ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ. મુંબઈ): તાજેતરમાં અમેરિકાના સૌથી મોટા રૂ ઉત્પાદક રાજ્ય વેસ્ટ ટેક્સાસમાં સારો વરસાદ પડતાં પાકને જીવતદાન મળી ગયાના અહેવાલે આઈસીઇ (ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સ્ચેન્જ) ન્યુયોર્ક રૂ વાયદો ૬ મેએ બે મહિનાની ઊંચાઈએ ૯૦.૮૧ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુકાયો હતો તે ૯ ટકા ઘટીને ગુરુવારે ૮૩ અને ૮૪ સેંટ વચ્ચે અથડાતો હતો. ૬ કરન્સી બાસ્કેટનો મજબૂત ડોલર ઇંડેક્સ અને આ સપ્તાહે વેસ્ટ ટેકસસાસમાં વરસાદની આગાહી પણ રૂ બજાર પર દબાણ ઊભું કરવામાં સફળ રહ્યા હતા. આઇસીઇએ ૧૭ મેએ જાહેર કર્યું કે રૂ ફ્યુચર્સ ઓપ્શનમાં ઊભા ઓળીયા (ઓપન પોજીશન) અગાઉના તમામ વિક્રમ તોડીને ૪૭૦ લાખ કોન્ટ્રેક્ટ (પ્રત્યેક ૫૦૦૦૦ પાઉન્ડ) સુધી પહોંચી ગઈ છે.

ગત અને આ સપ્તાહે પડનાર વરસાદ પછી વેસ્ટ ટેકસસાસમાં કપાસ વવેતરનો વિસ્તાર ખૂબ વધ્યો છે, આનો અર્થ એ થાય કે અમેરિકન કૃષિ મંત્રાલયે ગત સપ્તાહે મૂકેલા પાકના અંદાજો હવે વાસ્તવિક સ્તરે મુકાશે. યુએસડીએ એ ગત સપ્તાહે તેના વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડના મે મહિનાના અહેવાલમાં અંદાજ મૂકતાં કહ્યું હતું કે ૨૦૨૧-૨૨ની રૂ મોસમમાં અમેરિકન રૂ ઉત્પાદનમાં ૨૪ લાખ ગાંસડી (૨૧૮ કિલોની એક)નો ઉમેરો થશે.      

ચીનના સૌથી મોટા રૂ ઉત્પાદક રાજ્ય સેનજીયાંગ પ્રાંત સરકારની નીતિ સામે આખા જગતમાં ભારે ઉહાપો થયો છે, સેનજીયાંગ ઉઈગર ઓટોનોમસ વિસ્તારના ઉઈગર મુસ્લિમો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, તેની ટીકાઓ થવા લાગી છે. ડિટેન્શન કેમ્પ અને ફરજિયાત મજૂરી કારવવાના આક્ષેપો ચીનએ નકારી કાઢ્યા છે. આપણે આ ઘટના પાછળ બનતી ઘટનાઓને પણ રૂ બજારના હિતમાં ચકાસવી જોઈએ. આનાથી ધડો લઈને વિશ્વમાં છઠ્ઠા રૂ ઉત્પાદક ક્રમાંકીત ઉજબેકિસ્તાને રૂ વાવેતર વિસ્તારમાં વ્યાપક વધારો કરીને જગતમાં રૂ વિસ્તાર વધારી દીધો છે.


 

 

 

 

 

રૂ ઉત્પાદનમાં ચીન બીજા ક્રમાંકે આવે છે. રૂ પ્રોસેસિંગ સહિતના આ વ્યવસાયમાં ચીનના ૬ લાખ લોકો જોતરાયેલા છે. એકલા સેનજીયાંગ રાજ્યે ગતવર્ષે ૫૯ લાખ ટન રૂ પેદા કર્યું હતું. રૂ સાથે સંકળાયેલી મહત્તમ પ્રવૃત્તિઓ ચીનના દૂર પશ્ચિમના રાજ્યોમાં કરવામાં આવે છે. જેંગજુ કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર રૂ વાયદો પ્રતિ ટન ૭૫ યુઆન (૧૧.૬૭ ડોલર) ઘટીને ૧૫૬૪૦ યુઆન બોલાયો હતો.

સાપ્તાહિક ધોરણે એમસીએક્સ રૂ વાયદો મેના બીજા સપ્તાહમાં એક ટકા વધ્યો હતો, જે આઇસીઇ રૂ વાયદા કરતાં ૮ ટકા નીચો હતો. કોટન એસોસિયેશ ઓફ ઇન્ડિયાએ ભારતનો રૂ વપરાશ અંદાજ, ૧૫ લાખ ગાંસડી (દરેક ૧૭૦ કિલો) ઘટાડયો હતો. આ ઘટના સ્થાનિક રૂ બજાર માટે નકારાત્મક પુરવાર થશે. કોટલૂક એ ઇંડેક્સ ભાવ ૯૩.૪૦ સેંટ સામે એમસીએક્સ રૂ મે વાયદો અત્યારે ૧૪ ટકા ડિસ્કાઉન્ટથી બોલાય છે. અલબત્ત, સીઆઈએ દ્વારા ૨૦૨૧-૨૨ના નિકાસના અનુમાનો ૬૫ લાખ ગાંસડી મૂક્યા છે જે ગયા મહિને ૬૦ લાખ ગાંસડી હતા. આ અહેવાલ પછી જાગતિક રૂ વાયદા અને વિદેશી બજારની તેજીમાંથી હવા નીકળી ગઈ હતી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)