કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): લંડનના ‘ડિપ નોલેજ ગ્રૂપ’[ડિકેજી]દ્વારા કોરોના અંગેની માહિતી તપાસીને મહામારીથી સુરક્ષા પ્રદાન કરતાં વિશ્વના દેશોનું રેન્કિંગ આપ્યું છે. ‘ડિકેજી’ ગ્રૂપે મહામારીના સંબંધિત માહિતીના આધારેઆ એનાલિસિસ કર્યું છે. આ એનાલિસિસથી અંદાજો મેળવી શકાય છે કે મહામારીમાં કયા દેશો પોતાની પ્રજાને સારી રીતે સાચવી શક્યા. હાલપૂરતા આ અભ્યાસમાં વિશ્વના સાઠ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ડિકેજી’ના રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ઇઝરાયલને મળ્યો છે. આ એનાલિસિસમાં જે માપદંડ ‘ડિકેજી’ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા, તેમાં મુખ્ય કેટેગરી ક્વોરન્ટાઇન એફિશન્સી, ગવર્નમેન્ટ મેનેજમેન્ટ એફિશન્સી, મોનિટરીંગ એન્ડ ડિટેક્શન અને ઇમરર્જન્સી સારવારની તૈયારી છે. 

આ ઉપરાંત કોવિડથી સુરક્ષિત રાખવા માટેની તકેદારી, મૃત્યુદર અને રીકવરી રેટ, ક્વોરન્ટાઇન અને ઇન્ફેક્ટેટ દરદીઓની મોનિટરિંગની વિગતને ધ્યાનમાં લેવામાં આવી છે. ઇઝરાયલ કચ્છ કરતાં અડધું ક્ષેત્રફળ ધરાવે છે અને તેની વસતી નેવું લાખની આસપાસ છે. હવે ક્ષેત્ર નાનું હોય અને વસતી ઓછી હોય તો સ્વાભાવિક કોઈ પણ મુશ્કેલી સામે સુરક્ષા પ્રદાન કરવામાં મુશ્કેલી ઓછી આવે. તેમ છતાં ઇઝરાયલે લીધેલાં પગલાંની માહિતી મેળવવી અનિવાર્ય છે. ઇઝરાયલમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ ડિટેક્ટ થયો. ભારતમાં પ્રથમ કેસ ડિટેક્ટ થયો તે તારીખ 30 જાન્યુઆરી હતી. ઇઝરાયેલે 21 ફેબ્રુઆરીથી જ દક્ષિણ કોરીયા કે જાપાનથી આવ્યા હોય તેવા પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇનના નિયમો લાગુ કરી દીધા હતા, જ્યારે આપણે આ તારીખોમાં ‘નમસ્તે ટ્રમ્પ’ના જશ્નની તૈયારી કરી રહ્યા હતા. ઇઝરાયલનું લોકડાઉન અને વાહનવ્યવહાર સેવા બંધ કરવાની સુધી પહોંચ્યું ત્યાં સુધી આપણાં દેશમાં પણ લોકડાઉન લગાવવાની તૈયારી થઈ ચૂકી હતી. ઇઝરાયલે ભારત કરતાં એક અઠવાડિયા અગાઉ ઇમરર્જન્સી લાગુ કરી હતી. લોકડાઉન દરમિયાન હેલ્થકેર અને જરૂરી દવાઓનો જથ્થાની તૈયારી પણ ઇઝરાયલ દ્વારા કરવામાં આવી. આ ઉપરાંત કોરોનાની કારગર ઇલાજ પર સંશોધન થવા માંડ્યા હતા ને વેક્સિન પર પણ કામ માર્ચના મધ્યમાં શરૂ થઈ ચૂક્યું હતું. ઇઝરાયલે પ્રથમ કેસ આવ્યાથી જે સતર્કતા દાખવી તેના પરિણામે જ આજે ત્યાં સાવચેતી સાથે શાળાઓને શરૂ થઈ ચૂકી છે. 

