મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં આજ સવારથી જ માહોલ ગરમાયો છે. કારણ એક બાજુ ભલે કોરોના વોરિયર્સના નામે ધરખમ જાહેરાતો થતી હોય અને પ્રસિદ્ધી મેળવવાના પેંતરા વાપરતા હોય અને બીજી તરફ તંત્ર કોરોના વોરિયર્સના જ પગારમાં કાપ મુકી દે તો? સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિતનાઓ કોરોના વાયરસનું જોખમ હોવા છતાં સતત કામ કરી રહ્યા છે. તેવા સમયે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને જ અન્યાય થયો હોવાની બુમો પડી રહી છે.

નર્સિંગ સ્ટાફના પગારમાં અહીં ધરખમ ઘટાડો કરી દેવાતા સ્ટાફનો પારો ઊંચે જતો રહ્યો છે અને આજે એસવીપી હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચ્યો છે. નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 75 જેટલા કર્મચારીઓનો પગાર કાપી લેવાતા ભારે હડકંપ મચ્યો છે. કોન્ટ્રાક્ટરની આ કામગીરીએ તંત્રને પણ ભીંસમાં મુકી દીધું છે. જ્યારે કોન્ટ્રાક્ટ રાખ્યો તે કંપની દ્વારા પગાર કાપની જાણ જ્યારે સ્ટાફને કરવામાં આવી ત્યારે મામલો બીચક્યો હતો.

કંપની દ્વારા જે નર્સિંગ સ્ટાફનો પગાર 35 હજાર હતો તેમને કોરોના મહામારીમાં વડતર આપવાને બદલે પગાર 22 હજાર કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અચાનક પગારમાં દસ હજારથી વધુનો કાપ મુકાતા સહુ પગારદારો ચોંકી ગયા હતા. કોરોનાના દર્દીઓ માટે કામ કરવાનું જોખમ તો તેઓ ખેડી જ રહ્યા હતા ત્યાં હવે પગારમાં આટલો મોટો ઘટાડો જોતા સહુ ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. કંપનીએ પોતાને નુકસાન થતું હોવાનું કારણ તેઓને આપ્યું હતું. નર્સિંગ સ્ટાફ દ્વારા આ વખતે બીજા પણ ખુલાસા કરવામાં આવ્યા અને કહ્યું કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને પીપીઈ કીટ તથા માસ્ક જેવા ખર્ચ થતા હોવાથી કંપનીએ પગાર કાપ્યો છે તેવું જણાવ્યું હતું.