મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કોરોના મહામારી સામે ફ્રન્ટ લાઇન પર લડી રહેલા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ અને પોલીસકર્મીઓ સહિતનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી જતાં તેમને જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આવા કોરોના વોરિયર્સના આશ્રિતોને જે તે રાજ્ય સરકારો દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં તાજેતરમાં દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકાર હોસ્પિટલમાં તૈનાત ડોક્ટર જોગીંદર ચૌધરી પણ કોરોનાના સંક્રમણથી બચી શક્યા ન હતાં અને તેમનું નિધન થયું હતું. ગત સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  ડોક્ટર જોગીંદર ચૌધરીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમના આશ્રિતોને એક કરોડ રૂપિયાની સહાય ચુકવી હતી. સાથે તેમના પરિવારને આગામી સમયમાં જરૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના વોરિયર્સનું કોરોના અંગે ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમણથી મોત થાય તો એક કરોડ રૂપિયાની સહાય આપે છે.

ગુજરાતમાં પણ કોરોના સામેની જંગમાં 35 કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આવા કોરોના વારિયર્સના પ્રત્યેક પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરી છે. આ સિવાય ગઇકાલ શુક્રવારે કોરોના વારિયર્સના પરિવાજનો સાથે મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત કરી જાહેરાતો કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ-ઇજનેરી શાખામાં સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળતાં સેલ્ફ ફાયનાન્સ ઇન્સ્ટીટયુટમાં પ્રવેશ મેળવતા યુવાઓને હાલ પર્સન્ટાઇલ અને વાર્ષિક આવક ધ્યાનમાં લઇને સહાયતા આપવામાં આવે છે. પરંતુ, આવા દિવંગત કોરોના વોરિયર્સના સંતાનોને પર્સન્ટાઇલ કે આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાજ્ય સરકાર સહાય આપશે.

વિજયભાઇ રૂપાણીએ એમ પણ જાહેર કર્યુ કે જે દિવંગત કર્મયોગી-કોરોના વોરિયર્સને પોતાનું આવાસ નહિ હોય તેમના પરિવારને રાજ્ય સરકારની વિવિધ આવાસ યોજનામાં આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે-એટલે કે ડ્રો વિના પણ તેમને મકાન ફાળવાશે.          

મુખ્યમંત્રીએ મા અમૃત્તમ અને મા વાત્સલ્યમ યોજના અંતર્ગત રૂ. ૩ લાખ સુધીનો આરોગ્ય સેવા ખર્ચ લાભ કોરોના સંક્રમણ નિયંત્રણ ફરજ દરમ્યાન સંક્રમિત થઇ મૃત્યુ પામેલા સરકારી કર્મયોગીઓના સીધા વારસદારો-પરિવારજનોને અપાશે તેમ પણ જાહેર કર્યુ હતું. વિજય રૂપાણીએ રાજ્ય સરકારની સેવાના દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનોને સદ્દગતના માનમાં પ્રશસ્તિપત્ર, શોલ અને સ્મૃતિ ચિન્હથી સન્માનિત પણ કર્યા હતા.