ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): યાર્ન અને કાપડ મિલોનો કાચામાલનો વપરાશ અને અન્ય કેટલાય ફન્ડામેનટલ્સે રૂના ભાવને કોરોના રોગચાળો ઊથલો માર્યા પહેલાંની ઊંચાઈએ લાઈ જવામાં મદદ કરી છે, એમ અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નું કહેવું છે. શુક્રવારે ન્યુયોર્ક માર્ચ રૂ વાયદો મે ૨૦૧૯ પછીની નવી ઊંચાઈએ ૭૪.૭૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. કોરોના મહામારી પૂર્વે રૂમાં બરાબર તેજી જામી હતી. પણ ત્યાર પછી ભાવ ઘટતા રહી ૧ એપ્રિલે ૪૮.૩૬ સેંટ ૧૦ વર્ષના તળિયે બેસી ગયા.
અમેરિકન સરકારે રૂ ઉત્પાદન અને વર્ષાન્ત સ્ટોકના આંકડા ઘટાડીને મૂકતાં, ગત સપ્તાહે વાયદો ૬ ટકા ઉછળ્યો, આ ઘટના જૂન પછી પહેલી વખત બની છે. નવેમ્બરમાં યુએસડીએએ અમેરિકન રૂ વર્ષાન્ત સ્ટોક ૭૨ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) અને હવે ૫૭ લાખ ગાંસડી અંદાજીને તેજીને ભડકાવી હતી, ગત માર્કેટિંગ વર્ષમાં વર્ષાન્ત સ્ટોક ૭૨.૫ લાખ ગાંસડી રહ્યો હતો. ઉત્પાદનમાં ૧૧.૪ લાખ ગાંસડીનો ઘટાડો અંદાજીને નવો પાક ૧૯૫.૯ લાખ ગાંસડી સાથે કૂલ સપ્લાય ૨૩૨ લાખ ગાંસડી મુકાઇ હતી.
અમેરિકન કૃષિ મંત્રાલયે ૨૦૨૦-૨૧ની મોસમના સરેરાશ ભાવ નવેમ્બરના અંદાજ ૦.૬૪ સેન્ટથી વધારીને ૦.૬૫ સેંટ કર્યા છે. ૨૦૧૯-૨૦ની વાર્ષિક સરેરાશ ૦.૫૯૬ સેંટ રહી હતી. યુએસડીએ હવે પછી ૧૨ જાન્યુઆરી તેનો નવો વરતારો રજૂ કરશે. ૨૦૨૦-૨૧નો વૈશ્વિક વર્ષાન્ત સ્ટોક ૯૭૫.૨ લાખ ગાંસડી અંદાજિત છે, ફેબ્રુઆરીમાં મૂકવામાં આવેલા અંદાજ કરતાં આ અનુમાન ૧૯ ટકા વધુ છે. જાગતિક ઉત્પાદન ગત મહિનાના અંદાજ ૧૧૬૧ લાખ ગાંસડીથી ઘટાડીને ૧૧૩૯ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો હતો. યુએસડીએએ અમેરિકા ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાનમાં ઉત્પાદન ઘટ મૂકી હતી.
વપરાશી માંગ એક મહિના અગાઉ ૧૧૪૦.૫ લાખ ગાંસડી મૂકી હતી તે હવે વધારીને ૧૧૫૬.૩ લાખ ગાંસડી મૂકી છે. નવેમ્બરમાં નિકાસ અંદાજ ૪૨૮.૭ લાખ ગાંસડીથી વધારીને ૪૩૨.૧ ગાંસડી મૂક્યો હતો. અમેરિકન કૃષિ મંત્રાલય હવે માને છે કે ચીન તેની રૂ આયાત પાંચ લાખ ગાંસડી વધારીને ૧૦૦ લાખ ગાંસડી કરશે.
કોરોના મહામારી વચ્ચે સ્પીનીંગ મિલ ધરાવતા અનેક દેશોમાં ૨૦૧૯-૨૦ દરમિયાન મિલ ઉત્પાદન અસર પામવાનો ભય હતો. ગતવર્ષએ ઐતિહાસિક રીતે સૌથી ખરાબ વર્ષ ગણાયું હતું. અમેરિકા, ચીન, પાકિસ્તાન અને ભારત જેવા દેશમા તો આ ગાળામાં માસિક ધોરણે ૯૦ ટકા ઉત્પાદન ઘટ્યું હતું.
ચીનના શેનજીયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ જે કેદીઓને મજૂર બનાવીને ઉત્પાદિત કરતાં રૂ અને અન્ય માલ પર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશને આયાત પ્રતિબંધ મૂક્યા હતા. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટીકસ ઓફ ચાઈના મુજબ દેશના કૂલ રૂ ઉત્પાદનમાં શેનજીયાંગનો હિસ્સો ૮૫ ટકા છે.
ભારતમાં લોક-ડાઉનનો બીજો તબક્કો શરૂ થવા પહેલા, ખેડૂતો હાથ પરના રૂ સ્ટોકમાંથી છૂટી જવા ઉતાવળા થતાં સરેરાશ દૈનિક આવક વધીને ૨.૫ થી ૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) થઈ છે. આને લીધે ભાવ પર દબાણ વધતાં ક્વિન્ટલ દીઠ રૂ. ૫૩૦૦ થી ૫૮૫૦ બોલાવા લાગ્યા છે, જે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં રૂ. ૬૦૦૦ હતા. ભારત સરકારે રો કોટન (કપાસ)ના વર્તમાન મોસમ માટે લઘત્તમ પ્રાપ્તિ ભાવ રૂ. ૫૮૫૦ ઠરાવ્યા છે.
ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ૨૦૨૦-૨૧ ની રૂ મોસમમાં ભારતના કૃષિ મંત્રાલયે રૂ ઉત્પાદનનો અંદાજ ૩૭૧.૧૮ લાખ ગાંસડી મૂક્યો છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ તેનો નવો રૂ ઉત્પાદન અંદાજ ૩૫૬ લાખ ગાંસડી મૂક્યો છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)