ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આ વર્ષે ૧૫ ટકાના ભાવ ઘટાડા પછી ઓક્ટોબરના આરંભે બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ ૪૦ ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થયાના અહેવાલ પછી શુક્રવારે ડબલ્યુટીઆઈ ક્રુડ નવેમ્બર વાયદો ઇન્ટ્રાડેમાં ૩૬.૬૩ ડીલર અને બ્રેન્ટ ૩૮.૮૦ ડોલરના તળિયે બેઠા. ગત સપ્તાહે કોરોના સંદર્ભના સમાચારની નવી સાયકલ ચાલુ થતા જ તબક્કાવાર ૬ ટકા ઘટ્યા હતા. આટલું અધૂરું હતી તેમાં ઓઈલ રીગ કાઉન્ટ કરતી એજન્સી બાકર હ્યુજીસે તેલ કુવાની સંખ્યા વધ્યાના સમાચાર આપ્યા હતા.

અમેરિકામાં ઓઈલ ઉત્પાદન કરતી રીગની સાપ્તાહીક સંખ્યા, ગત સપ્તાહની ૧૮૩થી વધીને ૧૮૯ થઇ હતી. આ સંખ્યા આવતા જ ડબલ્યુટીઆઈ વાયદો ૪૦ ડોલરની નીચે જશે એ નિર્ધારિત થઇ ગયું હતું. ક્રુડ ઓઈલ કોરોના વાયરસની વૃદ્ધિ આખા વિશ્વમાં થઇ રહી હોવા સાથે, ચોક્કસ પ્રકારના લોકડાઉન પગલાં આવી પડતા ભાવને નીચે જવાની ફરજ પડી હતી. અલબત્ત, એનાલીસ્ટો કહે છે કે શિયાળાના દિવસો માથે હોઈ ભાવ ૨૫ ડોલરની નીચે જવાનો કોઈ સિનારિયો નથી બનતો. અન્ય ઘણા કારણો ઉપરાંત જાગતિક ધોરણે ક્રુડ ઓઈલનું ઉત્પાદન ધરખમ પ્રમાણમાં ઘટી રહ્યું છે.

ચીનના અર્થતંત્રમાં માંદગીની સમસ્યા ઓછી થઇ હોવાથી મજબુત માંગ શક્ય છે. ચીનમાં ક્રૂડની આયાત ઘટી હોવાને ધ્યાનમાં લઈએ તો અત્યારે ભાવ પર તેનો કોઈ પ્રત્યાઘાત નથી. ચીને નીચા ભાવે આવશ્યકતા કરતા વધુ ઓઈલ વિશ્વ બજારમાંથી ખરીદી લીધું છે. ભાવ વધુ ઘટવાનો સિનારિયો ઉદ્ભવશે તો ઓપેક સહિતના દેશો બજારને તુરંત પ્રત્યાઘાત આપવા ઉત્પાદન કાપ મૂકી પુરવઠા પર નિયંત્રણ મેળવશે. 


 

 

 

 

 

આ જોતા કહી શકાય કે માર્ચ એપ્રિલમાં જે રીતે ભાવ તૂટ્યા હતા, તેવું હવે બનવાની સંભાવના ટાળી શકાય તેમ છે. જો કોરોના મહામારી વકરે તો પણ ભાવ મોટાપાયે ગબડી નહિ પડે. સરકારોને હવે ખબર પડી ગઈ છે કે સંપૂર્ણ લોકડાઉનથી કેવા દુષ્પરિણામ આવે છે. તેથી હવે પછી મોટાપાયે લોકડાઉન પણ સંભવિત નથી. કોરોના મહામારી વચ્ચે માંગ વૃદ્ધિ ધીમી પડી ગઈ છે અને લીબિયાથી નિકાસ શરુ થઇ જતા ઓપેક દેશોએ ઉત્પાદનની ગતિ ધીમી પાડવી પડી છે, આથી ક્રુડ ઓઇલના ફંડામેન્ટલ્સ સામે પડકારો યથાવત રહ્યા છે. 

સાક્સો બેન્કના ઓલે હેન્સન કહે છે કે જો અમેરિકમાં ઓઈલ ઉત્પાદનમાં સ્લોડાઉન જળવાઈ રહેવા દ્વારા સપોર્ટ નહિ આવે તો તે સ્થિતિમાં કૈંક અંશે ભાવ દબાણમાં આવશે. તે સિવાય સર્વાંગી રીતે જોઈએ તો વર્તમાન સપાટી વાજબી ગણવી જોઈએ. સાક્સો બેન્કનું માનવું છે કે ચોથા ત્રિમાસિકમાં બ્રેન્ટ ક્રુડનાં ભાવ ૩૮થી ૪૮ ડોલર વચ્ચે રહેવા જોઈએ. શક્યતા એવી પણ છે કે ભાવ ઘટીને ૩૬ ડોલર ટચ કરે. એનાલીસ્ટો માને છે કે ૨૦૨૧ અથવા ૨૦૨૨ પૂર્વે ભાવમાં કોઈ મોટો વધારો થાય.  

તેઓનું કહેવું છે કે જ્યાં સુધી વ્યાપકપણે કોરોના વેક્સીનની ઉપલબ્ધી નહીં થાય ત્યાં સુધી ભાવ નીચા રહેવાના છે. આ રસી આગામી ૧૨ મહિનામાં ઉપલબ્ધ થવાની શક્યતા ધૂંધળી છે. આ આધારે જોઈએ તો માંગમાં સુધારો અને ભાવમાં વાજબી વૃદ્ધિ શક્ય નથી જણાતી. સપ્ટેમ્બરમાં ઇઝરાયેલ અને યુએઈ વચ્ચે શાંતિ કરાર થયા તે સાથે જ અમેરિકા, ઇઝરાયેલ અને યુએઈ ઓઈલ ફિલ્ડ, અને રીન્યુએબલ તેમજ અન્ય પ્રકારનાં ઊર્જા ક્ષેત્રમાં સહકાર સાધવાની સહમતી દાખવી છે.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)