ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): રૂ વાયદાની તેજીને નવું જીવતદાન મળ્યું છે. ન્યુયોર્ક ડિસેમ્બર વાયદો શુક્રવારે ઇન્ટ્રાડેમાં ૨.૮ ટકાની સાપ્તાહિક વૃધ્ધિ સાથે, ૯૪.૬૬ સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ), વર્તમાન વર્ષની ૨૪ ફેબ્રુઆરીની ઊંચાઈ ૯૪.૬૯ નજીક સરકી ગયો હતો. રૂ વાયદો માર્ચ ૨૦૧૧માં ૨૦૦.૨૩ સેન્ટની ઐતિહાસિક ઊંચાઈથી ગબડીને ફેબ્રુઆરી ૨૦૦૯માં ૪૨.૦૯ સેન્ટના તળિયે પહોંચ્યો હતો. અમેરિકન કૃષિમંત્રાલયે રૂ બજાર માટે કેટલાંક આશ્ચર્યજનક આંકડા રજૂ કરીને ભરપૂર તેજીના સંકેત આપ્યા હતા. આ આંકડાએ બજારની તેજી માટે આવશ્યક હતું તે ઈંધણ પૂરું પાડ્યું હતું, તેજીવાળાઓએ ફોલોથ્રુ લેણ કર્યું હતું.

અમેરિકન કૃષિમંત્રાલયે ગત સપ્તાહે રૂ વાવેતર વિસ્તાર ઘટયા સાથે ઉતરા (યીલ્ડ)ના અંદાજ એકર દીઠ ૮૦૦ કિલો મૂક્યા હતા, જુલાઈમાં ૭૧૪ કિલોની ધારણા હતી ગતવર્ષે ઉતારો ૮૪૭ કિલો આવ્યો હતો. એક તરફ પુરવઠા અછત અને ભાવ ખૂબ ઊંચા હોવાથી નિકાસમાં ૨ લાખ ગાંસડીનો ઘટાડો થશે. આ સાથે જ યુએસડીએ હાજર બજારમાં વાર્ષિક સરેરાશની ભાવની આગાહી ૭૫ સેંટથી વધારીને ૮૯ સેંટ કરી હતી. ભારતમાં પણ ચોમાસાનો ભારે પ્રકોપ જોતાં રૂ ઉત્પાદન ૨૦થી ૨૫ ટકા ઓછું આવશે, ચીનમાં પણ રૂ વાવેતર વિસ્તારમાં માટે મોસમ ખૂબ ખરાબ છે.

Advertisement


 

 

 

 

 

આ બધાને લીધે રૂ બજારમાં ચિંતા વધી છે. મે ૨૦૨૧થી રૂની તેજી શરૂ થઈ હતી, જે હવે ૯ વર્ષની ઊંચાઈએ પહોંચી ગઈ છે. કોટલૂક એ ઇંડેક્સ આ મહિને કિલો દીઠ ૨.૧૫ ડોલરની ઊંચાઈએ પહોચ્યો છે, અને હવે આ આ ઇંડેક્સ મધ્યમગાળા સુધી આ લેવલ પર જ રહેશે. ગતવર્ષના માર્ચમાં ગ્રેટ કોમોડિટી ક્રાઇસીસમાં રૂના ભાવ ૫૧ સેંટના તળિયે ગયા પછી અત્યાર સુધીમાં રૂના ભાવ ૫૫ ટકા વધ્યા છે, જે ૧૭ મહિનાની ઊંચાઈ છે.

વાસ્તવમાં કોરોના મહામારી પહેલાના ભાવ કરતાં વર્તમાન ભાવ ૩૦ ટકા ઊંચા છે. જો ખાધ્યતેલ અને મકાઈને છોડી દઈ તો કૃષિબજારમાં રૂના ભાવ સૌથી વધુ વધ્યા છે. રૂના ભાવ કેટલું ખેંચશે તે બાબતે કોમોડિટી એનાલિસ્ટોમાં મતમતાંતર છે. કેટલાંક ટ્રેડરો કહે છે કે જુદીજુદી કોમોડિટીના ભાવ જાગતિક સપ્લાય ચેઇનના આધારે નિર્ધારીત થાય છે, જો આ નિયમને વ્યાપક રીતે જોઈએ તો રૂની તેજીનો મજબૂત પાયો રચાઇ રહ્યો છે.

યુએસડીએની નેશનલ એગ્રિકલ્ચરલ સ્ટેટેસ્ટીકસ સર્વિસએ અમેરિકન રૂ વાવતરેના આંકડા ગતસપ્તાહે રજૂ કર્યા હતા. એ મુજબ ઉત્પાદનનો અંદાજ ૨૦૨૦ કરતાં ૧૮ ટકા વધીને ૧૭૩ લાખ ગાંસડી પ્રતિ ૪૮૦ પાઉન્ડ (૨૧૮ કિલો) મૂક્યો હતો. અલબત્ત, વાવેતર વિસ્તાર ૩ ટકા ઘટીને ૧૧૭ લાખ એકર મૂક્યો હતો. યુએસડીએ એ ૨૦૨૧/૨૨નો વૈશ્વિક રૂ વપરાશનો અંદાજ, ૨૦૦૭/૦૮ પછીનો સૌથી વધુ ૨૭૦ લાખ ટન મૂક્યો હતો. ૨૦૨૦/૨૧એ કોરોના મહામારી વર્ષ હોવા છતાં, પ્રથમ વખત રૂ વપરાશ ૧૫ ટકા વધ્યો હતો.

Advertisement


 

 

 

 

 

કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ તેના ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૦/૨૧ મોસમ માટેના ઉત્પાદન અંદાજ જુલાઇ કરતાં ૧.૫ લાખ ટન ઓછો ૩૫૪.૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) મૂક્યો હતો. ગતવર્ષે ઉત્પાદન ૩૬૦ લાખ ગાંસડી થયું હતું. વિશ્વ અને ભારતીય બજારમાં રૂના ભાવ વધ્યા હોવા છતાં, સ્પીનીંગ મિલો યાર્નના ભાવ વધારી નહીં શક્તી હોવાથી ખરાબ સમયનો સામનો કરી રહી છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)