મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમતા ક્રિકેટર અવિ બારોટનું નાની ઉંમરે નિધન થયું છે. ભારતના પૂર્વ અંડર-19 કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનારી ટીમના સભ્ય અવિ બારોટનું ફક્ત 29 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. હાર્ટ અટેકના કારણે અવિ બારોટનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. નાની ઉંમરે અવિનું મોત થતાં  ક્રિકેટ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહ સહિત ગુજરાતના મુખ્ય મંત્રીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલી આપી હતી.

અવિ ગઈકાલે અમદાવાદ ખાતેના નિવાસસ્થાન પર હતો. ત્યારે  રાત્રે 1 વાગ્યે અચાનક બેચેની થવા લાગતાં પરિવારજનોએ તાત્કાલિક એમ્બ્યૂલન્સ બોલાવી હતી. એમ્બ્યૂલન્સ આવી પરંતુ અવિ બારોટ તેમાં દવાખાને પહોંચે તે પહેલાં જ આવેલા હાર્ટએટેકે તેનો જીવ લઈ લીધો હતો. ક્રિકેટર અવિ બારોટના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે અને અવિ બારોટનાં પત્નીને ચાર મહિનાનો ગર્ભ છે. અવિના નિધનના સમાચાર મળતા તેના સાથી ક્રિકેટર મિત્રો મોડી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પરિવારજનો માટે પણ આ સમાચાર કોઈ વ્રજઘાતથી ઓછા ન્હોતા.

Advertisement


 

 

 

 

 

ભારતમાં ક્રિકેટની રમત ખૂબ જ લોકપ્રિય છે. અનેક યુવાનોનું ભારતીય ક્રિકેટ ટીમમાં રમવા માટેનું સ્વપનું હોય છે. ત્યારે આવા જ વિચાર સાથે અવિની ક્રિકેટ કરિયરની શરૂઆત અમદાવાદની GLS શાળાથી થઈ હતી. અવિ આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર હતો. ત્યાર બાદ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ ટીમમાં પસંદગી થઈ હતી. મૂળ અમદાવાદનો વતની અવિ બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતો હતો. અવિએ  2011માં ભારતના અન્ડર-19 કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. ચાલું વર્ષે જ અવિએ ગોવા વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન માત્ર 53 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયા સુધી પહોંચાડવા માટે મહત્ત્વનું પ્લેટફોર્મ બની ગયેલા આઈપીએલમાં અનેક ખેલાડીઓ પોતાનું નામ રોશન કરી ચૂક્યા છે. ત્યારે અવિ બારોટ પણ આગામી વર્ષે રમાનારા આઈપીએલ માટેના મેગા ઑક્શનમાં પસંદગી પામવા માટે તનતોડ તૈયારી કરી રહ્યો હતો.

અવિ બારોટ રણજી ટ્રોફી જીતનારી સૌરાષ્ટ્ર ટીમનો હિસ્સો હતો, જેમાં બંગાળને હરાવીને ટ્રોફી જીતી હતી. અવિ સૌરાષ્ટ્ર વતી ઓપનિંગ બેટિંગ કરતો હતો અને તેની સામે બોલિંગ કરતાં બોલર્સનો પરસેવો છોડાવી દેતો હતો. ગત રવિવારે જ રાજકોટમાં રમાયેલા રિલાયન્સ જી-1 સિનિયર ટી-20 કપમાં અવિ બારોટે ગુજરાત સામે 43 બોલમાં 72 રન મારીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાના કેરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ A મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 1547 રન બનાવ્યા હતા, જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી-20માં 717 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે તેણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.