ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): જગતના તમામ દેશોએ કોરોના સંદર્ભના લોકડાઉન હળવા કર્યા પછી, ક્રુડ ઓઈલની માંગમાં નવી જાન ફૂંકાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વની બીજા નંબરની ક્રુડ ઓઈલ બજાર ચીન, જે કુલ જાગતિક ઉત્પાદનનો ૧૫ ટકા હિસ્સો વાપરે છે, ત્યાં કોરોના મહામારી પૂર્વે હતી તેટલી માંગ પાછી ફરી છે. આની પાછળ પાછળ ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોએ પણ ઉત્પાદન કાપ આદર્યો છે ક્રુડ ઓઈલ માટે મે મહિનો, તેના ઐતિહાસિક માસિક ભાવ વધારા માટેનો શ્રેષ્ઠ ગણાયો હતો.

એપ્રિલમાં ઐતિહાસિક ગાબડા પડ્યા પછી મેમાં ક્રુડ ઓઈલ ૮૮ ટકા મજબુત રીતે બાઉન્સ બેક થયું હતું. જાન્યુઆરીની ૬૫.૬૫ ડોલરની ઊંચાઈથી હવે માત્ર ૪૬ ટકા દુર છે. બુધવારે ડબ્લ્યુટીઆઈ જુલાઈ વાયદો વધીને ૩૮.૧૮ ડોલર અને બ્રેન્ટ ૪૦ ડોલર વટાવી ૪૦.૫૨ ડોલર મુકાયો હતો. શાંઘાઈ ઇન્ટરનેશનલ એનર્જી એક્સચેન્જ પર જુલાઈ વાયદો ૧.૮ યુઆન (૦.૨૫ સેન્ટ) વધીને ૨૭૮.૬૦ યુઆન મુકાયો હતો.

ડબ્લ્યુટીઆઈ વાયદાએ ૪૦ ડોલરની યાત્રા શરુ કરી દીધી છે. જો નાયમેકસ પર ઘટી રહેલા ઉભા ઓળિયા (ઓપન પોઝીશન) અને કામકાજ (વોલ્યુમ)નું મિશ્રણ જોઈએ તો તેણે ટૂંકાગાળા માટેના ક્રુડ  ઓઈલની તેજીના દ્વાર ખોલી નાખ્યા છે. સીએમઈ ગ્રુપ પર મળતા પ્રાથમિક આંકડા કહે છે કે બુધવારે સતત ત્રીજા દિવસે ઉભા ઓળિયા ઘટીને ૧૦૦૦ કોન્ટ્રેક્ટ જેટલા જ રહી ગયા હતા, બરાબર એજ સમયે કામકાજનું પ્રમાણ ઘટીને સરેરાશ ૩૮,૦૦૦ કોન્ટ્રેક્ટ જેટલું રહી ગયું હતું. 

ઇન્ટરનેશનલ એનર્જી એડ્મીનીસ્ટ્રેશને એપ્રિલમાં કહ્યું હતું કે ૨૦૨૦મા વૈશ્વિક ક્રુડ ઓઈલનો દૈનિક સરેરાશ વપરાશ ૯૩ લાખ બેરલ ઘટશે પણ મેમાં તેણે આ અનુમાન ઘટાડીને ૮૬ લાખ બેરલ કર્યું હતું. આ તરફ ક્રુડ ઓઈલ ઉત્પાદન ઘટીને તેની મૂળ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. ૧૪ રાષ્ટ્રોનું બનેલું સંગઠન ઓપેક અને તેના સાથી રાષ્ટ્રોએ ૧ મેથી દૈનિક સરેરાશ ૯૭ લાખ બેરલ ઉત્પાદન કાપ મૂકી દીધો છે. 

ઓપેક પલ્સ ગ્રુપમાંથી એવા સમાચાર આવ્યા હતા કે તેઓ આગાઉં નિર્ધારિત ૯ અને ૧૦ જુન મીટીંગ, ટેલીકોન્ફરન્સીંગ ધોરણે આ સપ્તાહે જ બોલાવી લેવામાં આવશે. રશિયા અને ઓપેક દેશો વહેલી મીટીંગ બોલાવવા માટે સહમત થયા હોવાનો મતલબ એ કાઢવામાં આવી રહ્યો છે કે વર્તમાન ઉત્પાદન કાપની અંતિમ તારીખ, જુન એન્ડ પછી પણ વિસ્તારવા માટે સર્વસંમતી સધાઈ જશે. વધુમાં સાઉદી અરેબિયાએ તો જુન અંત સુધી વધારાના ૧૦ લાખ બેરલ દૈનિક ઉત્પાદન કાપ માટેની વિનંતી પણ કરી નાખી છે. 

યુએઈ અને કુવેતએ પણ જુનમાં દૈનિક વધારાના ૧૧.૮ લાખ બેરલ કાપ મુકવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ પણ માર્ચમાં દૈનિક ૧૩૧ લાખ બેરલ વિક્રમ ઉત્પાદન કર્યા પછી હવે ઘટાડીને ૧૧૪ લાખ બેરલ કરી નાખ્યું છે. નોર્વે અને કેનેડા તેમજ અન્ય દેશોએ પણ ઉત્પાદનમાં પીછેહઠ કરી દીધી છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)