મેરાન્યૂઝ નેટવર્ક.હનોઈઃ કોરોના વાયરસના સંક્રમણથી જ્યારે દુનિયાભરમાં બુમો પડી રહી છે ત્યારે ચીનની નજીક એક એવો પણ દેશ છે જે આ વૈશ્વિક મહામારીથી એક પણ મૃત્યુ થતાં પોતાને બચાવી શક્યો છે. કોરોનાના કહેરથી બચવાને કારણે વિયેટનામની પ્રશંસા પુરી દુનિયામાં થઈ રહી છે. આ દેશમાં કુલ વસ્તી 9.7 કરોડની આસપાસ છે. જોકે છતાં શનિવાર સુધી અહીં કોરોનાના 328 કન્ફર્મ કેસ જ સામે આવ્યા છે. વિયેટનામમાં મોટાભાગે નીચી આવક વર્ગ વાળા છે જ્યારે અહીંની સ્વાસ્થ્ય સેવા પણ અમેરિકા, દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોથી ઘણી નીચે છે. વિશ્વ બેન્ક અનુસાર, વિયેટનામમાં દસ હજાર લોકો પર ફક્ત 8 જ તબીબ છે, જ્યારે દક્ષિણ કોરિયામાં 24

સરકાર શરૂઆતથી જ જાગૃત રહી

વિયેટનામમાં શરૂઆતથી જ કોરોના વાયરસ વિશે જાગૃતિ રહી હતી. ચીન સાથેની સરહદ અને એક દેશથી બીજા દેશમાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ અઠવાડિયાના કડક લોકડાઉનની જાહેરાત કરી હતી. જો કે એપ્રિલના અંતમાં અહીંની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી લોકડાઉન હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 40 દિવસથી કોઈ સ્થાનિકને ચેપ લાગ્યો નથી. વિયેટનામમાં હવે શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે અને સામાન્ય જીવન જાળવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જાણો વિયેટનામે શું કર્યું જેના કારણે તે કોરોના વાયરસના વૈશ્વિક સંકટથી બચી ગયો.

ચાઇનાને અડતી સરહદો કરી સીલ

કોરોના વાયરસનો પહેલો કિસ્સો બહાર આવ્યો તે પછી જ વિયેટનામે રોગચાળો ફેલાવવાનું અનુમાન લગાવ્યું અને ચીન સાથેની તેની તમામ સરહદો બંધ કરી દીધી. તે સમયે ન તો ચીનના સત્તાધીશો કે વિશ્વ આરોગ્ય સંગઠને પૃષ્ટિ આપી હતી કે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમિત થઈ રહ્યો છે. જો કે, આ દેશએ કોઈ જોખમ લીધા વિના તેની તૈયારીઓ ચાલુ રાખી હતી.

WHOની સૂચના પહેલા તૈયારીઓ શરૂ થઈ ગઈ

હનોઈમાં સ્વચ્છતા અને રોગચાળા વિભાગના વડાના જણાવ્યા મુજબ, સરકારે WHOની માર્ગદર્શિકાની રાહ જોયા વગર લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત બનાવવાનું શરૂ કર્યું. જાન્યુઆરીની શરૂઆતથી હનોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વુહાનથી આવનારા મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવી છે. જેના તાપમાનમાં થોડો પણ વધારો થયો હતો, તેઓને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરંટીન કરવાનો નિર્ણય લેવાયો હતો.

જાન્યુઆરીના અંતથી ચીન સાથેનો સંપર્ક તોડી દીધો

વિયેટનામમાં પ્રથમ કેસ 23 જાન્યુઆરીએ આવ્યો હતો, ત્યારબાદ સરકારે અહીંથી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. લૂનર ન્યૂ યર નિમિત્તે વિયેટનામના વડા પ્રધાને કોરોના વાયરસ સામે યુદ્ધની ઘોષણા કરી. દેશના તમામ બોર્ડર ચેક પોસ્ટ્સ, એરપોર્ટ અને બંદરો પર થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવી હતી. વડાપ્રધાને સંક્રમણને અંકુશમાં રાખવા રાષ્ટ્રીય સંચાલન કમિટીની રચના કરી.

માર્ચમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ

1 ફેબ્રુઆરીએ વિયેટનામે કોરોના વાયરસને રાષ્ટ્રીય રોગચાળો જાહેર કર્યો. આ પછી, ચીનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સમય સુધીમાં, વિયેટનામમાં ફક્ત 6 કેસની પૃષ્ટિ થઈ હતી. બીજા દિવસે, ચીની નાગરિકોના વિઝા સ્થગિત કરાયા હતા. વિયેટનામે માર્ચના અંતમાં તમામ વિદેશીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર સરકારનો ભાર

ગરીબ દેશ હોવા છતાં, વિયેટનામે કોરોના વાયરસનું પરીક્ષણ કરવા માટે એક સસ્તી ટેસ્ટ કીટ વિકસાવી હતી. કોરોના વાયરસના સંપર્કમાં આવેલા તમામની તપાસ કરવામાં આવી હતી. તે લોકોને ફરજિયાતપણે 14 દિવસ માટે અલગ રાખવામાં આવ્યા હતા.

કોરોના વિશે સામાજિક જાગૃતિ

વિયેટનામ સરકાર પહેલેથી જ જાણે છે કે તેની પાસે મોટી સંખ્યામાં કોરોના વાયરસ દર્દીઓની સારવાર માટે તમામ સંસાધનો નથી. આ માટે સરકારે લોકોમાં એક વિશાળ જાગૃતિ અભિયાન શરૂ કર્યું. લોકોને કોરોના વાયરસ વિશે સોશિયલ મીડિયા, પોસ્ટર્સ, વગેરે માધ્યમો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.