મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ માલપુર તાલુકાના ભેંમપોડા ગામના કુવામાંથી વૃધ્ધાનો મૃતદેહ શુક્રવારે મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી.અને વૃધ્ધાએ કયા કારણોસર કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું તેની ચર્ચાઓ પંથકભરમાં ચગદોળે ચડી હતી.ત્યારે વૃદ્ધાનું મોત અકસ્માત નહી પરંતુ આયોજનપૂર્વક કરાયેલ હત્યાનું કાવતરૂ હોવાનું અને વૃદ્ધાની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની પુત્રવધુએ જ કરી હોવાનું બહાર આવતા અને માતાની લાશને સગેવગે કરવામાં તેના પુત્રએ પત્નીને સાથ આપ્યો હોવાનું બહાર આવતા પુત્ર સામે ફીટકાર વરસ્યો હતો. માલપુર પોલીસે વૃધ્ધ સાસુના હત્યાના ગુનામાં પુત્રવધુ અને પુરાવા નાશ કરવામાં મદદ કરનાર સાગરીત એવા પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માલપુર પીઆઈ એફ એલ રાઠોડ અને તેમની ટીમે હત્યારી પુત્રવધુ અને પુત્રને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

માલપુર તાલુકાના ભેમપોડા ગામે જમકુબેન શનાભાઈ ખાંટ તેમના પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષી બેન સાથે રહેતા હતા પુત્રવધુ મીનાક્ષી સાથે વૃદ્ધાને કામકાજ અંગ ઝગડા થતા હોવાથી અને તેમના પુત્રના ઘરે પારણું ન બંધાતા વારંવાર પુત્રવધુ મીનાક્ષીબેનને મહેણાં ટોણા મારતા હોવાથી ગૃહકંકાસ વધી જતા ઝગડાથી કંટાળેલ પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષીએ જમકુબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

માતાની અને સાસુની હત્યા છુપાવવા પુત્ર-પુત્રવધુ એ વૃદ્ધાની લાશને ગામ નજીક કુવામાં નાખી દઈ જાણે કઈ જ ન બન્યું હોય તેમ ઘરે આવી ગયા હતા અને રાબેતા મુજબ કામકાજ શરુ કરી દીધું હતું  આ ચકચારી હત્યા પ્રકરણે વધુ તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપાતા જ ઈન્સ્પેકટર આર.કે.પરમાર સહિતની ટીમે તેમજ એફએસએલ ટીમે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી.

માલપુર પીઆઈ એફ એલ રાઠોડ અને તેમની ટીમે હત્યારી પુત્રવધુ અને પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં ભેમપોડા ગામ નજીકથી પુત્ર સોમાભાઈ શનાભાઈ ખાંટ અને પુત્રવધુ મીનાક્ષીબેન સોમાભાઈ ખાંટ ને દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.