ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સટ્ટોડિયાઓએ રૂને તેજી માટે લક્ષ્યાંક બનાવીને કેટલાય સપ્તાહો પહેલા વાયદામાં ઓળીયા વધારવાનું શરૂ કર્યું, ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાવ નવી ઊંચાઈ દાખવશે. સટ્ટાકીય લેણ, ભાવને ઉપર તો લઈ ગયું, પણ એ સ્પષ્ટ ના થયું કે આનાથી ઉત્પાદન પર કેવિક અસર પડશે, આ સવાલે ખેડૂતોને દૂર-ડિલિવરી વાયદા ખરીદવા માટે આકર્ષિત કર્યા, પણ સાથે જ કપાસ વાવેતર માટે નકારાત્મક ભાવના ઊભી કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. અલબત્ત, આપણે આખા વિશ્વમાં સ્ટોક ટુ  યુસેજ રેશિયો (વર્ષાન્ત સ્ટોક ભાગ્યા કૂલ માંગ સંખ્યા) ૩૫થી ૪૦ ટકા આસપાસ થવાની રાહ જોઈએ છીએ, પણ છેલ્લા એક દાયકાથી આ રેશિયો ૮૦થી ૯૦ ટકા આસપાસ રહે છે.

Advertisement


 

 

 

 

 

આજે ચીન વિશ્વમાં સૌથી વધુ રૂ સ્ટોક લઈને બેઠું છે, અને આ બધી ગાંસડીઓ હિસાબમાં આવતી જ નથી. બરાબર આ જ સમયે રૂની માંગ નવી ઊંચાઈએ પહોંચી છે. નવા વર્ષે પણ ઊંચા ભાવ સાથે આપણે બજાર પ્રવેશ કરીશું. અમેરિકામાં કપાસ વાવેતર વિસ્તારમાં વરસાદની સમસ્યા, ભારતમાંથી ઓછી નિકાસ અથવા ચીનમાં ઉત્પાદનના મુદ્દાઓ ઉપરાંત ચીનના ઉત્તરના રાજ્યોમાં ઉઈગર લઘુમતી મુસ્લિમો સાથે ગુલામો જેવા વ્યવહારને લીધે અહીના રૂની આયાત પર પ્રતિબંધો જેવા મુદ્દા ભાવને ઉપર ધકેલવામાં મદદ કરશે.

હજુ ત્રણ સપ્તાહ પહેલા ભાવ ૮૦થી ૯૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) હતા, તે ૨૫ સેન્ટના ઉછાળે ૧ નવેમ્બરે ડિસેમ્બર વાયદો ૧૨૧ સેન્ટની જૂન ૨૦૧૧ પછીની ઊંચાઈએ પહોંચ્યો, જે શુક્રવારે ૧૧૭ સેંટ મુકાયો હતો. ભારતમાંથી નિકાસ ઓછી થશે, એવા વરતારા પર જાગતિક અછત વકરવાના ભયે રૂના ભાવ ૧૦ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા, અને હવે કાપડની ઉત્પાદન પડતર વધવાનો ભય સર્જાયો છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ એક આગાહીમાં કહ્યું હતું કે ૨૦૨૧-૨૨માં નિકાસ ૩૮ ટકા ઘટશે, જ્યારે ગત સપ્તાહે જ કોટલૂક એજન્સી ઓછું ઉત્પાદન અને વધુ માંગને ધ્યાનમાં રાખીને વૈશ્વિક રૂ ખાધના અનુમાનો વધાર્યા હતા.

તમામ ખેડૂતો હાલમાં વધુ ઊંચા ભાવ જોઈ રહ્યા છે ત્યારે ૨૦૨૨માં વ્હાઇટ ગોલ્ડ (રૂ) રાજા પુરવાર થવાની સંભાવના નકારાતી નથી. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક ભાવ વચ્ચે મોટો તફાવત હોવાથી ચીન આજે પણ સક્રિય ગ્રાહક દેશ બની રહ્યો છે. બજારના ફન્ડામેન્ટલસ પણ એવા છે જે મંદિવાળાને શોર્ટ સેલ કરવાની કોઈ તક કે કારણ નથી આપતા. ચાર્ટના સંકેત પણ ઊંચા રેસિસ્ટન્સ લેવલને લીધે કોઈ નવો રસ્તો ખૂલવા દેતા નથી.

Advertisement


 

 

 

 

 

કોટન એસોસિયેશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ તાજા અહેવાલમાં ૨૦૨૧-૨૨નો રૂ પાકનો પ્રથમ પ્રાથમિક અંદાજ, ગતવર્ષના ૩૫૩ લાખ ગાંસડી (૧૭૦ કિલો પ્રત્યેક)થી વધુ ૩૬૦.૧૩ લાખ ગાંસડી મૂક્યો હતો. ૭૫ લાખ ગાંસડી પુરાંત ખૂલતો સ્ટોક અને ગતવર્ષ જેટલી જ ૧૦ લાખ ગાંસડી આયાતના અનુમાન સાથે ૩૦ સપ્ટેમ્બરે પૂરા થતાં વર્ષમાં ૪૪૫.૧૩ લાખ ગાંસડી રૂ ઉપલબ્ધ રહેશે.

પાકિસ્તન કોટન એન્ડ જિનર્સ એસોસિયેશને ગત સપ્તાહે કહ્યું હતું કે જૂન નવેમ્બર ૨૦૨૧ની વર્તમાન કપાસ મોસમમાં પાકને સમયસર અને પ્રમાણસર વરસાદ મળી રહેતા, રૂ ઉત્પાદન ગતવર્ષના, ૩૪.૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૫૫ કિલો)થી વિક્રમ વધીને ૬૨.૫ લાખ ગાંસડી આવશે, આને લીધે પાકિસ્તનની ટેક્સટાઇલ મિલોને ભરપૂર માત્રામાં કાચોમાલ મળી રહેશે અને દેશમાં આયાત ઘટશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)