારણ છે ઓપેકના તમામ સભ્યો વચ્ચે એવી ચર્ચા થઈ હતી કે બજારમાં ઉછળકુડ જાળવી રાખવા માટે વૈશ્વિક સપ્લાય નિયંત્રિત અને ઓછી રાખવી. આથી ભાવને ઉપર જવાનો માર્ગ મોકળો રહે અને દરેક ઉત્પાદકની નફાશક્તિ વધુ રહે.
     

 

 

 

 

 
ભાવ વધવાનું અન્ય કારણ એ પણ હતું કે ગત શુક્રવારે અમેરિકન અર્થતંત્રના આંકડા આવ્યા, અને ફેબ્રુઆરીની ધારણા કરતાં વધુ નોકરીઓ આપવામાં આવી તેવું દાખવવામાં આવ્યું. આ એજન્સી વધુમાં જણાવ્યું કે ઘણાવર્ષો પછી અમેરિકન ઊર્જા મંત્રાલયે તેની વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતમાંથી પહેલી વખત વિદેશી સરકારોને ક્રૂડ ઓઇલનું વેચાણ કર્યું હતું.

ચીનમાં રિફાઇનરીઓની ક્ષમતામાં વધારો અને વેગથી વધી રહેલી માંગને સંતોષવા ૨૦૨૧ના પ્રથમ બે મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત, ગતવર્ષ કરતાં ૪.૧ ટકા વધારીને ૮૯.૫૭ લાખ ટન કરી હતી. જો ૨૦૧૯ના આ સમયગાળાને જોઈએ તો આ આયાત ૯.૫ ટકા વધુ હતી.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)