મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: બિમાર દીકરીઓથી પરેશાન કચ્છનાં માંડવી તાલુકામાં જખણીયા ગામનાં એક વ્યક્તિએ ત્રણ નાની નાની દીકરીઓનું ખૂન કરી નાખવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બુધવારે સવારે બળઝબરી પૂર્વક પત્નીને ઝેરી દવા આપ્યા બાદ આ નિષ્ઠુર બાપે ઘરમાં રહેલી ત્રણ નાની દીકરીઓને ધારદાર હથિયારથી રહેંસી નાખી હતી. એક સાથે ચાર-ચાર ખૂનની વાત બહાર આવતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાતકી વારદાતને અંજામ આપ્યા બાદ માનસિક રીતે ડિસ્ટર્બ આ વ્યક્તિ ભાગી ગયો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી સૌરભસિંગનાં જણાવ્યા પ્રમાણે, બુધવારે સવારે કચ્છનાં માંડવી તાલુકામાં આવેલા જખણીયા ગામે આ ઘટના બની હતી. જેમાં 35 વર્ષનાં શિવજી જખુ પચાણ (સંઘાર) નામનાં વ્યક્તિએ પોતાના ઘરમાં જ ખૂની ખેલને અંજામ આપ્યો હતો. સૌ પ્રથમ 32 વર્ષની પોતાની પત્ની ભાવનાને શિવજીએ ઝેરી દવા પીવડાવવાની કોશિશ કરતા આસપાસનાં લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા પછી શિવજીએ ઘરને અંદરથી બંધ કરી ઘરમાં રહેલી તેની દીકરી ધર્મિષ્ઠા(2 વર્ષ), કિંજલ (7 વર્ષ) અને તૃપ્તિ (10 વર્ષ)ને ધારદાર હથિયારથી રહેંસી નાખી હતી. માસૂમ દીકરીઓને મોતને ઘાટ ઉતારનાર શિવજી ત્યારબાદ ભાગી ગયો હતો.

સુત્રોનું માનીએ તો શિવજીની ત્રણમાંથી બે દીકરી લાંબા સમયથી બીમાર હતી. અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. જેને કારણે તે માનસિક રીતે ડિસ્ટર્બ રહેતો હતો. એટલે પ્રાથમિક તબક્કે આ કારણોસર તેણે ઘરમાં જ ખૂની ખેલને અંજામ આપ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ઘરનાં જ ઘાતકી શિવજીને શોધવા માટે પોલીસે સમગ્ર રસ્તા ઉપર નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઘટનાની ગંભીરતાને પશ્ચિમ કચ્છનાં એસપી સહિતનાં પોલીસ અધિકારીઓનો કાફલો જખણીયા ગામે પહોંચી ગયો હતો.