રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુંડાઓ/ગુનેગારો હંમેશા જાતિ/જ્ઞાતિનો આશરો લેતા હોય છે. ચોક્કસ જ્ઞાતિના ગુનેગારને પોલીસ પકડે ત્યારે રેલીઓ કાઢનારને શરમ આવતી નથી. આવી રેલીઓ કાઢનારાઓ માનવ અધિકારના ભંગ સામે ક્યારેય અવાજ ઊઠાવતા નથી ! વિક્ટિમની તરફેણ કરવાને બદલે ગુંડાઓની, ગુનેગારની તરફેણ કરનારાઓ અતિ જાતિવાદી હોય છે; સામંતશાહી માનસિકતાવાળા હોય છે. ગુનેગારની સામે ગુનો નોંધાય પછી તપાસ થાય; ચાર્જશીટ મૂકાય; કોર્ટ તપાસ કરે પછી સજા કરે કે નિર્દોષ છોડે; ત્યાં સુધી રાહ જોવામાં વાંધો શું છે? ગુંડાઓના સમર્થનમાં રેલીઓ કાઢનારા કોર્ટનું કામ પોતાના હાથમાં લઈ શકે નહીં. ગુંડાઓના સંદર્ભમાં આ વાત છે; પરંતું જો રાજકીય કિન્નાખોરી કરે; સરકાર કે પોલીસ ખોટી હેરાનગતિ કરે તો તેની સામે અચૂક અવાજ ઊઠાવવો જોઈએ.

UPના ભયંકર ગુંડા વિકાસ દુબેએ 8 પોલીસની હત્યા કરી નાસી ગયો છે તેથી દેશ આખામાં હાહાકાર મચી ગયો છે. સરકારના ચહેરા ઉપર કાળો ડાઘ લાગી ગયો છે. લોકોનો રોષ ઠારવા કોઈ પ્રોસિઝર કર્યા વિના જ સરકારે વિકાસ દુબેનું નિવાસસ્થાન JCB મશીનથી તોડી પાડ્યું છે. હત્યારાના મકાન તોડી પાડવા જ જોઈએ; પરંતુ જે ઝડપથી મકાન તોડી પાડ્યું એવી કોઈ કાર્યવાહી નિર્દોષ લોકોને ઠાર મારવામાં આવે છે ત્યારે ક્યારેય કરવામાં આવતી નથી. નાગરિકોની લાગણી કાયમ માટે એવી હોય છે કે ગુંડાઓ સામે સજ્જડ અને ત્વરિત કાર્યવાહી થવી જ જોઈએ.

જાતિવાદી માનસિકતા માણસને રાક્ષસ બનાવી દે છે. ફલાણી જ્ઞાતિનો, વર્ણનો, ધર્મનો છે એટલા માટે જ તેની હત્યા થાય ત્યારે તેને હર્ષ થાય છે; અને હત્યારાને સમર્થન કરે છે. ગાંધીજીના હત્યારાને દેશભક્ત કહેનારની માનસિકતા સડેલી હોય છે. ગુંડા, આતંકવાદી વિકાસ દુબેનું સમર્થન કરનારા પણ છે. રીતા પાંડેય ફેસબૂક ઉપર કહે છે : “પૂરા ઉત્તરપ્રદેશના શાસન, પ્રશાસનને એકલા જ હલાવી મૂકનાર બ્રાહ્મણ શેર વિકાસ દુબેને મારા અભિનંદન છે; દુનિયા ભલે ગમે તે કહે.વિકાસ દુબે જિંદાબાદ !” સુરેન્દ્રકુમાર મિશ્રા કહે છે : “શેરનો શિકાર કરવામાં ગીધના ઝૂંડ નાકામયામ !” જાતિવાદ, વર્ણવાદ, ધર્મવાદ માણસને અમાનુષ બનાવી મૂકે છે ! સવાલ એ છે કે આપણે માણસ તરીકે અવતર્યા છીએ; તો માણસ કેમ બનતા નથી? ગુનેગાર ગુનેગાર છે; જ્ઞાતિ, જાતિનું સમર્થન શામાટે?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)