પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં વર્ષોથી સુધારાવાદી હોવાનો પવન ફુંકાઈ રહ્યો છે, સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે અને સમાજના વિવિધ પ્રશ્નો ઉપર તેઓ જાણે તેમને સમાજે ઓથોરાઈઝ કર્યા હોય તેમ સમાજે શુ કરવુ જોઈએ તે મામલે તેમનો મત જાહેર કરે છે, સોશીયલ મિડીયાના આગમન પછી પોતાને સુધારાવાદી ગણાવતા લોકોને મોકળુ મેદાન મળી ગયુ છે, આ સુધારાવાદી લોકો પાસે પુષ્કળ સમય છે, તેઓ પોતાનો પુષ્કળ સમયનો ઉપયોગ સોશીયલ મિડીયા ઉપર પોતાનો મત વ્યકત કરવામાં અને જેઓ પોતાની મત સાથે સંમત્ત નથી તેવા લોકોને જવાબ આપવામાં વ્યતીત કરે છે, આટલુ હોય તો પણ વાંધો નથી, પણ સુધારાવાદીની જો કોઈ ટીકા કરે તો પોતાને સુધારાવાદી ગણાવતી વ્યકિત પોતે સુધારાવાદી છે તે ભુલી જાય છે અને તેમની કમાન છટકે છે, પણ તેમની ભાષા સુધારી શકાય નહીં ત્યાં સુધી લથડી જાય છે. બે સુધારાવાદીઓની ચર્ચા તમને અજાણતા સાંભળી અથવા વાંચી લો તમને તમને સુધારાવાદીઓ માટે સુગ ઉપજે ત્યાં સુધી વાત પહોંચી જાય છે.


 

 

 

 

 

આપણે ત્યાં વર્ષોથી વિદેશી અનુકરણ કરવાની ટેવ છે, એટલે આપણે નવા સ્ટાઈલના કપડાં પહેરવા, છરી-કાંટાથી જમવુ,ઘરમાં બુટ ચંપલ પહેરી ફરવુ, પાર્ટી કરવી, મનફાવે તેવુ જીવવુ વગેરે વગેરેને આપણે સુધારો માનવા લાગ્યા, શહેરી સમાજનો બહુ મોટો વર્ગ અને ગ્રામ્ય વિસ્તારનો પણ એક વર્ગ આ બાબતને સુધારો માનવા લાગ્યો છે, આ રીતે થોડાક વર્ષો જીવ્યા પછી આ વર્ગને એવુ લાગવા માંડયુ કે જેઓ આ પ્રકારે જીવતા નથી, તેઓ માનસીક પછાત છે, જીવનનો કયો માર્ગ પસંદ કરવો તે વ્યકિતગત બાબત છે પણ જેઓ આપણી જેમ જીવતા અથવા બોલતા નથી તેઓ આપણા કરતા પછાત છે તેવુ માનવુ પણ એક પ્રકારનું પછાતપણુ છે, દરેક જીવનની પોતાની એક મહેક હોય છે, એટલે જેઓ સ્ટાઈલીશ કપડા પહેરે અને રેસ્ટોરન્ટમાં જમે છે તે બધા અને જેઓ લોકો સાદુ જીવન જીવે છે તે બધા જ એક સરખા છે કોઈ એકબીજા કરતા ઉતરતા નથી. પણ આ બંન્ને વર્ગના લોકો એકબીજાની સામે સામાન્ય રીતે ઉભા રહે છે, જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે, તેઓ સરળ જીંદગી જીવનારને પછાત માને છે અને તેઓ સરળ જીંદગી જીવે છે તેઓ સામે રહેલા લોકોને સ્વચ્છદી માને છે.

પણ તમે સરળ જીંદગી જીવતા હોવ તો પણ અને સ્ટાઈલીશ જીદંગી જીવતા હોવ તો પણ સુધારાવાદી હોઈ શકો છો, સુધારાવાદી હોવાનો સરળ અર્થ છે, આપણો દુર્ભાવ, આપણી ખોટી માન્યતા, આપણા ખોટા રીવાજ, આપણો દુરાગ્રહ અને પોતાનાપણાને પકડી રાખવાની જીદ છોડવી તેને સુધારો કહેવાય , બીજા સાદા શબ્દમાં કહીએ તો આપણને સારો માણસ થવા માટે જે કઈ બાબતો આડે આવે તેનો ત્યાગ કરવો અથવા ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો અને માણસ થવા માટે જરૂરી અપનાવવુ તે સુધારાવાદ છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં આપણે પોતાને સુધારાવાદી ગણાવીએ છીએ પરંતુ આપણી માન્યતાને અકબંધ રાખીને આપણે સુધારો ઈચ્છીએ છીએ, સુધારાની શરૂઆત આપણે કાયમ પડોશીના ઘરમાંથી થાય તેવી અપેક્ષા રાખીએ છીએ, આપણે દાવો કરીએ છીએ કે આપણને નાત-જાતથી કોઈ ફેર પડતો નથી, પરંતુ આવો દાવો કરનારના સંતાનો બીજી જ્ઞાતીમાં લગ્ન કરવાની જાહેરાંત કરે તો તુરંત આપણી સુધારીવાદી માનસીકતાને આપણે બ્રેક મારીએ છીએ તેમા પણ સુધારાવાદી હિન્દુનું સંતાન મુસ્લિમમાં અને સુધારીવાદી મુસ્લીમનું સંતાન હિન્દુમાં લગ્ન કરવાની જાહેરાંત કરે યુધ્ધની સ્થિતિ જાહેર થઈ જાય છે. આવા અનેક સુધારાવાદી આપણી આસપાસ છે.


