ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): એશિયન બજારોમાં ધીમી પડી ગયેલી ક્રુડ ઓઈલ માંગ વૃદ્ધિ, અમેરિકન ઉનાળુ ડ્રાઈવિંગ મોસમનો અંત અને ઓપેક પ્લસ દેશોમાં સપ્લાય વધારાની સંયુક્ત અસર, ટૂંકાગાળામાં ભાવ ઘટાડાના સંકેત ફરી આપવા લાગ્યા છે. ક્રુડ ઓઈલમાં રૂઢીચુસ્ત વલણ ધરાવતા રોકાણકારો તો કહે છે કે ઇતિહાસની સૌથી મોટી મહામારી અને જેટ ફ્યુઅલ બજારનો માંગ ઘટાડો એક બીજાની સ્પર્ધામાં ઉતર્યા છે. લાગે છે કે ક્રુડ ઓઈલની ભાવ સ્વીકૃતિ ૪૦થી ૪૫ ડોલર નહિ પણ ૩૫થી ૪૦ ડોલર આસપાસની કરી નાખશે.

બ્રેન્ટ ક્રુડ ઓઈલ ગતસપ્તાહે ૫.૬ ટકા ઘટ્યા પછી બુધવારે ઇન્ટ્રાડેમાં ૨૫ જુન પછી નવેમ્બર વાયદો પહેલી વખત ૩૯.૩૬ ડોલર સીઝન લો થયો હતો. બ્રેન્ટમાં સીધો બદલો પણ જોવાયો છે, જે સૂચવે છે કે ઓવર સપ્લાય સ્થિતિ પાછી ફરી રહી છે, જેમાં હાજર વાયદા કરતા દુર-ડીલીવરી વાયદામાં વધુ ભાવ બોલાતા હોય. બુધવારે અમેરિકન બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ઓક્ટોબર વાયદો ઘટીને ૩૬.૧૭ ડોલર થયા પછી ૩૭.૧૭ ડોલર બોલાયો હતો. મંગળવારે આ વાયદામાં ૮ ટકાનું ગાબડું પડ્યું હતું. બંન્ને વાયદા ત્રણ મહિનાની બોટમે ગયા છે.

ટૂંકાગાળાના ફન્ડામેન્ટલ્સ નબળા જણાય છે, માંગ વૃદ્ધિનું કોઈ ચિન્હ જણાતું નથી, માલભરાવો અને વધારાની ઉત્પાદન ક્ષમ્તા પણ ઉંચે ગયા છે, રીફાઈનરીઓનાં નફા ઘસાઈ ગયા છે. આ વર્ષના માર્ચ મહિનાથી કોરોના લોકડાઉન થયા પછી તો ધંધાધાપા પણ મોટાપાયે અસર પામ્યા છે. આને લીધે છેલ્લા ચાર મહિનાથી કોમોડીટી બજારમાં ઉચાટનું વાતાવરણ સર્જાયું છે. ઓપેક પ્લસ દેશોના ઉત્પાદન કાપે થોડી ધરપત આપી હતી, પણ રોજિંદાધોરણે અપાતા નબળા આર્થિક આંકડા થકી લોક માનસ સાવ ખરડાઈ ગયું છે. ક્રુડ ઓઈલની માંગ વધે તેમાં કોઈ દમ દેખાતો નથી. 


 

 

 

 

 

જુલાઈથી અમેરિકન રોજગારી આંકડામાં સહેજ સુધારો જોવાયો છે, પણ તે મૂળસ્થિતિમાં આવવાની શક્યતા નહીવત હોવા સાથે ડોલર મજબુત થયો છે, તેણે કોમોડીટીને રાહત આપી છે અને ક્રુડ ઓઈલને વેગથી ૪૦ ડોલરની નીચે જતા અટકાવ્યું છે. આખરી ફટકો ઓપેકના કહેવાતા નેતા સાઉદી અરેબિયાએ ગત સપ્તાહે માર્યો હતો, બજાર હિસ્સો વધારવા વેચાણ ભાવ ઘટાડી નાખ્યા.

હજુ તો એક સપ્તાહ પહેલા, ઉનાળુ ડ્રાઈવિંગ મોસમ પૂરી થવા અગાઉ જ અમેરિકન રીફાઈનરીઓએ ક્રુડ ઓઈલ વપરાશ પાંચ ટકા ઘટાડ્યો હતો. તેજીમાં આવેલો ડોલર ઇન્ડેક્સ ૯૩ પોઈન્ટ ટચ કરી ગયો છે. બીજી તરફ વોલ સ્ટ્રીટ શેરબજારમાં વધુ ગાબડા અટક્યા છે, આ બન્ને ઘટનાઓએ ક્રુડના તેજીવાળાને પાછળ હડસેલવાની નોબત વગાડી છે. અહી પ્રશ્ન એ છે કે તેજીવાળા વધુ હળવા થવાનું ચાલુ રાખશે? જો હા, તો ભાવ કેટલા નીચે જઈ શકે?

ટેકનીકલ એનાલીસ્ટ કહે છે કે મંગળવારે બ્રેન્ટ ૩૯.૧૦ ડોલરની સપોર્ટ ટેરીટરી નજીક પહોચી ગયો હતો, બુધવારે નજીવો સુધર્યો. પણ અહી યાદ રાખો ૩૧ ઓગસ્ટથી ક્રુડ ભાવનું સ્ટ્રકચર હજુ લોઅર હાઈ અને લોઅર લોઝ આસપાસ જ રહ્યું છે. આથી કહી શકાય કે ટૂંકાગાળા માટે ક્રુડ ઓઈલ નકારાત્મક વલણ અપનાવી બેઠું છે, બુધવારનો સુધારો લાંબો ટકે તેવી કોઈ સંભાવના અત્યારે નથી દેખાતી.        

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)