કિરણ કાપુરે (મેરાન્યૂઝ.અમદાવાદ): કોવિડ-19 બીમારી સામે ગૌમૂત્ર ઇલાજની થિયરીને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ઇન્ડિયન વાઇરોલોજિકલ સોસાયટી’એ નકારી છે. આશ્ચર્ય થાય કોવિડ સામે ઇલાજમાં ગૌમૂત્ર અને છાણની ઉપયોગિતાની વાત ગુહાટીથી ભાજપના સાંસદ સુમન હરીપ્રિયાએ કરી હતી. આવું જ એક વાઇરલ ગપ્પુ ભારતમાં ખૂબ પ્રસર્યું તે શાકાહારને લઈને હતું. ટ્વિટર પર ‘નો મીટ, નો કોરોનાવાઇરસ’ કરીને ટ્રેન્ડ થયું હતું. જોકે આનો રદીયો પણ દિલ્હી સ્થિત ‘એઇમ્સ’ના પ્રોફેસર આનંદ ક્રિષ્નને આપ્યો હતો. તેમના મતે નોનવેજ આહારથી કોરોના પ્રસરતો નથી. બસ તેમાં ધ્યાન માત્ર સ્વચ્છતા અને યોગ્ય રીતે પકવવાનું રાખવાનું હોય છે. ચાની એક કપ પણ કોરોનાથી બચાવે છે, તેવી પોસ્ટ ખૂબ વાઇરલ થઈ છે. આ પોસ્ટ પર લોકોને વિશ્વાસ આવે તે વુહાનના ડોક્ટર લિ વેનલિઆન્ગનું નામ જોડી દેવામાં આવ્યું છે. લિ વેનલિઆન્ગે ચીનના શાસનને વાઇરસ અંગે ચેતવનારાં પ્રથમ ડોક્ટર હતા, જે હવે હયાત નથી.

ખોટી માહિતી કેટલીક ઘાતક પુરવાર થઈ શકે છે તે ઇરાનના એક દાખલાથી સમજી શકાય. ઇરાનમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને અહીંયા કોરોનાથી બચવા માટે લોકોએ એ અફવા પર વિશ્વાસ કરી બેઠા કે આલ્કોહોલ પીવાથી કોરોનાથી સુરક્ષિત થઈ શકાય. ગુજરાતની જેમ ઇરાનમાં પણ દારૂ પર પ્રતિબંધ છે. લોકો અહીં એકસામટા આલ્કોહોલ પીવા માટે ઉમટી પડ્યા અને દારૂ વેચનારાઓએ તેમાં ઇથનોલ, બ્લિચનું મિશ્રણના નામે દારૂ વેચ્યો, જેનાથી છસ્સો લોકોના મૃત્યુ થયા.

જ્યાં શિક્ષણ ઓછું હોય ત્યાં જ ધુતારાઓ સફળ થાય છે તેવું નથી. અમેરિકા જેવાં દેશોમાં પણ ખોટી માહિતી તરફ લોકો આકર્ષાય છે અને તેની જાળમાં ફસાય છે. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મનો મોટા પાયે પ્રચાર કરતાં કેનેથ કોપલેન્ડ નામના ભાઈ છે. તેઓ અવારનવાર ટીવી પર જોવા મળે છે. તેમણે ટેલિવિઝન પર એવો દાવો કરી નાંખ્યો કે તમે માત્ર ટેલિવિઝનને સ્પર્શ કરો, તમારી પ્રાર્થના સ્વિકારાઈ જશે અને તમે બીમારી સામે સુરક્ષિત થઈ જશો! અમેરિકા ટૂંક સમયમાં બધું સમુસૂતરું થઈ જશે તેવી આગાહી કેનેથ કોપલેન્ડે કરી છે. મિડલ ઇસ્ટમાં પણ કોરોનાના કેસ જેમ વધ્યા છે તેમ ખોટી માહિતી પ્રસરી રહી છે. અહીંયા મોટા પ્રમાણમાં લોકો કોરોનાની બીમારીનો ઇલાજ ઊંટના મૂત્રને ગણે છે. આ ઇલાજ લોકો અપનાવી પણ રહ્યા છે, પરંતુ ‘ડબલ્યુએચઓ’એ આ અંગે પણ ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે ઊંટનું મૂત્ર જોખમી છે અને સંભવત્ તેનાથી કોરોના વાઇરસ જેવો જ ખતરનાક ‘મેર્સ’ વાઇરસ લોકોમાં પ્રસરી શકે છે. આ પ્રમાણે ઇરાનમાં એક ધાર્મિક ગુરુ ‘પ્રોફેટ પર્ફ્યુમ’ લઈને સીધા હોસ્પિટલ પહોંચી ગયા અને ત્યાં બધા પર છીંટકાવ કરવા માંડ્યા. આનું પરિણામ ઘાતક આવ્યું અને આ તરકીબે તેમના જ એક ધર્મગુરુની જાન લીધી. તેઓ કોરોનામાં સપડાયા છતાં ઇલાજ કરવાનું મુનાસિબ માન્યું નહીં.

કોરોનાને લઈને ઇલાજના નામે બાફ્યું હોય તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નામ આવે છે. આમ તો તેમના બફાટની કોઈ નવાઈ નથી, પરંતુ તેઓએ અગાઉ બે એન્ટિ મલેરિયા દવાને કોવિડ-19ના ઇલાજ તરીકે સફળ દર્શાવી હતી. પરંતુ હજુ તેના પર રીસર્ચ બાકી છે. કોરોનાની બીમારી સામેની લડતમાં મસમોટો પડકાર ખોટી માહિતી પ્રસરવાનો છે.