મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની ચૂંટાયેલ પાંખની ૧૪ ડિસેમ્બર અને સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરની નગરપાલિકાની ચૂંટાયેલ પાંખની ટર્મ ૧૨ ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે રાજ્ય સરકારે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાની ચૂંટણી પંચ થકી જાહેરાત કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુદત પૂર્ણ થતી ૫૧ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદાર તરીકે નગરપાલીકા ચીફ ઓફિસરની નિમણૂંક કરતાં આખરે મોડાસા અને હિંમતનગર પાલિકામાં નાગરિક સુખાકારી કામો જળવાઈ રહે તે માટે નગરપાલિકા ચીફ ઓફિસર સર્વેસર્વા બની રહેશે. જોકે તેઓ નીતિવિષયક નિર્ણય લેવા પર લગામ લગાવી દીધી છે. હવે તાલુકા અને જીલ્લા પંચાયતમાં પણ વહીવટદાર તરીકે કોની નિમણૂંક થાય છે તેના પર સૌની નજર મંડરાઈ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત અંદાજે ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહી છે. કોરોના સંક્રમણના પગલે ત્રણ મહિના ચૂંટણીઓ પાછી ઠેલાતાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં જેથી હવે વહીવટદાર નિમાશે કે નહીં અને વહીવટદાર તરીકે કોની નિમણૂંક થશે તે મુદ્દે સૌની મીટ મંડાઇ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણુંક કરવાની જાહેરાત કરતા મોડાસા અને હિંમતનગર નગરપાલિકામાં વહિવટદારની નિમણૂંક થતા હવે બંને નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરનું રાજ આવી જશે. જેને લઈને ચૂંટાયેલા પદાધિકારીઓ પાસેની તમામ સત્તાઓનો ઉપયોગ બંધ થઈ જશે.

રાજ્યની ૫૧ નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં ‘અ’ વર્ગની 16, ‘બ’ વર્ગની 23 અને ‘ક’ વર્ગની 12 એમ કુલ 51 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

રાજ્યની કઈ કઈ મહાનગર પાલિકા અને નગરપાલિકામાં વહીવટદાર ની નિમણૂંક કરવામાં આવી છે તેની તરફ એક નજર 

     અમદાવાદ જિલ્લાની ધોળકા અને વિરમગામ નગરપાલિકા, ખેડા જિલ્લાની નડિયાદ અને કપડવંજ નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ નગરપાલિકા, પાટણ જિલ્લાની પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર અને ડીસા નગરપાલિકા, મહેસાણા જિલ્લાની મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર નગરપાલિકા, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા,ગાંધીનગર જિલ્લાની કલોલ અને દહેગામ નગરપાલિકા, પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા, દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકા, વડોદરા જિલ્લાની ડભોઇ અને પાદરા નગરપાલિકા, આણંદ જિલ્લાની આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ નગરપાલિકા, તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકા, ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકા, સુરત જિલ્લાની બારડોલી અને કડોદરા નગરપાલિકા, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ભૂજ, અંજાર અને માંડવી (ક) નગરપાલિકા, દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી અને વાંકાનેર નગરપાલિકા, રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા, અમરેલી જિલ્લાની અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકા, ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ, ઉના નગરપાલિકા, જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા તથા ભાવનગર જિલ્લાની મહુવા અને પાલિતાણા નગરપાલિકાનો સમાવેશ થાય છે.