મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચુક્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં આજે નવું સમીકરણ ઉમેરાયું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. એવા સમયે રીવાબાએ રાજકારણમાં એન્ટ્રી મારી છે જયારે નજર સામે જ લોકસભાની ચુંટણી છે. રીવાબાના ભાજપા પ્રવેશને લઈને અનેક રાજકીય નેતાઓના કદમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે કેમ રાજનીતિમાં પ્રવેશ કર્યો? ભવિષ્યમાં કેવી મહત્વકાક્ષા ધરાવે છે રીવાબા ? ખુદ રીવાબાએ જ આ સમગ્ર મુદ્દે વિસ્તારથી વાત કરી છે.

છ માસ પૂર્વે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના પત્ની જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ જાડેજા દંપતીની રાજકીય એન્ટ્રીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હવે જયારે લોકસભાની ચુંટણી આવી ચુકી છે ત્યારે રવીન્દ્રના પત્ની રીવાબાએ રાજકારણમાં જંપલાવ્યું છે. આજે જામનગર ખાતે કૃષિ મંત્રી આર સી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમા શહેર પ્રમુખે ભાજપનો ખેસ પહેરાવી શ્રીમતી જાડેજાને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. સ્ત્રી સશક્તિકરણ અને સમાજ સેવાના શુભ આશય સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હોવાનો રીવાબાએ મત વ્યક્ત કરી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચુંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. 

વડાપ્રધાન સાથે જાડેજા દંપતીની મુલાકાત વખતે મેરા ન્યુજે સ્થાનિક રાજકારણના સમીકરણ અંગે વિહંગાવલોકન રજુ કર્યું હતું. જે આજે વાસ્તવિક સાબિત થયુ છે. રીવાબાના ભાજપમાં પ્રવેશને લઈને ભવિષ્યમાં સ્થાનિક રાજકારણમાં પડનારી પ્રભાવક સ્થિતિ અંગે મેરા ન્યુઝ દ્વારા ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. તે સત્ય સાબિત થવા જઈ રહ્યો છે. 

એક વાત ચોક્કસ છે રીવાબાના ભાજપ પ્રવેશને લઈને જામનગરના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઇ છે. ત્યારે રાજકારણના પ્રવેશ અને ભવિષ્યના આયોજન અંગે રીવાબા સમાજ સેવા અને મહિલા એમ્પાવરને આગળ ધરી આ મુદ્દે કૈક કરવાની ભાવના વ્યક્ત કરી હતી. શું કયું છે રીવાબાએ એ જાણવા વિડીઓ નિહાળવા અનુરોધ છે. 

ચુંટણી સમયે ભાજપા દ્વારા નવા નવા ચહેરાઓને ભાજપમાં પ્રવેશ આપી તુરંત ચુંટણી લડાવી લેવાનો વ્યૂહ રહ્યો છે. વાત વર્તમાન સાંસદ પૂનમ માડમની કરવામાં આવે તો તેઓના ભાજપા પ્રવેશના દિવસે જ ભાજપાએ માડમને વિધાન સભાની ટીકીટ આપી મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે છેલા બે વર્ષથી ખાસ્સા ચર્ચામાં રહેલા રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભાજપા લોકસભા લડાવે છે કે પછી અન્ય કોઈ મહત્વની જવાબદારી સોંપે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે રીવાબાના પ્રવેશને લઈને ભાજપમાં નવું જોમ ચોક્કસથી ઉમેરાયું છે.