મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ધીમી પડતાં રાજ્ય સરકારો દ્વારા લગભગ દરેક રાજ્યમાં ફરીથી છૂટછાટ અપાઈ રહી છે તે સાથે લોકો પણ હવે કોરોનાને હળવાસથી લઈ રહ્યા છે. અમુક રાજ્યમાં કોરોનાના આંકડામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કેરળમાં બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના આંકડામાં વધઘટ જોવા મળી રહી છે.

ગુજરાતમાં આજે કુલ 27 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક્ટિવ કેસ 268 છે તે માંથી 5 વેન્ટિલેટર પર અને 263 સ્ટેબલ છે. અમદાવાદમાં 3, વડોદરામાં 5, આણંદમાં 3, સુરતમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2, અમરેલીમાં 1,બનાસકાંઠામાં 1,ભરુચમાં 1,ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગિરસોમનાથમાં 1, જુનાગઢમાં 2, વલસાડમાં 1 કેસ નોંધાયા હતા. સુરતમાં 9 મહિનાની બાળકી કોરોના સંક્રમિત થતાં દોડધામ મચી જવા પામી હતી.  બીજી બાજુ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4,39,045 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

સમગ્ર દેશમાં અત્યારે 403840 એક્ટિવ કેસ છે. દેશભરના કુલ કેસમાં ૫૦ ટકા કેસ કેરળમાં છે. તો બીજી બાજુ  કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરળ સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં ૩૧ જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અહીં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે.  કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દરરોજના ચાર લાખ કેસ ઘટીને ૨ લાખ સુધી પહોંચવામાં ૨૬ દિવસનો સમય લાગ્યો હતો. ૨ લાખ કેસથી ૧ લાખ સુધી આવવામાં ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. એક લાખ કેસથી ૫૦ હજાર કેસ સુધી આવવામાં ૨૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ પાછલા ૩૧ દિવસથી નવા કેસ ૩૦-૪૦ હજારની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારના રોજ નોંધાયેલા કેસમાં ૮૦ ટકા કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોના છે.

કેરળમાં એક્ટિવ કેસ 1,50,040 છે. સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં ૩૯૩૧, ત્રિશૂરમાં ૩૦૦૫, કોઝિકોડમાં ૨૪૦૦, એર્નાકુલમમાં ૨૩૯૭, પલક્કડમાં ૧૬૪૯ અને કોલ્લમમાં ૧૪૬૨, અલાપ્પુઝામાં ૧૪૬૧, કન્નૂરમાં ૧૧૭૯, તિરુવનંતપુરમમાં ૧૧૦૧, કોટ્ટાયમમાં ૧૦૬૭ કેસ આવ્યા છે.
(અહેવાલ સહાભારઃ જયંત દાફડા, અમદાવાદ)