મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 2016માં ભારત સરકારે એન્ટી હાઈજેકિંગ કાયદામાં સુધારો કર્યો તેના બીજા જ વર્ષે 2017માં મુંબઈના ઝવેરી બીરજુ સલ્લાએ  મુંબઈથી દિલ્હી જઈ રહેલા વિમાનનું અપહરણ કરવામાં આવ્યુ છે અને તેને હવે પાકિસ્તાન લઈ જવામાં આવશે તેવી ચીઠ્ઠી વિમાનના વોશ રૂમમાં મુકી હતી  જેના પગલે વિમાનનં તાકીદે અમદાવાદ ઉત્તરાણ કરવાની ફરજ પડી હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બીરજુ સલ્લાને ધરપકડ કરી કેસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોંપ્યો હતો, આ મામલે અમદાવાદની ખાસ અદાલતે ચુકાદો આપતા બીરજુ સલ્લાને મૃત્યુ પર્યતની આજીવન કેસ અને રૂપિયા પાંચ કરોડનો દંડ ભરવાની સજા ફટકારી છે. કાયદામાં સુધારો થયા બાદ આ દેશનો પ્રથમ ચુકાદો છે આ ઉપરાંત કોઈ ફોજદારી ગુનામાં પણ પાંચ કરોડ જેવો માતબર દંડ કર્યો તેવો પણ દેશનો પ્રથમ કેસ છે.

ઓકટોબર 2017ના રોજ મુંબઈથી દિલ્હી જઈ રહેલા 9W339 વિમાનના પાયલોટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને જાણકારી આપી હતી કે તેમના પ્લેનને હાઈજેક કરવામાં આવી રહ્યું છે તેથી તાકીદે ઉત્તરાણ કરવાની મંજુરી આપવામાં આવે, આ સંદેશા બાદ વિમાનને અમદાવાદ ઉતરવાની મંજુરી આપી તેની સાથે ગુજરાત એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને ગુપ્તચરોની ટીમ અમદાવાદ એરપોર્ટ ઉપર દોડી આવી હતી, આ અંગે તપાસ શરૂ કરતા પોલીસને વિમાનના વોશરૂમમાંથી એક ચીઠ્ઠી મળી હતી. જેમાં પ્લેનને પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર તરફ લઈ જવુ નહીંતર દિલ્હી એરપોર્ટ ઉપર બ્લાસ્ટ થશે તેવી ધમકી આપેલી હતી.

પોલીસે આ પ્લેનમાં મુસાફરોની તપાસ શરૂ કરતા મુંબઈના ઝવેરી અને આ પ્લેનના મુસાફર બીરજુ સલ્લા શંકાસ્પદ લાગ્યા હતા, તેમની આકરી પુછપરછ કરી અને પ્લેનના સીસી ટીવી ચેક કરતા સલ્લાએ પોતે જ ચીઠ્ઠી મુકી હોવાનું કબલ્યુ હતું, પણ તેમનો ઈરાદો પ્લેન હાઈજેકનો ન્હોતો પરંતુ જેટ એરવેઝમાં કામ કરતી સ્ત્રી મિત્રએ સંબંધ કાપી નાખતા તેને ડરાવવા આ પ્રકારનું કૃત્ય કર્યુ હોવાની કબુલાત કરી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે એન્ટી હાઈજેકીંગ એકટ પ્રમાણે ગુનો દાખલ કરી ખાસ અદાલતમાં ચાર્જશીટ કરી હતી જેનો ચુકાદો આવતા ભારતમાં આ કાયદા પ્રમાણે પહેલી સજા અને આટલો મોટો દંડ થયો છે.