બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): “અમદાવાદ શહેરના સંભવિત ઉમેદવારોની યાદીમાં તારું નામ રાણીપ વોર્ડ માટે વિચાર્યું છે.”

“મારે ચૂંટણી નથી લડવી. એવી કોઈ ઇચ્છા નથી. એવો વિચાર સુધ્ધાં નથી કર્યો.”

“તો વિચાર કરો હવે. દિવસો ઓછા છે. ચૂંટણી સમિતિને દિલ્લી યાદી મોકલવાની છે.”

“ચૂંટણી લડવા અમદાવાદમાં કોઈ સરનામું તો જોઇએ ને ? હું તો ભવન પર રહું છું.”

“કેમ ભાઈઓના ઘર છે ને. કોઈ એક જણનું સરનામું લખાવી દેવાનું. બાકી બધી જવાબદારી મારી અને પાર્ટીની.”

“હું ઘર અને પરિવારને વર્ષો પહેલા છોડી ચૂક્યો છું. તમે જાણો જ છો.”

“તો ભાઈ, તને ઘર અપાવી દઉં. સોલા રોડ પર હાઉસિંગ બોર્ડના ફ્લેટ પચ્ચીસ – પચાસ હજારમાં મળે છે. એક ફ્લેટ ખરીદવો મારા માટે કોઈ મોટી વાત નથી. પણ તું હા પાડ. બાકી બધી વ્યવસ્થા થઈ જશે. કૉંગ્રેસને આ વખતે કોઈ પણ હિસાબે અમદાવાદ શહેરના વહીવટમાંથી દૂર કરવાની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પર પાર્ટીની ધજા લહેરાવવા માટે મેં રોડ મેપ તૈયાર કરી રાખ્યો છે. એ પ્રમાણે જ સૌએ ચાલવાનું છે.”

આ છેલ્લી દલીલ પછી અત્યાર સુધી જે જવાબ આપતા હતા એ ભાઈ મૌન થઈ ગયા. તેમણે ‘હા’ પણ ના ભણી અને ‘ના’ એમ પણ ન બોલ્યા. આ તેમની સ્ટાઇલ હતી. આ સ્ટાઇલ તેમને આગળ જતા ખૂબ કામમાં આવી. ‘ચૂંટણી જીતવાનો રોડ મેપ’ એટલે શું એ પણ એમને એ સમયે ખબર ન હતી. પછી શું થયું ? થાય શું – એ ભાઈએ ધરાર ઉમેદવારી ન જ કરી. જો કે એમની ઉમેદવારી વિના પણ પાર્ટીએ ચૂંટણીમાં ફત્તેહ મેળવી. ગુજરાતમાં પહેલી જ વાર મોટી જીત મેળવી હતી. એ પછી આ જ સુધી એ પાર્ટીનો ધ્વજ લહેરાઈ રહ્યો છે બલકે હવે તો ધ્વજનો ફલક-ફત્તેહ વિસ્તાર વધી ચૂક્યો છે. જે ભાઈની ઉમેદવારી માટે અમદાવાદમાં ફ્લેટ ખરીદવાની તૈયારી હતી એમણે આજ સુધી પોતાના માટે કોઈ ‘ઘર’ નથી ખરીદ્યું. હા, ઘર ખરીદવા માટે જેમણે તૈયારી બતાવી હતી એ ભાઈએ એ પછી અડધો ડઝન મકાનો ખરીદ્યા અને હાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહેલ જેવા ખુદના મકાનમાં રહે છે. અને હા, પેલા ચૂંટણી લડવાનો નનૈયો ભણી ચૂકેલા ભાઈ પણ મહેલ જેવા વિશાળ મકાનમાં જ રહે છે. પણ એ મકાન સરકારી છે. ક્યાં ? એમ પુછતા હો તો જણાવી દઈએ કે ભારતની રાજધાની નવી દિલ્લીમાં. વાત કહો તો વાત અને વાર્તા કહો તો વાર્તા એવી વાત અહીં પુરી થાય છે ? ના. જવાબ છે હવે શરૂ થાય છે. ઉપરના ડાયલોગ તરફ ફરી એક વાર નજર ફેરવી જૂઓ.


