રમેશ સવાણી (મેરાન્યૂઝ,અમદાવાદ): ઇટાલીના સવા લાખની વસતી ધરાવતા બર્ગામો શહેરની ક્રિસ્ટીના હિગ્ગીન્સ નામની એક મહિલાએ 11 માર્ચ 2020 ના રોજ એક ફેઈસબૂક પોસ્ટ લખી; જેને એક જ દિવસમાં 88 હજારથી વધુ ‘લાઈક’ મળી; 58 હજારથી વધુ લોકોએ કોમેન્ટ કરી અને સવા ચાર લાખથી વધુ લોકોએ આ પોસ્ટ ‘શેર’કરી ! મહેશ દોશીએ આ પોસ્ટને ગુજરાતીમાં ઊતારીને ફેઈસબૂક ઉપર મૂકી મોટી સેવા કરી છે. શું છે આ પોસ્ટમાં?

ક્રિસ્ટિનાએ લખ્યું છે : “હું કોરોના વાયરસના ગંભીર સંકટમાં ઘેરાયેલા ઇટાલીના બર્ગામોથી આ લખી રહી છું. ઈટાલીમાં કોરોના વાયરસે જે સ્થિતિ સર્જી છે તેની ગંભીરતા અમેરિકાનું મીડિયા પકડી શક્યું નથી. હું આ પોસ્ટ એટલા માટે લખી રહી છું કે, માત્ર તમારા દેશની સરકાર જ નહીં, શાળા-કોલેજોના સંચાલકો જ નહીં, ગામ, નગરો કે મોટા શહેરોના વડાઓ જ નહીં; પરંતુ આપ સહુ પાસે, પ્રત્યેક નાગરિક પાસે આજે મોકો છે; એવા કાર્યો કરવાનો જેનાથી તમારા દેશમાં ઇટાલી જેવી સ્થિતિ સર્જાતી અટકાવી શકાશે. આ વાયરસને ફેલાતો અટકાવવાનો એકમાત્ર રસ્તો તેનો ચેપ સીમિત કરવાનો છે અને આ ચેપને ફેલાતો રોકવાની એકમાત્ર યુક્તિ લાખો લોકોએ પોતાની રીત-ભાત, વ્યવહાર બદલવાની છે. જો તમે યુરોપ કે અમેરિકામાં રહો છો તો જાણી લો કે, ઇટાલીમાં અમે જે સ્થિતિમાં છીએ તેનાથી તમે માત્ર એકાદ-બે સપ્તાહ જ દૂર છો. કોરોના વાયરસે આજે ઈટાલીને ઘૂંટણભેર કરી મૂક્યું છે તેના બે કારણ છે. એક, આ એક એવો વિનાશકારી ફ્લુ છે જેનાથી ખરેખર બીમાર પડેલા લોકોને અઠવાડિયાઓ સુધી ‘ICU’માં સારવાર હેઠળ રાખવાની જરૂર પડે છે અને બીજું, આ વાયરસ અત્યંત ઝડપથી અને અસરકારક રીતે ફેલાય છે. આ વાયરસનો ‘incubation period-ઇન્કયુબેશન પીરિયડ’ બે સપ્તાહનો છે અને જેમને એનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓમાં તેના કોઈ જ લક્ષણો જોવામાં આવતા નથી.”

