ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : વધારતો ફુગાવો અને એર ટ્રાવેલની ઘટતી માંગ કહે છે કે ક્રૂડ ઓઇલની તેજી સ્થિર થવામાં જોખમ છે. તાજેતરમાં ભાવો ઘટયા મથાળેથી વધી આવ્યા, ગત સપ્તાહે તેજી જલદ બની ગઈ અને ઓગસ્ટ ૨૦૨૦ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો દાખવ્યો. શુક્રવારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૭૫.૬૮ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ૭૨.૩૫ ડોલર બોલાયા, બંને વાયદા ગત સપ્તાહમાં ૭ ટકાનો ઉછાળો દાખવતાં હતા, છેલ્લા સાત સપ્તાહમાં આ પહેલો સુધારો હતો.  

ઓગસ્ટ સુધી તો રોકાણકારો એવું માનતા હતા કે ઓમીક્રોન નવો કોરોના વાયરસ બહુ ઉત્પાત નહીં કરે, એવા આશાવાદે આર્થિક વિકાસ જળવાશે અને ઉર્જાની માંગ પણ ચાલુ રહેશે. એથી બધાને નિરાંત હતી. ઓપેક પ્લસ દેશો, જાન્યુઆરી ૨૦૨૨થી ઉત્પાદન વધારવાની યોજના પર બે ડિસેમ્બરે સહમત થયા, ત્યાર પછી પણ ભાવ વૃધ્ધિ જળવાઈ રહી હતી. 

જગતના સૌથી મોટા ક્રૂડ ઓઇલ વપરાશકાર અમેરિકાએ ભાવ નીચા રાખવાની યોજનાથી નારાજ થઈ ઓપેક પ્લસ દેશો પર ઉત્પાદન વધારવાનું દબાણ વધી ગયું હતું. પણ ગત સપ્તાહના આરંભે એશિયા અને અમેરિકા જેવી મોટી બજારમાં મોટી માંગનો આશાવાદ જોઈને સાઉદી અરેબિયાએ ૧ જાન્યુઆરીથી પોતાના વેચાણ કરારો, ઊંચા ભાવેથી કરવા શરૂ કરી દીધા. પરિણામે બજારનો આંતરેપ્રવાહ તેજી તરફી થઈ ગયો. 

Advertisement


 

 

 

 

 

યુનાઈટેડ નેશસન્સની સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જ્યારથી નવા જંતુ ઓમીક્રૉન વિષે ચિંતા જાહેર કરી ત્યારથી, વિશ્વના ૬૬ ટકા ક્રૂડ ઓઇલના સોદા જ્યાં પડે છે તે બ્રેન્ટ વાયદો ૨૬ નવેમ્બરે એકજ દિવસમાં ૯.૫ ડોલર અથવા ૧૨ ટકા તૂટી પડ્યો, આવો એક દિવસીય કડાકો છેલ્લા બે દાયકામાં કદી જોવાયો નથી. માંગ સતત વધતી હોવાથી ઓકટોબરના અંતિમ તબક્કામાં તો ભાવ સાત વર્ષની ઊંચાઈએ ૮૬ ડોલર પહોચિ ગયા હતા, પણ ત્યાર પછી અત્યાર સુધીમાં ૧૩ ટકા ગબડી પડ્યા છે. 

અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને એક એનાલિસીસીમાં કહ્યું હતું કે ઓમીક્રૉન વાયરસની અસરો ખતરનાક હશે, તેવા અહેવાલ આવવા લાગતાં ક્રૂડ ઓઇલની માંગ ધબી પડી હતી. ૨૦૦૦ પછી પહેલી વખત બ્રેન્ટ ક્રૂડ વાયદો દૈનિક ધોરણે ઘટતો રહી ૮ જ દિવસમાં ૧૦ ટકા તૂટયો હતો. શુક્રવારે અમેરિકન ઓઇલ મંત્રાલયે જાહેરાત કરી કે પેટ્રોલના ભાવ વધતાં રોકવાના હેતુથી ૧૭મી ડિસેમ્બરે તે પોતાના વ્યૂહાત્મક ઓઇલ પુરવઠામાંથી ૧૮૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ બજારમાં ઠાલવશે. 

Advertisement


 

 

 

 

 

ભારત, ચીન, સાઉથ કોરિયા જેવા દેશો પોતાને ત્યાં વધતાં ભાવને કાબુમાં લેવા પોતાના અનામત ક્રૂડ ઓઇલ જથ્થામાંથી બજારમાં ઠાલવવાનો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ જો બાઈડેને પણ નવેમ્બરમાં ૫૦૦ લાખ બેરલ બજારમાં મૂકવાની જાહેરાત કરી દીધી હતી. વ્યૂહાત્મક અનામતમાંથી ક્રૂડ છૂટતું કરવાના અમેરિકન નિર્ણયથી બજારમાં પુરાંત વધશે. અમેરિકા કેન્સાસ અને લ્યુઇસિયાના રાજ્યમાં ૬૦૦૦ લાખ બેરલ અનામત ક્રૂડ જથ્થો ધરાવે છે. અલબત્ત, અત્યારે તે ૨૦૦૩ પછીનો સૌથી ઓછો છે. નવો જથ્થો બજારમાં મૂક્યા પછી અમેરિકાનો ક્રૂડ અનામત જથ્થો ૧૯૮૩ની નીચલી સપાટીએ જતો રહેશે, જે ૨૦૩૨ સુધી જળવવાનું નિર્ધારિત થયું છે.      

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)