ઇઝરાયલ પાસે સજ્જ વ્યવસ્થા હતી અને વસતી ઓછી હતી એટલે તેઓ વધુ સારી રીતે મહામારી સામે લડી શક્યા. ભારત પાસે પણ આવું જ કેરળનું મોડલ છે. વિશ્વ સ્તરે વાત કરીએ તો બીજા ક્રમાંકે પોતાના નાગરીકોને મહામારીથી સુરક્ષા પ્રદાન કરનાર દેશમાં જર્મની છે. જર્મનીમાં કેસની સંખ્યા પોણા બે લાખ સુધી પહોંચી છે અને મૃત્યુઆંક આઠ હજારની નજીક. વિશ્વમાં આજે જર્મનીના કાર્યની પ્રશંસા થઈ રહી છે તેનું એક કારણ ઓછો મૃત્યુઆંક અને ઝડપ રિકવરી રેટ છે. જર્મનીના હેલ્થ મિનિસ્ટર મુજબ તેઓ મહામારીને લઈને જરાસરખો પણ વધુ આત્મવિશ્વાસ દાખવ્યો નહોતો. વાસ્તવિકતાના સ્વિકાર સાથે જ તેઓ પગલાં લઈ રહ્યા હતા. આ માટે જ તેઓ મોટા પ્રમાણમાં ઝડપથી ટેસ્ટિંગ કરી શક્યા, ઇન્ટેસિવ બેડ તૈયાર કરી શક્યા અને જે લોકડાઉન-સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તેનું સખત પાલન કર્યું. એક સમયે જર્મનીમાં સરેરાશ રોજના સાડા છ હજાર કેસ આવતા હતા આજે તે દર સાડા ત્રણસોની આસપાસ પહોંચ્યો છે. 

ઇઝરાયલ, જર્મની પછી જે સુરક્ષિત દેશોની યાદી છે તેમાં પછીના ક્રમે દક્ષિણ કોરીયા, ઓસ્ટ્રેલિયા, ચીન, ન્યૂઝિલેન્ડ, તાઇવાન, સિંગાપોર, જાપાન અને હોન્ગકોન્ગ છે. આ અભ્યાસમાં એસિયા-પેસિફિક દેશોનો અલગથી ક્રમ આપવામાં આવ્યો છે. આ ક્રમમાં દેશો સુરક્ષિત દર્શાવાયા છે તેમાં ભારતનો ક્રમ બારમો છે. ભારતની તૈયારીને આ અભ્યાસમાં ઠીકઠાક ગણાવાઈ છે. ભવિષ્યમાં કયા દેશો પર મહામારીનું જોખમ ટળવળી રહ્યું છે તેમાં ભારતનો ક્રમ પંદરમો દર્શાવવામાં આવ્યો છે. ભારતમાં વસનારાં સહાનુભૂતિ એટલી જ લઈ શકે કે આ જોખમી દેશોમાં તેનાથી આગળ અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને સ્વિડન જેવાં દેશો છે. 

મહામારીના સુરક્ષા રેન્કિંગમાં ભારતનો ઉલ્લેખ થયો છે અને એશિયા-પેસેફિકમાં સુરક્ષિત પંદર દેશોમાં તેને સ્થાન મળ્યું છે. ભારતના પ્રયાસ અને મહામારી સામે લડતની પ્રશંસા ‘વર્લ્ડ હેલ્થ ઓર્નેનાઇઝેશન’ના પદાધિકારીઓ અને બિલ ગેટ્સ પણ કરી ચૂક્યા છે. પરંતુ નજીકથી દેશનું ચિત્ર જોતા તે ભયાવહ લાગે છે. જે રીતે શ્રમિકોની રઝળપાટ થઈ. ઉપરાંત ટેસ્ટિંગના મામલામાં જે ઘાલમેલ થઈ રહી છે. કેટલાંક શંકાસ્પદ કોરોના મૃત્યુને કોરોનાના મૃત્યુઆંકમાં ગણાવાઈ રહ્યા નથી. અને હવે જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે અને લોકડાઉન હળવું થઈ રહ્યું છે તે રીતે સરેરાશ ભારતીયો પર અત્યારે સૌથી મોટું જોખમ છે. આ સિવાય લોકડાઉનના બે મહિનામાં એવી કોઈ વિશેષ તૈયારી ન થઈ જેનાથી જ્યારે લોકડાઉન ખુલે ત્યારે તેમાં લોકોને હાશકારો થાય. 


મહામારીમાં ટોપ ટેન સુરક્ષિત દેશ

ક્રમ    દેશ
1    ઇઝરાયલ
2    જર્મની
3    દક્ષિણ કોરિયા
4    ઓસ્ટ્રેલિયા
5    ચીન
6    ન્યૂઝિલેન્ડ
7    તાઇવાન
8    સિન્ગાપોર
9    જાપાન
10    હોન્ગકોન્ગ