મેરાન્યૂઝ નેટવર્ક.કેન્યાઃ દુનિયામાં આવ્યા છીએ તો જીવવું પડશે... મહેબૂબ ખાનની ફિલ્મ મધર ઈંડિયા એ હિન્દી સિનેમાનું સૌનેરી પાનું છે. ફિલ્મ 1957માં આવી હતી અને તેના ઘણા દ્રશ્યો આ સમયમાં પણ પ્રાસંગિક છે. યાદ છે ફિલ્મનો એ સીન કે જેમાં માતા પોતાના બાળકની ભૂખ શાંત કરવા તેને ખોટો દિલાસો આપે છે અને તે ખાવાનું બનાવતી હોય છે. પરંતુ ખરેખરમાં તો પાણી જ ગરમ થતું હોય છે. એ સીન સાથે મળતી આવતી એક ઘટના કોરોના વાયરસના મુશ્કેલ સમયમાં કેન્યામાં સામે આવી છે. અહીં ગરીબ પરિવારમાં એક લાચાર માતાએ પોતાના ચુલા પર પત્થર ઉકાળવા મુકી દીધા છે જેથી ભૂખથી રડતા પોતાના બાળકોને ચુપ કરાવી શકાય.

કેન્યાના મોમ્બાસા શહેરની પેનિના બહાતી કિત્સાઓ 8 બાળકોની માતા છે. તે વિધવા અને નિરક્ષર છે. તે લોકોના કપડા ધોઈને પરિવાર ચલાવે છે. પરંતુ કોરોના સંકટ બાદથી તેમની જીંદગી ઘણી મુશ્કેલ બની ગઈ છે. આ સંકટએ તેમને એટલા ગરીબ કરી દીધા છે. તેમને પોતાના ભૂખ્યા બાળકોને ચુપ કરાવવા માટે પત્થર ઉકાળવાનું નાટક કરવું પડ્યું જેથી તે ભોજનની આશામાં રાહ જોતાં જોતા બાળકો સુઈ જાય.