ઉમંગ બારોટ (મેરાન્યૂઝ.ધોળકા): ધોળકા તાલુકાના વટામણ ગામે છેલ્લા ૦૪ દીવસથી પોતાની વાછરડીની સારવાર કરાવવા એક ગાય ૧૯૬૨-વાનનો રસ્તો રોકી બેસી રહે છે. તા. ૦૬/૧૦/૨૦૨૦ રોજ ૧૯૬૨ પર ઇમર્જન્સી કોલ આવ્યો. ગાયની સાથે ફરતી એક વાછરડીનો વટામણ રોડ પર અકસ્માતમાં એક પગ તૂટી ગયો હતો અને બીજો એક પગ માઇનર ફ્રેક્ચર થયો હતો. ‘૧૯૬૨’ની ટીમે સ્થળ પર પહોંચીને વાછરડીને સંપૂર્ણ સારવાર આપી હતી. તબીબી ટીમે તૂટેલા પગને કાપીને દૂર કરી તેનું ડ્રેસિંગ કર્યું હતું અને ફ્રેક્ચર વાળા પગને પ્લાસ્ટર કર્યું હતું. સાથે જ ઇન્જેકશન અને બોટલ ચડાવી હતી.

આશ્ચર્ય જનક વાત એ છે કે ત્યાર પછી બે દિવસ બાદ તા. ૦૮/૧૦/૨૦૨૦ના રોજ ‘૧૯૬૨’ ટીમ તે સ્થળેથી નીકળી ત્યારે તે ગાય ૧૯૬૨-ગાડી જોઈ ટીમને ઓળખી ગઈ. જાણે તે ‘૧૯૬૨’ની રાહ જોઇ બેસી રહી હતી. ગાય દોડતી-દોડતી ૧૯૬૨-ગાડી જોડે આવી અને વાનને ઘેરી વળી. જેમ માં પોતાના દિકરા-દીકરી માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે ટીમને તેમની જોડે આવાનું કહેતી ભાંભરતી હતી. ટીમને પણ ખબર પડી ગઈ એટલે ટીમ પણ પોતાની ફરજ બજાવવા અને ગાયની પછળ-પાછળ જઈ વાછરડીને સારવાર આપી રી-ડ્રેસિંગ કર્યું હતું. રુટીન વિલેજ વિઝીટ દરમિયાન આ જ ઘટનાક્રમ તા. ૧૦/૧૦/૨૦૨૦ના રોજ ફરી પૂનરાવર્તન પામ્યો હતો...  

‘૧૯૬૨’ ટીમના પ્રયાસો બાદ હાલ તે ગાય અને વાછરડી ગામના જ એક પશુપાલકના વાડામાં આશ્રય લઇ રહી છે. હરતું-ફરતું પશુ દવાખાનું-૧૯૬૨ ઇમરજન્સિ સેવા તા. ૨૨મી જૂનના રોજ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યભરમાં શરૂ કરાવી હતી. પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમાં ૧૧ અને શહેરમાં ૦૩ હરતા-ફરતા પશુ દવાખાના મુકવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ ગામ દીઠ ૦૧ વાન મૂકવામાં આવી છે. આ હરતું-ફરતું પશુ દવાખાનું રોજ ૦૩ ગામની નિયમિત મુલાકાત લે છે અને બે કલાક સુધી રોકાય છે અને ગામડાના બીમાર પશુઓને સારવાર આપે છે. આમ કુલ ૦૬ કલાકની વિલેજ વિઝીટ કરે છે. ઉપરાંત બીજા ૦૬ કલાક માટે ઇમર્જન્સી સેવા માટે ખડે પગે રહે છે એમ કુલ ૧૨ કલાક માટે હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ રહે છે. વિલેજ વિઝીટ દરમિયાન જો કોઈ ઇમરજન્સી કોલ આવે તો વિલેજ વિઝીટને ત્યાં જ અટકાવી ઇમરજન્સી કોલને પ્રાથમિકતા આપવામાં આવે છે.

આ ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી ૩૬પ દિવસ માટે સવારે ૭ થી સાંજે ૭ ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ છે.