મેરાન્યૂઝ નેટવર્ક.હરિદ્વારઃ કોરોના વાયરસના માટે પતંજલી દ્વારા બનાવાયેલી કોરોનિલ દવા લોન્ચ થતાં જ વિવાદોમાં આવી ગઈ છે. બાબાએ ધમધોકાટ જાહેરાત કરી અને એટલી જ ધમધોકાટ રીતે વિવાદોએ આ દવાને ઘેરી લીધી છે. મંગળવારે સાંજે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા દવા લોન્ચ કર્યા બાદ ભારત સરકારના આયુષ મંત્રાલયએ દવાના પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેના પછી બુધવારે બાબા રામદેવની દવાને એક બીજો ઝાટકો લાગ્યો છે. આ વખતે ઉત્તરાખંડ આયુર્વેદ ડ્રગ્સ લાયસન્સ ઓથોરિટીએ બાબાની દવા પર સવાલો ઊભા કર્યા છે.

ઓથોરિટીના ઉપનિદેશક યતેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે, બાબા રામદેવની કંપની પતંજલીને કોરોનાની દવા માટે નહીં પણ ઈમ્યૂનિટી બૂસ્ટર અને ખાંસી-શરદીની દવા માટે લાયસન્સ ઈશ્યૂ કર્યું હતું. રાવતે કહ્યું કે તેમણે મીડિયાના માધ્યમથી જ ખબર પડી કે બાબા રામદેવની કંપની પતંજલી દ્વારા કોરોનાની કોઈ દવા બનાવ્યાનો દાવો કરાયો છે, જ્યારે તેમણે ઈમ્યૂનિટી વધારવા વાળી અને ખાંસી-શરદીની દવાનું લાયસન્સ અપાયું હતું.

રાવતે કહ્યું કે, ભારત સરકારનો નિર્દેશ છે કે, કોઈ પણ કોરોનાના નામ પર દવા બનાવ્યાનો પ્રચાર-પ્રસાર કરી શકે નહીં. આયુષ મંત્રાલય પાસેથી માન્યતા મળ્યા પછી જ આવું કાંઈક કરવાની પરવાનગી હશે. તેમણે કહ્યું કે, હાલ વિભાગ તરફથી પતંજલીને નોટિસ અપાઈ છે અને જવાબ આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા દેશના તમામ મીડિયા સંસ્થાઓની સામે મોટા કાર્યક્રમ કરીને કોરોનાની દવા બનાવ્યાનો દાવો કરાયો હતો, જેમાં રામદેવે કહ્યું કે તેમની દવાની ક્લીનીકલ તપાસ થઈ છે.

બાબાએ દાવો કર્યો હતો કે, ક્લિનિકલ ટેસ્ટમાં દવાથી 100 ટકા સફળ પરિણામ મળ્યા છે. જોકે લોન્ચ થયા બાદથી જ પતંજલીની આ દવા કોરોનિલ વિવાદોમાં છે. આ પણ ચોંકાવનારી વાત છે કે કંપનીને શરદી ખાંસીની દવા બનાવવાનું લાયસન્સ મળ્યું છે અને તેણે આ લાયસન્સ પર બનેલી દવાને કોરોના નામ આપીને લોન્ચ કરી દીધી છે.

બાબાની કંપની પતંજલીને લાયસન્સ પર બીજી દવા બનાવવાને પગલે આયુર્વેદ ડ્રગ્સ લાયસન્સ ઓથોરિટી ઉત્તરાખંડએ હવે નોટિસનો જવાબ આપવા કહ્યું છે. જોકે બાબાએ આ સંદર્ભમાં એક ટ્વીટ પણ કર્યું અને કહ્યું કે, આયુર્વેદનો વિરોધ અને નફરત કરવા વાળાઓ માટે આ મોટી નિરાશા વાળા સમાચાર છે... તેમણે આ સાથે એક કટીંગ પણ મુક્યું છે જે અહીં દર્શાવ્યું છે.