 

 

 

 

 

સાત લીટીના ડાયલોગની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ હતું શંકરસિંહ વાઘેલા. તેમની દરેક વાતનો જવાબ આપીને છેલ્લે મૌન – ચૂપ થઈ જનાર વ્યક્તિનું નામ નરેન્દ્ર મોદી. સમય 1986માં દિવાળી પછીનો નવેમ્બર – ડિસેમ્બરનો. સ્થળ – અમદાવાદમાં પાર્ટીનું ખાનપુર જે.પી. ચોક સ્થિત કાર્યાલય. પાર્ટીનું નામ – ભારતીય જનતા પક્ષ. છત્રીસ વર્ષના નરેન્દ્ર દામોદરદાસ મોદીને ચૂંટણી લડવાનો આદેશ આપનાર સુડતાલીસ વર્ષના શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા એ સમયે ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ 1984થી રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય હતા. શંકરસિંહ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ રહેલા વિજાપુર – મહેસાણાના ડૉક્ટર એ.કે. પટેલ 1984માં આઠમી લોકસભામાં મહેસાણા લોકસભા બેઠક પર ચૂંટાઈને સંસદસભ્ય થયા હતા. દેશભરમાં થઈને લોકસભાની માત્ર બે જ બેઠકો મેળવી શકેલો ભાજપ તેની આ વિજયપતાકા આગળ ધપાવવા માગતો હતો.

એ ક્રમમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ પાસે આવેલા કાશીરામ ભવનમાં એ.કે. પટેલના પ્રમુખ પદે ભાજપના કાર્યકરોની સભા મળી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ પણ આ સભામાં હાજર હતા. એ સમયે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે રહેલા શંકરસિંહ વાઘેલાએ જાહેર મંચ પરથી જ સંઘના નેતાઓ – પદાધિકારીઓ સમક્ષ માગણી જાહેર કરી કે, “હવે પછીની ચૂંટણીઓ જીતવા માટે પક્ષનું સંગઠન માળખું મજબૂત કરવું પડે. એ માટે મને સંઘના પાંચ પ્રચારકોની જરૂર છે. ભાજપના માળખામાં ફીટ થાય એવા.”

શંકરસિંહ વાઘેલાની જરૂરિઆત પ્રમાણે ભારતીય જનતા પક્ષના માળખામાં ફીટ થાય એવા પાંચ પ્રચારકો સંઘના ગુજરાત એકમે મોકલી આપ્યા. નરેન્દ્ર મોદી તેમાંના એક. 1987ના પ્રારંભે ગુજરાતના ચાર મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાય ત્યારે વિજયપતાકા આગળ ધપાવવા માગતા ભાજપ માટે ઉમેદવારો નક્કી કરવા એ મોટી રાજકીય કસરત હતી. એ સમયે પક્ષમાં ‘ચૂંટણી સમિતિ’ની જોગવાઈ હતી જેને ઉમેદવારો નક્કી કરવાની સત્તા હતી. સમય જતા આ ચૂંટણી સમિતિ ‘પાર્લમેન્ટરી બોર્ડ’ એવા નવા નામે ઓળખાવા લાગી ત્યારે વિજયપતાકા લહેરાઈ ચુકી હતી.


