મેરાન્યૂઝ નેટવર્ક.પૂણેઃ મંગળવારે U.K.માં ચાલતા કોરોનાની વેક્સિનના પરિક્ષણ દરમિયાન આસ્ટ્રાઝેનકા કંપનીમાં એક વોલન્ટિયરની તબિયત લથડતા ઓક્સફર્ડે વિશ્વભરમાં ચાલતા પરિક્ષણને અસ્થાયી રૂપથી સ્થગિત કર્યું છે.

જે સંદર્ભે બુધવારે DCGI (Drug Controller General Of India)એ પૂણે સ્થિત કોરોનાની વેક્સિનનું સંશોધન કરતી ફાર્મા કંપની 'સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા' (SII)ને નોટિસ પાઠવી છે.

જે નોટિસમાં DCGIના વી.જી. સોમાનીએ કંપનીને પૂછ્યું છે કે, કંપનીએ પરિક્ષણ દરમિયાન આવતા ગંભીર અને પ્રતિકૂળ પરિણામ વિષે જાણ કેમ કરી નથી? દર્દીઓની સુરક્ષાની ખાતરી ન થાય ત્યાં સુધી બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષાણ માટે અપાયેલી મંજૂરી મોકૂફ કેમ ન કરવામાં આવે? જ્યારે સીરમ કંપનીએ જણાવ્યું હતું કે, “પરિક્ષણ રોકવાનો કોઈ સ્પષ્ટ હુકમ હજી મળ્યો નથી.” DCGIએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, સીરમ કંપની દ્વારા વોલન્ટિયર્સની સુરક્ષા મુદ્દે બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણો માટે ગંભીર અને પ્રતિકૂળ પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી.

સીરમ કંપનીના CEO અદાર પૂનાવાલાના જણાવ્યા અનુસાર વેક્સિનનું બીજા અને ત્રીજા તબક્કાનું પરિક્ષણ બધી જ (૧૭) જગ્યાએ ચાલું જ રહેશે. જ્યારે મંગળવારે બ્રિટેનની કંપનીમાં એક વોલન્ટિયરમાં કથિત ન્યૂરોલોજિકલ સાઈડઇફેક્ટ જોવા મળી હતી. પૂનાવાલાએ એમ પણ જણાવ્યું હતું કે, “વેક્સિન બિલકુલ સુરક્ષિત છે. અને ભારતમાં પરિક્ષણ દરમિયાન અમારે કોઈ મુશ્કેલી પડી નથી.”

સીરમે એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘અમે DCGIના નિર્દેશ અનુસાર કામ કરી રહ્યા છીએ અને અમને પરિક્ષણ સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું નથી. જો સુરક્ષાને લઈને DCGIને કોઈપણ ચિંતા હોય તો અમે તમામ નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કુલ ૧૦૦ વોલેન્ટિયર્સને "કોવિશિલ્ડ" વેક્સિનના પરિક્ષણનૂ પહેલો ડોઝ અપાઈ ગયો છે. જો એને સુરક્ષિત જાહેર કરવામાં આવે તો ભારતમાં સીરમ કંપની દ્વારા એ બનાવવામાં આવશે.
(Edited By Milan Thakkar)