ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):ખાદ્યતેલની આયાત, મે મહિમાના ૨૦૧૧ પછીના નવા તળિયે ગયાનાં અહેવાલમાંથી પ્રેરણા મેળવીને સરકારે ૨૦૨૦-૨૧ (એપ્રિલ-માર્ચ)માં ૪૫ લાખ ઓઈલ પામ છોડનું વાવેતર લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. એક અનામી સરકારી અધિકારીએ કહ્યું હતું કે ક્રુડ ઓઈલ અને સોનાચાંદી પછી ખાધ્યતેલની આયાત ત્રીજા નંબરે રૂ. ૭૫૦ અબજની થાય છે, સરકારના પ્રયાસો આયાત ઘટાડીને દેશમાં જ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના છે. કૃષિ મંત્રાલય સાથેના આ અધિકારીએ કહ્યું કે ભારતમાં ૧૯ લાખ હેકટર જમીનમાં ઓઈલ પામટ્રી ઉગાડી શકાય તેવી ખારાબાવાળી જમીન શોધી કાઢવામાં આવી છે.    

સરકાર ઈચ્છે છે કે જુન-જુલાઈમાં વધુ ૧૦,૦૦૦, ત્યાર પછી ઓગસ્ટથી માર્ચ તબક્કામાં વધુ ૨૧,૫૦૦ ઓઈલ પામ છોડવાનું વાવેતર કરી દેવામાં આવે. ૨૦૧૯-૨૦મા મીઝોરામ, આસામ, નાગાલેંડ અને અરુણાચલ પ્રદેશમાં ૧૭,૦૦૦ હેકટરમાં ઓઈલ પામ છોડવાનું સફળતા પૂર્વક વાવેતર કરી દેવામાં આવ્યું છે. ભારતની વાર્ષિક સરેરાશ પામતેલ આયાત ૯૦ લાખ ટન થાય છે, તેની સામે ઉત્પાદન માત્ર બે લાખ ટન થાય છે. આ તેલીબિયાના વાવેતર માટે સરકારે મલેશિયા, ઇન્ડોનેશિયા અને કોસ્ટારિકા પાસેથી ટેકનોલોજી પ્રાપ્ત કરી છે. 

૨૫ માર્ચથી ભારતમાં કોરોના લોકડાઉન લાગુ પડ્યા પછી, ખાધ્યતેલની આયાત વેગથી ઘટી હતી. એપ્રિલ અને મેમાં હોટલ સેગમેન્ટના રેસ્ટોરન્ટ, કેન્ટીન, કન્ફેશનરી ઉદ્યોગ અને જાહેર ઉત્સવો બંધ થવાથી જથ્થાબંધ માંગ લગભગ નહીવત થઇ ગઈ હતી. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર ડો. બીવી મહેતાએ કહ્યું કે દેશની કુલ ખાદ્યતેલ આયાતમાં એકલા પામતેલનો હિસ્સો ૬૦ ટકા જેટલો મોટો છે. મે મહિનામાં પામતેલની આયાત ૫૨.૬૯ ટકા ઘટીને ૩૮૭.૦૦૦ ટન થઇ હતી, મે ૨૦૧૯મા આ આંકડો ૮૧૮.૦૦૦ ટન હતો.    

આરબીડી પામોલીનની આયાતો હિસ્સો ૭૬ ટકા ઘટી જવાને કારણે નવેમ્બર ૨૦૧૯થી મે ૨૦૨૦ સુધીમાં કુલ ખાદ્યતેલોમાં આયાત ગતવર્ષના સમાનગાળાની ૮૩૮.૪૭ લાખ ટનથી ૧૮ ટકા ઘટીને ૬૮૮.૯૭ લાખ ટન થઇ હતી. આ વર્ષના ૮ જાન્યુઆરીથી આરબીડી પામોલીનને નિયંત્રિત આયાતની યાદીમાં મુકવામાં આવતા આયાતમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.  
મે મહિનામાં તમામ ખાધ્યતેલની આયાત, મે ૨૦૧૯ની ૧૧.૮ લાખ ટનથી ૪૦ ટકા ઘટીને ૭.૦૭ લાખ ટન થઇ હતી, જે છેલ્લા ૯ વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછી માસિક આયાત હતી. પામ પ્રોડક્ટની આયાતમાં ઘટાડાનો લાભ, ગૃહ વપરાશની વધેલી માંગથી સોયાતેલ અને સનઓઈલને થયો હતો.  નવેમ્બર-મે દરમિયાન સોફ્ટ ઓઈલ સોયાબીન તેલની આયાત ૭ ટકા અને સુર્યમુખી તેલની ૧૧ ટકા વૃદ્ધિ થઇ હતી.  

મલેશિયન ક્રુડ પામ ઓઈલ વાયદો સતત ચોથા સપ્તાહે વધ્યો હતો, સીપીઓ ઓગસ્ટ વાયદો વધીને ટન દીઠ ૨૩૪૭ રીંગીટ (૫૪૯.૩૯ ડોલર) સપ્તાહાંતે બંધ થયો હતો. ગત સપ્તાહે આ વાયદો ૨.૩ ટકા વધ્યો હતો. ભાવ વધવાનું મૂળ કારણ, જાગતિક બજારમાં નીચા ભાવના પામતેલની સ્પર્ધાત્મક માંગ વૃધ્ધી હતું.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)