ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આઇસીઇ ન્યુયોર્ક ડિસેમ્બર નવા પાકનો રૂ વાયદો મંગળવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં સહેજ ઘટી ૮૪.૭૯ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુકાયો હતો. શુક્રવારે વાયદો બે સાપ્તાહના તળિયેથી પાછો ફર્યો હતો. અમેરિકાના મોટા કોટન બાઉલ ગણાતા રાજ્ય ટેક્સાસમાં વધારે પડતી ગરમીએ, પાક સામે જોખમ ઊભું કર્યું છે. તમામ અનાજ બજારો સાથે રૂ બજારમાં પણ છેલ્લા પાંચ સપ્તાહમાં પહેલી વખત ગતસપ્તાહે, ૨.૯ ટકાના ગાબડાં સાથે સૌથી મોટો ભાવ ઘટાડો નોંધાયો હતો, ૧૪ મે પછીનો આ મોટો ઘટાડો હતો. 

બજારમાં હવે અમેરિકન કૃષિ મંત્રાલયના સાપ્તાહિક પાક અહેવાલ અને ૩૦ જૂને રજૂ થનારા વાવેતર અહેવાલ પર બજારની નજર રહેશે. શક્ય છે કે ડોલર ઇંડેકસની મજબૂતી, અન્ય કૃષિ બજારોમાં ભવા ઘટાડો, જેવા રૂ બજારની બહારના કારણોસર આ સપ્તાહે પણ બજારમાં થોડી ઢીલાશ જોવા મળશે.   માંગ વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાજીલ, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-૨૨માં રૂ બજારમાં પુરવઠાખાધ રહેશે. કોરોના મહામરીમાં કાપડ ઉધ્યોગ મુશ્કેલીમાં મુકાયા પછી તે હવે ઉત્પાદનક્ષેત્રે જડપથી તંદુરસ્ત બનવા લાગ્યો છે. સતત વધી રહેલી કાપડ ઉધ્યોગની માંગે જાગતિક રૂ સ્ટોક ત્રણ વર્ષના તળિયે પહોંચી જશે, તેની ભાવ પર નિશ્ચિત અસર જોવા મળશે.

Advertisement


 

 

 

 

 

અલબત્ત, ૨૦૨૧માં વૈશ્વિક રૂ ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો થશે, પણ માંગની ટકાવારી તેના કરતાં વધુ રહેતા, ભાવ વધવાની શક્યતા પણ એટલીજ રહેશે. ઇંડેક્સબોક્સએ હમણાંજ પ્રસિધ્ધ કરેલા “વર્લ્ડ કોટન લીંટ માર્કેટ એનાલિસિસ”ના નવા અહેવાલમાં કહ્યું હતું કે રૂ બજારના મધ્યમગાળાના આંતરપ્રવાહનું મુખ્ય એંજિન, વૈશ્વિક વસતિ વધારા સાથે કાપડ ઉધ્યોગની માંગ વૃધ્ધિ રહેશે.

વર્લ્ડ બેન્કનો તાજો અહેવાલ કહે છે કે ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં સરેરાશ ભાવ કિલો દીઠ ૧.૬૪ ડોલર રહ્યા હતા, જે ૨૦૨૦ ની સરેરાશ કરતાં ૩ ટકા વધુ હતા. વર્લ્ડ બેન્ક દ્વારા ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકની ભાવ સરેરાશનું અનુમાન ૧.૭૨ ડોલર મૂકવામાં આવ્યું છે.

૨૦૨૧ના હકારાત્મક રૂ ઉત્પાદનના અંદાજો રજૂ કરાઇ રહ્યા હોવા છતાં, તે ૨૦૧૯ના વિક્રમને તો નહીં જ આંબી શકે. વાવેતર વિસ્તારમાં વૃધ્ધિ, હકારાત્મક હવામાન સ્થતિને લીધે અમેરિકામાં રૂ પાકનો ઉતારો (યીલ્ડ) ૫.૨૩ લાખ ટન, બ્રાજીલમાં ૪.૩૬ લાખ ટન, ઓસ્ટ્રેલીયામાં ૨.૩૯ લાખ ટન, પાકિસ્તાનમાં ૧.૭૪ લાખ ટન આવવાનું અનુમાન છે. ચીનમાં રૂ ઉત્પાદન ઓછું રહેવાથી વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત વિશ્વના કૂલ ઉત્પાદનમાં ૨૪ ટકા હિસ્સો નોંધાવશે.

ભારત, પાકિસ્તાન, તુર્કી, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં ઉચ્ચ રૂ માંગ અને ઔધ્યોગિક વૃધ્ધિ વિકાસદર નોંધવાનું અનુમાન છે. એવું પણ માનવામાં આવે છે કે ચીન પોતાના સ્વદેશી ઉધ્યોગોની માંગને પહોંચી નહીં વળે એ જોતાં તેની આયાતમાં મોટો વધારો સંભવિત છે.        
     
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)