 

 

 

 

 

1986ના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરતી વખતે ભાજપ પ્રદેશપ્રમુખની હેસિયતથી શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીનું નામ ચાર – પાંચ કારણો સાથે ચોક્કસ ગણતરીથી વિચાર્યું હતું. એક – ડાયલોગમાં જેનો ‘ભવન’ તરીકે ઉલ્લેખ કર્યો છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બહેરામપુરા-મણિનગર સ્થિત અમદાવાદ કાર્યાલય એવા ડૉ. હેડગેવાર ભવન ખાતે તેઓ વર્ષોથી રહેતા હતા. બે – અહીં તેઓ પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઇનામદાર ઉર્ફે વકીલસાહેબની નિશ્રામાં ઘડાયા હતા. ત્રણ – અમદાવાદમાં રહેતા હતા એટલે શહેર અને તેની સમસ્યાઓથી પરિચિત હતા. ચાર – અમદાવાદની ભાગોળે આવેલો રાણીપ ગ્રામ પંચાયતનો વિસ્તાર આ સમયે શહેરમાં ભળી જાય એવી સંભાવનાઓ હતી અથવા તો સરકાર પક્ષે તેની તૈયારીઓ થઈ ગઈ હતી. પાંચ – નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી રાણીપમાં જ પરિવાર સાથે રહેતા હતા. ઉત્તર ગુજરાતના સ્થળાંતરિત પટેલોની બહુમતી વસતી ધરાવતો રાણીપ વિસ્તાર ભાજપ તરફી ઝુકાવ ધરાવતો હતો એટલે રાજકીય ઓળખ વિનાના નરેન્દ્ર મોદી રાણીપથી સહેલાઇથી જીતી શકે એમ હતા. એ સમયથી ‘બાપુ’ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદીના પરિવારજનોથી એટલા પરિચિત રહેતા કે તેઓ અમદાવાદમાં ક્યાં રહે છે એની પણ એમને ખબર હોય. આ માહિતીને આધારે જ તેમણે રાણીપથી તેમની ઉમેદવારી નક્કી કરી રાખી હતી.

ચૂંટણી લડવા માટે જ્યારે ઘરનો પ્રશ્ન આવ્યો ત્યારે સોલા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડનો એક ફ્લેટ ખરીદી અપાવવાની પણ તૈયારી બતાવી. શંકરસિંહ વાઘેલા માટે એમ કરવું સહેલું હતું કેમ કે ‘બાપુ’ ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવતા હતા. ખેતીની સારી આવક હતી. એ સંજોગોમાં નરેન્દ્ર મોદીને નારણપુરા વોર્ડમાંથી ચૂંટણી લડાવવાનું બાપુએ નક્કી કરી રાખ્યું હતું. અમદાવાદ શહેરમાં અનામત આંદોલનની ઓથે થયેલા 1981 અને 1985ના કોમી રમખાણો પછી કોટવિસ્તારમાં રહેતા પાટીદારો અને ઉજળિયાતો મોટા પાયે સ્થળાંતર કરી નારણપુરા – ઘાટલોડિયામાં આવી વસ્યા હતા. એ સંજોગોમાં મૂળભૂત રીતે કૉંગ્રેસ વિરોધી અને સમય જતા ભાજપની તરફેણમાં આવી ગયેલા આ ભૂતપૂર્વ પોળવાસીઓ – ખાડિયાવાસીઓના મતથી ભાજપના ઉમેદવાર માટે જીતવું સહેલું થઈ પડે તેમ હતું. ખાડિયાના ભાજપી નેતા અશોક ભટ્ટની નારણપુરાની સોસાઇટીઓમાં સભાઓ યોજાય એટલી તૈયારી પણ બસ થઈ પડે.

ટૂંકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા શંકરસિંહ વાઘેલાએ ‘રોડ મેપ’ તૈયાર કરી રાખ્યો હતો. સંઘના પ્રચારકમાંથી ભાજપની સેવામાં ‘લોન’ પર આવેલા નરેન્દ્ર મોદી તેમના સિનિઅર એવા પ્રદેશપ્રમુખના કોઈ આદેશનો અનાદર કરી શકે એમ ન હતા. છતાં મૌનના અર્થમાં નકારનો જવાબ મળ્યો. નરેન્દ્ર મોદીની ‘ના’ અથવા તો ચૂંટણી નહીં લડવાનું વલણ એ સંભવિત જીતના રસ્તા પર આવેલો પહેલો ‘બમ્પ’ હતો. ‘બાપુ’ એ બમ્પને ઓળંગી ગયા. ભાજપના જૂના જોગીઓ આજે એમ પણ કહે છે કે છત્રીસ વર્ષના નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાના આદેશનો અનાદર કર્યો એ પછી તેમની વચ્ચે ‘છત્રીસના આંકડા’ની શરૂઆત થઈ. પક્ષમાં સાથે પણ બાકીનો સમય એક-મેકની સામે. મોદીભાઈ સંઘમાંથી ‘લોન’ પર આવ્યા હતા એટલે ‘બાપુ’ તેમના આ અનાદર વિરુધ્ધ સત્તાવાર રીતે કોઈ પગલાં લઈ શકે એમ ન હતા.


 

 

 

 

 

ભારતીય જનતા પક્ષને માત્ર અમદાવાદ જ નહીં વડોદરા, સુરત, રાજકોટ અને એ ઉપરાંત ઘણી બધી નગરપાલિકાઓમાં પણ સફળતા મળી હતી. દરેક ઠેકાણે તો એનું શાસન નહોતું સ્થપાયું પરંતુ બહુમતી બેઠકો મળી હતી. અને આ બધો પ્રતાપ કેશુભાઈ પટેલ – શંકરસિંહ વાઘેલાના ટીમવર્કનો હતો. શંકરસિંહ વાઘેલા આ સફળતા પછી 1991 સુધી પ્રદેશપ્રમુખ રહ્યા. 1989માં ગાંધીનગર લોકસભા બેઠક જીતીને રાજ્યસભામાંથી લોકસભાના સંસદસભ્ય થયા. 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષને ધોરણસરની સફળતા અપાવી અને રાષ્ટ્રીય રાજકારણમાં પરોવાયેલા રહ્યા. તો પછી ચૂંટણી નહીં લડેલા નરેન્દ્ર મોદીનું શું થયું ?

નરેન્દ્ર મોદી કાઉન્સિલરની ચૂંટણી તો ન લડ્યા પણ એ પછી મેયરના બંગલામાં રહેતા થઈ ગયા હતા. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અમદાવાદના મેયરનું સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. તેનું નામ ‘નગરપતિ નિવાસ’. ભારતીય જનતા પક્ષને અમદાવાદમાં સત્તા મળ્યા પછી પક્ષના પહેલા મેયર તરીકે જયેન્દ્ર ત્રિકમલાલ પંડિતની વરણી થઈ હતી. જયેન્દ્ર પંડિત કોટ વિસ્તારમાં કરિયાણાની નાનકડી દુકાન ધરાવતા હતા અને રાયપુર-ખાડિયાની પોળના જ રહેવાસી હતા. મેયર દંપતિ માટે આ બંગલામાં રહેવું એક સુવિધાથી વિશેષ કોઈ મહત્ત્વની વાત નહોતી. એક સવારે નરેન્દ્રભાઈ આ બંગલા પર પહોંચી ગયા. બોલ્યા, “પંડિતજી, આપણે તો સાદાઈના માણસ. આટલા વિશાળ બંગલામાં તમે એકલા શું કરશો ? વકીલ સાહેબની વિદાય પછી મને પણ ભવનમાં એકલું લાગે છે. હું અહીં રહેવા આવી જઈશ.” જયેન્દ્ર પંડિત તેમની આ રજૂઆતથી મૌન થઈ ગયા. આ સમયે નરેન્દ્રભાઈએ મૌનનો અર્થ ‘હા’ કર્યો. બીજે દિવસે જ કપડાંની બેગ, પુસ્તકો અને થોડા સરસામાન સાથે મેયર બંગલો પહોંચી ગયા. સરનામું બન્યું – પહેલા માળનો રૂમ. જયેન્દ્ર પંડિતની બે વર્ષની મેયર પદની મુદત પછી ગોપાળભાઈ સોલંકી આવ્યા. એ પછી 1991માં મેયર પદે આવેલા પ્રફુલ બારોટ વ્યવસાયે એડવોકેટ હતા. કાયદાના જાણકાર હતા એટલે નિયમોની પોથી ખોલીને એકવાર નરેન્દ્રભાઈને સમજાવ્યું કે તમારાથી અહીં ના રહેવાય.

ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં ખપ પુરતી ખટપટો કરી લીધી હતી. મેયરનો બંગલો અને અમદાવાદનું રાજકારણ બન્ને હવે નરેન્દ્રભાઈને નાના લાગતા હતા. એટલે બંગલાની સાથે-સાથે શહેર પણ છોડી દીધું. નવી દિલ્લી પહોંચ્યા અને અમરેલી બેઠકના લોકસભા સંસદસભ્ય દિલીપ સંઘાણીના સરકારી ક્વાર્ટર પર રહ્યા. અમદાવાદ છોડી દીધું હતું, ગુજરાત નહીં. આંખ – કાન સતત ગુજરાત પર જ રહેતા હતા. 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે નરેન્દ્રભાઈ પહેલી જ કેબિનેટ બેઠકમાં હાજર. બિલકુલ મુખ્યમંત્રીની બાજુમાં. ચીફ સેક્રેટરીએ કેશુભાઈની નજીક આવીને કાનમાં પૂછ્યું, “આ ભાઈ ધારાસભ્ય કે મંત્રી છે ?” “ના.” “તો એમને કહોને કે એમનાથી આ બેઠકમાં બંધારણીય રીતે હાજર ન રહેવાય. બહાર જઇને બેસે.” કેશુભાઈ ઉવાચ – “નરેન્દ્ર, તમે બહાર જઇને બેસો.” થયું. સચિવાલય જ નહીં, આ વખતે ગાંધીનગર શહેર પણ છોડી દીધું. અમદાવાદથી ટ્રેન પકડી ફરી એક વાર નવી દિલ્લી પહોંચી ગયા. છ વર્ષ બાદ ઑક્ટોબર 2001માં નવી દિલ્લીથી ફરી એક વાર ટ્રેનમાં બેઠા. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને આવીને ગાંધીનગર પહોંચ્યા – ગુજરાતના મુખ્યમંત્રી થયા. એ પછી કદી ટ્રેનમાં બેસવાનો વારો જ ન આવ્યો. હા 2002માં ગોધરા રેલવે સ્ટેશનની અને બળેલા ટ્રેન ડબ્બાની મુલાકાત લીધી. એ પછી ટ્રેનમાં મુસાફરી કરવાનું જ એમના માટે અશક્ય થઈ ગયું હતું. મે 2014માં ગાંધીનગર છોડ્યું ત્યારે અમદાવાદ એરપોર્ટના ટર્મેક પર ગુજરાત સરકાર નિર્મિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું પ્રાઇવેટ પ્લેન તેમની રાહ જોતું હતું. નવી દિલ્લી તરફ ઉડવા માટે રનવે બિલકુલ ક્લીયર હતો – વડાપ્રધાન પદ સંભાળવા માટે પણ.


 

 

 

 

 

આટલી જૂની વાત – વાર્તા આજે 2021માં કેમ યાદ કરવાની. બે – ત્રણ કારણો છે. એક – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયાર તાસક પર ધરાયેલી ટિકિટ લેવાનો ઇનકાર કરનાર વ્યક્તિ પણ રાજકારણમાં આગળ વધી શકે છે. બે – પહેલી ચૂંટણી લડી શકાય એ સારું તમારા માટે કોઈ ઘર ખરીદીને અપાવવા જેવી મોટી અને કોઈ પણ સમયે મોંઘી લાગે તેવી દરખાસ્ત તમારી આગળ મુકે તો સહેજ થોભી જાઓ. સચેત થઈને વિચારો. એ પછી એવી તૈયારી કરો કે તમારે આજીવન ઘર જ ના ખરીદવું પડે. ત્રણ – ચૂંટણીની ટિકિટ માગનાર યાચક કે લેનાર નહીં પણ ટિકિટ આપનાર બનો.

