મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે ત્યાં જમ્મુ અને કાશ્મીરની બોર્ડર પરથી 5 જવાનો શાહિદ થયાના અત્યંત દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે ભારતીય સેનાના કર્નલ, એક મેજર અને બે જવાનો શહીદ થયા છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ ઘટનાને પગલે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમારા સૈનિકો અને સુરક્ષા કર્મચારીઓની ખોટ ખૂબ જ વ્યથિત અને પીડાદાયક છે. તેઓએ આતંકવાદીઓ સામેની તેમની લડતમાં ખૂબ જ હિંમત દર્શાવી અને દેશની સેવા કરતાં કરતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમે તેમની બહાદુરી અને બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ. નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આપણાં સશસ્ત્ર દળોએ હંમેશા દેશને સુરક્ષિત રાખ્યો છે. આફતના સમયે પણ તેઓ લોકોની મદદ કરતા હોય છે. એક અનોખી રીતે કહે છે કે, ભારતને COVID-19 મુક્ત બનાવવાના પ્રયત્નો બદલ અમારા ફ્રન્ટલાઈન COVID-19 યોદ્ધાઓને આભારી છે.

આ ઘટનાનાં પગલે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં સરકારની નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સોશિયલ મીડિયાનાં માધ્યમથી હાર્દિકે કહ્યું હતું કે, જો સરકારે સેનાની મદદ લેવી જ હતી તો અન્ય રાજ્યોમાં રોજગાર અર્થે રહેતા મજૂરોને સંસાધન અને શક્તિથી પોતાનાં વતનમાં પહોંચાડાવા લેવી હતી. હાર્દિકે એમ પણ કહ્યું કે આજે જે પાંચ જવાન જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયા તેમને બચાવી શકાયા હોત.

હાર્દિકે કોરોના વોરિયર્સની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ સુરક્ષાના ઉપકરણો, સુવિધા માગી રહ્યા છે. પરંતુ સરકાર તેઓને પીઆર (પબ્લીક રિલેશન) ઇવેન્ટ જ આપે છે.