મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોના મહામારીએ દુનિયાભરના લોકોના જીવનને હચમચાવી મુક્યું છે. લાખો લોકો મોતને ભેટ્યા છે. આ મહામારીથી બચવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ હવે જીવનનો એક હિસ્સો બની ગઈ છે. જેમ કે માસ્ક, પીપીઈ કિટ, હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્સ વગેરે... જોકે આ મહામારીના કારણે પશુ-પક્ષીઓ જેવા અબોલ જીવોને પણ હેરાનગતી થઈ રહી છે, માણસની બેજવાબદારી પૂર્વકના વલણે આ અબોલ જીવો માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી છે. આને કારણે પેદા થયેલા પ્લાસ્ટીક (ફેસ શીલ્ડ, ગ્લવ્સ, પીપીઈ કિટ, માસ્ક વગેરે)એ તેમના જીવનને હેરાનગતી ભર્યું બનાવ્યું છે.

એક તસવીરમાં અહીં જોઈ શકાય છે કે એક માછલી મૃત મળી હતી. આ તસવીર ફ્લોરિડાના માયામી બીચની છે. જ્યાં એન્વાયરમેન્ટલ ગ્રુપને એક માછલી માસ્કમાં ફસાઈને મૃત અવસ્થામાં મળી હતી.

અન્ય એક તસવીર ઈંગલેન્ડના ચેમ્સફોર્ડની છે જ્યાં એક પક્ષીનો પગ યૂઝ કરેલા માસ્કમાં ફસાઈ ગયો હતો, જેને બાદમાં એનીમલ રાઈટ ગ્રુપ દ્વારા કાઢવામાં આવ્યું હતું.

અન્ય એક તસવીર વિજયવાડા નગર નિગમે શેર કરી છે. જેમાં બે કુતરા માસ્ક ખેંચી રહ્યા હતા. તેમણે લોકોને વિનંતી કરી છે કે યૂઝ કરેલા માસ્ક અને ગ્લવ્સ રસ્તાઓ પર આમ તેમ ન ફેંકો, તસવીરમાં બે કુતરા માસ્કને મોંઢામાં લઈને ખેંચી રહ્યા છે.

બીજી એક તસવીરમાં પક્ષી માસ્કને ચાંચમાં દબાવી પાણીમાંથી બહાર આવતું જોઈ શકાય છે. તે તસવીર બ્રિટનના ડોવરની છે.

આ ઉપરાંત યૉકશાયર તટની એક તસવીર છે જેમાં એક બાજ માસ્ક પગમાં ફસાતા તેની સાથે સંઘર્ષ કરતું નજરે પડે છે.

ઉપરાંત કોયંબતૂરમાં વપરાયેલી પીપીઈ કીટ સાથે એક કુતરું નજરે પડે છે. જે પીપીઈ કિટને મોંઢામાં લઈ ક્યાક જઈ રહેલું જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં આવી બધી વસ્તુઓના વપરાશમાં ઘણો વધારો થયો છે, જેને વાપર્યા પછી તેનો અયોગ્ય નિકાલ કરવો એ એક ગંભીર સમસ્યા બનતી જાય છે. કારણ કે પ્લાસ્ટીક ઘણા વર્ષો સુધી નાશ પામતું નથી. (All Photos from: Social Media)