મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક હોવા છતાં વિકાસથી વંચીત રહ્યો છે ગ્રામ પંચાયત સંચાલીત ભિલોડા નગરનો વહીવટ ખાડે ગયો હોય તેમ વિકાસ થંભી જતા અને વિકાસની ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના વારંવાર બૂમો ઉઠી રહી છે ત્યારે ભિલોડા ગ્રામ પંચાયતમાં ૧૪ માં નાણાંપંચની ગ્રાંટ અંગે જીલ્લા કક્ષાએથી ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થતા જાગૃત નાગરિકોમાં આનંદ છવાયો છે તપાસની ટીમ કુલડીમાં ગોળ તો નહીં ભાંગેની ચર્ચા હાલ ભિલોડા નગરમાં ચાલી રહી છે.

ભિલોડા નગરમાં વિકાસની ગ્રાન્ટ માંથી નિર્માણ થતા રોડના કામોમાં અને રોડ રિસર્ફેશની કામગીરીમાં કોન્ટ્રાકટરો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરી રોડના કામમાં જાણે લોટ, લાકડું અને પાણી વપરાતા હોય તેવા રોડ બનાવ્યાના થોડાક જ મહિનાઓમાં રોડ તૂટી જતા હોવાની બૂમો ઉઠી રહી છે થોડા સમય અગાઉ પૂર્વ સરપંચ ભીખાભાઇ ભાટીયા અને જાગૃત નાગરિકો ગ્રામ પંચાયત આગળ ગ્રામ પંચાયત દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે જંગ છેડી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા જેને પગલે તંત્ર દોડતું થયું હતું ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે ભિલોડા ગ્રામ પંચાયતમાં નગરના વિકાસ માટે ફાળવેલ ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટના કામોની સમીક્ષા કરવા અને કામોની તપાસ માટે જીલ્લા કક્ષાએથી ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થતા જાગૃત નાગરિકોમાં આનંદ છવાયો છે.


 

 

 

 

 

ભિલોડા નગરમાં લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ વર્ષે દહાડે ભિલોડા નગર માટે કરોડો રૂપિયાની વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પણ આ ગ્રાંટમાંથી નગરનો વિકાસ ઓછો અને અધિકારીઓ અને પદાધિકારીઓના ખિસ્સાનો વિકાસ વધુ થઇ રહ્યો હોવાનું અને ભિલોડા તાલુકા પંચાયત અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી દ્વારા તપાસ હાથધરવામાં આવે તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની અપ્રમાણસર સંપત્તિ મળી આવી શકે છે.

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયા શું કહે છે

ભિલોડા ગ્રામ પંચાયતમાં ૧૪ માં નાણાપંચની ગ્રાંટ અને વિકાસના કામોની તપાસ જીલ્લા કક્ષાએથી હાથધરાતા આ અંગે જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયા સાથે ટેલિફોનિક પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે આ એક રૂટીન તપાસ છે અને તપાસ દરમિયાન વિકાસની ગ્રાન્ટ કે કામમાં કોઈ પણ વાંધાજનક જણાશે તો વધુ તપાસ હાથધરી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.