ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): જો તમે રૂ, મકાઈ અને સોયાબીનના તેજીવાળા હોવ તો, ખયાલ હોવો જોઈએ કે હવે ઘણા બધા તેજીવાળા બજારમાં આવી ગયા છે. મહત્તમ કોમોડીટી બજાર તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો જણાય છે કે ગત સપ્તાહે ઉક્ત ત્રણ કોમોડીટીમાં ભાવ સૌથી વધુ વધ્યા હતા. અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)એ અનાજ ઉગાડતા અમેરિકન રાજ્યોમાં પુર જેવી સ્થિતિ અથવા દુષ્કાળ જેવી સ્થિતિનો હવાલો આપીને અનાજના ઉત્પાદનના વિક્રમ અંદાજોમાં, ઓગસ્ટની તુલનાએ સારો એવો ઘટાડો કર્યો હતો. રૂનો વેપાર અત્યારે મધ્યમ ટ્રેડીંગ ભાવ રેન્જમાં થાય છે. અલબત્ત, રૂ બજાર તેજીના માર્ગે આગળ વધી રહી છે.
સીબીઓટી ડીસેમ્બર રૂ વાયદો શુક્રવારે એક તબક્કે ૬૫.૬૧ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. બે એપ્રિલે ૫૦.૧૮ સેન્ટનું તળિયું બનાવ્યું ત્યાંથી ભાવે હાયર લો અને હાયર હાઈ બનાવી લીધા છે. ૨૫ ઓગસ્ટે ૬૬.૪૫ સેન્ટની તાજેતરની હાઈ બનાવી હતી. ભારતમાં પણ અનેક રાજ્યોમાં પુરગ્રસ્ત સ્થિતિને લીધે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી આવનાર નવા પાકમાં પોલ આવવાની સંભાવના વ્યક્ત થવા લાગી છે.
શુક્રવારે યુએસડીએએ રજુ કરેલ સપ્ટેમ્બર વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટમાં કહ્યું હતું કે બજારમાં તેજીનો કરંટ સ્થાપિત થયો છે. અલબત્ત, વર્તમાન મોસમના સરેરાશ ભાવનો અંદાજ ઓગસ્ટ જેટલો જ ૫૯ સેન્ટ મુક્યો હતો. જાગતિક વર્ષાંત સ્ટોક ઓગસ્ટ અંદાજથી ૧૧ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) ૧૦૩૮ લાખ ગાંડી મુક્યો હતો, જે ૨૦૨૯-૨૦ કરતા ૪૪ લાખ ગાંસડી વધુ છે. અમેરિકન રૂ ઉત્પાદન અનુમાન ૨૦૧૯ કરતા ૧૪ ટકા ઘટીને ૧૦૭.૬ લાખ ગાંસડી મુક્યું હતું. તમામ અમેરિકન વાવેતર અંદાજ ગત વર્ષ કરતા ૧૨ ટકા ઓછું અને પાછલા અંદાજ કરતા એક તકો ઘટાડીને ૧૨૧ લાખ એકર મુકવામાં આવ્યું છે.
 
 
 
 
ચીનમાં સેન્જીયાંગ પ્રાંત માટેની ખોટી સરકારી નીતિને પડકારવા અને ઉત્તરપૂર્વના સેન્જીયાંગ ઉઈગર ઓટોનોમસ વિસ્તારમાં માનવ અધિકારોનું હનન કરવાના આક્ષેપ સાથે એ વિસ્તારમાંથી આયાત થતા રૂ પર પ્રતિબંધ મુકવાનું અમેરિકન સરકાર વિચારી રહી છે. આંકડા કહે છે કે ૨૦૧૯મા અમેરિકાની કુલ રૂ પ્રોડક્ટોનો ૨૪ ટકા અને ૨૦૧૮મા ૧૮ ટકા આયાત ચીનથી થયેલી. ચીનના કુલ રૂ ઉત્પાદન અને સ્પીનીંગ ઉત્પાદનનો અનુક્રમે ૮૫ ટકા અને ૧૩ ટકા હિસ્સો સેન્જીયાંગ પ્રાંત ઉત્પાદિત કરે છે.
ભારતની કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા કહે છે કે વિસ્તરી રહેલા પુરાંત સ્ટોકને ઘટાડવા અને નબળી માંગને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરમાં શરુ થતી રૂ સીઝનની નવી આવકો પૂર્વે ૧૫થી ૨૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) બાંગ્લાદેશમાં નિકાસ કરી દેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કોટન એસોસિયેશ ઓફ ઇન્ડિયાએ ભારતમાં ૨૦૧૯-૨૦ની મોસમનો રૂ પાક અંદાજ ૧૯ લાખ ગાંસડી વધારીને ૩૫૪.૫ લાખ ગાંસડી મુક્યો છે.
(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)