મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખે લોકોને સંબોધ્યા હતા. તેમણે બાબાસાહેબ આંબેડકરના જીવન દર્શન અને કાર્ય અંગે વાત કરી હતી. તેમણે આ કાર્યક્રમ દરમિયાન દલિતોને ઘરે બોલાવી જમાડવાના મામલે તેમણે ભાજપના પદાધિકારીઓને ટકોર કરી હતી.

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બાબાસાહેબના જીવનદર્શન અને કાર્ય અંગે રજૂ કરાયેલા પુસ્તક 'રાષ્ટ્રપુરુષ ડો. બાબાસાહેબ આંબેડકર'નું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિમોચન કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હતા. સીઆર પાટીલ પોતાના તીખા શબ્દોના કારણે ઘણા જાણિતા છે. તેઓ વિરોધ પક્ષ હોય કે પોતાના પક્ષના કોઈને પણ કડક શબ્દોમાં સ્પષ્ટ કહી દેતા ખચકાતા નથી. તેવી તેમની છટા રહી છે. આવું જ કાંઈક તેમણે આ વિમોચન કાર્યક્રમ દરમિયાન પણ કહ્યું હતું.

Advertisement


 

 

 

 

 

તેમણે કહ્યું કે હું અમારા ઘણા દલિત સમાજના આગેવાનો સાથે વાત કરતો હોઉં ત્યારે તેમને કહેતો હોઉં છું કે તમે ક્યારેય બાબાસાહેબને વાંચ્યા છે, તેમને જાણ્યા છે? ફક્ત બાબાસાહેબના નામ પર મતો લેવાની રાજનીતિ યોગ્ય નથી તેવું પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે બાબાસાહેબને સમજવા પણ એટલા જ જરૂરી છે. હું તો મારા પદાધિકારીઓને કહેતો હોઉં છું કે, ખરેખર તેમને એક કરવા માગતા હોય તેમને માન આપવા માગતા હોય તો આ પદાધિકારીઓએ દલિત પરિવારના સાથે આખોદિવસ કાઢે. પાંચ પરિવાર સાથે જમે, તેમના બાળકો સાથે સમય વિતાવે અને તેમની વિદાય લેતા વખતે બાળકોને યથા શક્તિ ભેટ પણ આપે. આ નાની ભેટની બાળકો પર મોટી અસર થતી હોય છે. એક પ્રકારે કહું તો વોર્નિંગ એક પ્રકારે કહું તો સૂચના અને કહો તો વિનંતી છે અને મને ખાતરી છે કે પદાધિકારીઓ મારી વિનંતી માનશે અને કાર્યક્રમ કરશે કે પાંચ પરિવારો સાથે આ પ્રકારે સમય વિતાવવો જોઈએ. પુસ્તક માટે પણ તેમણે કેટલાક શબ્દો કહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ વાત કરી હતી. આવો અહીં વીડિયોમાં જ જોઈએ તેમણે શું વાત કરી.