થ્રી ડાયમેન્શનલ ચૂંટણી સભાઓ ગજાવવાના હાલના આધુનિક સમયમાં ઉપરોક્ત ઘટનાનું ટુ ડાયમેન્શનલ પિક્ચર એમ પણ કહે છે કે એ સમયે 1987માં નરેન્દ્રભાઈ મોદીને એટલી તો સમજ હતી કે કોર્પોરેશનની ચૂંટણી ઉમેદવારી કરાવીને શંકરસિંહ વાઘેલા તેમના રાજકારણને મર્યાદિત કરવા માગે છે. એમ થવા ન દેવું એ તેમના હાથની વાત હતી અને સમયસર ‘ના’ કહી શક્યા. એ સમયે ભાજપમાં ઘણા બધા ઉમેદવારો વિવિધ કારણોસર ચૂંટણી લડવાની ના પાડતા હતા. એ માટે એકથી વધુ કારણો હતા. ચૂંટણી લડવા માટે આર્થિક સગવડ ન હોવી એ સૌથી મોટું કારણ રહેતું અને વ્યવસાયી વકીલો – ડૉક્ટરો પણ એ કારણ આગળ ધરીને તેમની જાહેર થયેલી ઉમેદવારી રદ કરાવતા હતા. પોતાની જાહેર થયેલી ટિકિટ – સંભવિત ઉમેદવારી રદ થાય એ માટે ભલામણોના ફોન કરાવતા હતા. કોની ભલામણ કરાવવાથી ઉમેદવારી રદ થઈ શકે એવી વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવતી હતી. ચૂંટણી લડવા ન માગતો ભાજપનો કાર્યકર ઘરે જો ફોન હોય તો ન ઉપાડે કે એ સમયગાળામાં સગાં-સંબંધીને ત્યાં રહેવા જતો રહે, બહારગામ ચાલી જાય, યુવાન હોય તો ઘરડાં મા-બાપની માંદગીનું કારણ કે ખુદની એવી કોઈ પરિસ્થિતિ આગળ કરે એ અનેક દાવપેચોમાંના થોડાક હતા.

નરેન્દ્રભાઈએ ‘બાપુ’ની ટિકિટ ઑફર માટે આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે, “બાપુ હું તો ટિકિટ આપનારો બનવા માગુ છું.” તેમની આ ઇચ્છા પંદર વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી થયા એ સમયે 2002માં ફળીભૂત થઈ ગઈ હતી. એ પછી ભાજપમાં બધી ટિકિટો ‘સાયેબ’ અને ‘મોટાભાઈ’ જ નક્કી કરે છે. એ ક્રમમાં અત્યારે પુરબહાર ખીલેલી ચૂંટણીની મોસમમાં ગુજરાતના ગામે-ગામ વસતો ભારતીય જનતા પક્ષનો દર ત્રીજો ટિકિટ વાંચ્છુક તેને મળતી દર ચોથી વ્યક્તિને કહેતો ફરે છે, “મારું નામ તો સાયેબે – નરેન્દ્ર મોદીએ ક્લીયર કરેલું છે. મારે સીધો મેન્ડેટ જ મેળવવાનો છે.” કોઈક કોઈક વળી મોટાભાઈ અમિત શાહનું પણ નામ લે છે જેઓ પણ કદી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા નથી.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ ઉપરોક્ત ઘટનાના બે મુખ્ય પાત્રો તેમજ સંબંધિત પાત્રો સાથે વખતોવખત કરેલી રૂબરૂ તેમજ ફોન વાતચીતના સંદર્ભ સાથે. – બિનીત મોદી)