 

 

 

 

 

એક વર્ગ સુધારાનો એવો પણ અર્થ કરે છે કે સુધારાવાદી હોવુ એટલે ઈશ્વરના અસ્તીત્વનો નકાર કરવો, ફરી અહિયા તે જ મુદ્દો ઉભો થાય છે આસ્તીક અને નાસ્તીકમાં કોણ મહાન છે, અહિયા કોઈને પણ શૌર્યચંદ્રક મળતો નથી, આસ્તીક હોવુ તે પાપ નથી અને નાસ્તીક હોવામાં કોઈ બહાદુરી નથી, આસ્તીક અને નાસ્તીકનો પોતાનો અલગ મત છે બંન્નેએ એકબીજાના મતનો આદર કરવો તે સુધારાવાદી હોવાની શરૂઆતનું પ્રથમ પગથીયુ છે, આપણે જે બાબત સાથે સંમત્ત નથી તેવી વાત બીજા માટે સાચી હોઈ શકે એટલી સમજ પણ સુધારાવાદીમાં હોવી જોઈએ, મેં જોયુ છે કે જેઓ ઈશ્વરમાં માને છે તેઓ ઈશ્વરને નકારનારની એટલે નાસ્તીકની ટીકા કરતા કરતા નથી પણ જેઓ નાસ્તીક છે તેમને કાયમ આસ્તીકનું અપમાન કરવાનું શુરાતન ચઢેલુ હોય છે,તેઓ આસ્તીક મહામુર્ખ અને ડરપોક છે તેવુ માને છે અને તેમની જાહેરમાં ટીકા પણ કરે છે, સુધારાવાદીએ સમજી લેવાની જરૂર છે કે તેઓ જેને સુધારો માને છે અને તેવો જ સમાજ હોય તેવી તેમની કલ્પના છે તો જેઓ પોતાની સાથે નથી તેમની ટીકા છોડી તેમને આદર આપવા લાગશે તો જ સુધારાની દીશામાં કઈક પરિણામ મળશે.

આપણા દેશમાં આપણે જેમને સુધારાવાદી કહ્યા છે તે બધાએ સુધારાના ઢંઢેરા પીટવાને બદલે જે સુધારા સાથે તેઓ સંમત્ત હતા તેવા સુધારા પહેલા પોતાની જીંદગીમાં અમલમાં મુકયા હતા.તેમણે કયારેય બીજા પાસે આગ્રહ રાખ્યો ન્હોતો, તેઓ પણ આ સુધારાને અનુસરે, કારણ સુધારો કયારેય બોલીને અથવા કાયદા દ્વારા આવતો નથી સુધારો કાયમ અનુસરણથી જ આવે છે, જો કે કોઈ પણ સુધારો કિમંત માગે છે, અને ડરપોક લોકો કયારેય સુધારાવાદી થઈ શકતા નથી, કારણ સુધારાવાદીને પહેલા પોતાની જાત સાથે લડવુ પડે છે, પોતાનો કહેવાતા અંહમ,પ્રતિષ્ઠા, માન્યતા અને પુર્વગ્રહોને હરાવી તેની ઉપર વિજય મેળવવો પડે છે અને પછી લોકો શુ કહેશે તેની ચીંતા કર્યા વગર લોકો ટીકા કરે તો પણ સુધારાની દીશામાં પગલા માંડવા પડે છે,કારણ સુધારાવાદીએ પહેલા તો પોતાની ઉપર વિજય મેળવવાનો હોય છે,તે જ કામ બહુ મુશ્કેલ હોય છે. હું માનુ છે સરહદ ઉપર ઉભા રહી દુશ્મન સામે લડવુ સહેલુ છે, પણ સુધારીવાદી થવા માટે આપણી ખોટી માન્યતાઓ અને પુર્વગ્રહો દફનાવા અઘરૂ કામ છે.