તે કહે છે : “ગઈ રાત્રે જયારે વડાપ્રધાન કોન્ટેએ જાહેર કર્યું કે, સમગ્ર દેશના, 60 લાખ લોકો ‘લોક-ડાઉન’ પર જશે; જ્યાં હોય ત્યાં જ થંભી જાય, અટકી જાય. ત્યારે મને સૌથી વધુ અસર તેમના એ વાક્યે કરી કે, ‘હવે વધુ સમય નથી.’ કારણ કે, સ્પષ્ટ રીતે કહીએ તો, આ રાષ્ટ્રીય ‘લોક-ડાઉન’ એ કોઈ ડૂબતો તરણું ઝાલે એવી સ્થિતિ છે. વડાપ્રધાનનું કહેવાનું એ છે કે, જો ચેપ લાગવાની સંખ્યા ઘટવાનું શરુ નહીં થાય તો સમગ્ર ઈટાલીમાં તંત્ર પડી ભાંગશે. કેમકે, આજે લોમબાર્ડી; ઇટાલીના એક શહેરમાં ‘આઈસીયુ’ ‘પેક’ થઇ ગયા છે અથવા તો તેમાં  ક્ષમતાથી વધુ દર્દીઓ રાખવા પડ્યા છે. તેઓને હવે ‘આઈસીયુ’ યુનિટ ખૂલ્લી લોબીઓ કે મોટા મોટા હોલમાં ઊભા કરવાની ફરજ પડી રહી છે. જો ચેપ લાગવાની સંખ્યા ઓછી નહીં થાય તો, જે ઝડપથી ચેપ વધી રહ્યો છે તે જોતાં આવતા એક સપ્તાહ કે બે સપ્તાહમાં જ હજ્જારો લોકો આ રોગચાળાની ઝપેટમાં આવી જશે ! ત્યારે શું થશે જ્યારે સેંકડો કે હજ્જારો લોકોને હોસ્પીટલમાં ભરતી કરવા પડશે ! આ સ્થિતિ વણસી જાય એવા અસાર છે. દેશમાં ડોકટરો, નર્સો અને અન્ય તબીબી સ્ટાફની સંખ્યા સીમિત છે અને તેઓ પણ વાયરસની લપેટમાં આવી રહ્યા છે. તેઓ રાત-દિવસ, વણથંભ્યા કામ કરી રહ્યા છે; પરંતુ, તેઓ પણ દરદીઓને સંભાળી શકવાની સ્થિતિમાં નહીં રહે ત્યારે શું થશે? અને અંતમાં, જેઓ એમ કહી રહ્યા છે કે, આ વાયરસ તો માત્ર મોટી ઉંમરના લોકોને જ અસર કરે છે તેઓને એટલું જ જણાવવાનું કે, ગઈકાલથી 40-45 કે 18 વર્ષની નાની ઉંમરના લોકો પણ સારવાર માટે આવી રહ્યાનું હોસ્પિટલો જણાવી રહી છે. આજે તમારી પાસે સ્થિતિમાં ફરક પાડવાની અને તમારા દેશમાં ચેપ ફેલાતો અટકાવવાની તક છે. ઓફીસના તમામ કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે તેવો આગ્રહ રાખો, બર્થડે પાર્ટીઓ અને વધુ લોકોના જમાવડા થાય તેવા કાર્યક્રમો રદ કરો, બની શકે ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. જો તમને તાવ આવ્યો હોય, કોઈપણ પ્રકારનો તાવ તો ઘરમાં જ રહો. હમણાં શાળા-કોલેજો બંધ રાખવાનો આગ્રહ કરો. વાયરસ, ચેપ ફેલાતો અટકાવવા માટે તમારાથી જે કાંઈ થઇ શકે તે કરો. અને જેઓ એમ કહે છે કે, શાળા-કોલેજો બંધ રાખવાનું શક્ય નથી, અને બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તેઓને એટલું જ કહેવાનું કે, એક સપ્તાહ પહેલાં ‘લોકીંગ ડાઉન ઇટાલી’ ઈટાલીમાં જન-જીવન સંપૂર્ણપણે થંભાવી દેવાની સ્થિતિ સર્જાશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન્હોતી. ટૂંક સમયમાં જ, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય, તેથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા તમારાથી જે કાંઈ થઇ શકતું હોય તે અત્યારથી જ કરો.”

સમજી લ્યો : કોરોના ઇટાલી કે ભારતમાં; સાવચેતી એ જ ઇલાજ છે