તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : પ્રધાનસેવકના જણાવ્યાં અનુશાર આજે જનતા કફર્યુંને લોકો એ ખૂબ સારી રીતે સફળ બનાવ્યું. સરકારી તમામ વિભાગો પણ ખૂબ સરાહનીય રીતે કાર્ય કરતા જોવા મળ્યા. સફાઈ કર્મચારીઓ પણ જોખમ હોવા છતાં પોતાની ફરજો નિભવતા જોવા મળ્યા હતા, પણ સુરક્ષાની તકેદારી સફાઈ કર્મચારીને અન્ય વિભાગના કર્મચારીથી અલગ તારવતી હતી.

કોરોના વાઇરસને પગલે સંપૂર્ણ અમદાવાદ બંધ હોવાથી મોટાભાગે સરકારી કર્મચારીઓ જ જાહેર માર્ગો પર જોવા મળતા હતા. લોકો ઘરમાં પોતાને અને અન્યને સુરક્ષિત રાખતા જોવા મળ્યા અને સફાઈકર્મી પોતાના વિસ્તારને સાફ રાખવામાં વ્યસ્ત હતા.
જજીસ બંગલા રોડ પાસે, વસ્ત્રાપુર રોડ અને આઈ.આઈ.એમ. વિસ્તારમાં કચરો ઉઠાવવા આવેલ સફાઈકર્મીઓ પાસે માસ્ક સિવાય કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નહોતી. સફાઈકર્મીઓ પોતાના ખુલ્લા હાથે કચરો ઉઠાવી વાહનોમાં ભરવા મજબુર હતા. કચરો ઉઠાવવાના વાહનના ડબ્બાની અંદર ઉતરી કચરો દબાવીને ભરવો પડતો હતો છતા આ કામદારોને જરા પણ સુરક્ષા પુરી પાડવામાં આવી નહોતી. આ સફાઈકર્મીને ખુદને પણ આ બાબતની ગંભીરતા જોવા મળી ન્હોતી.

જ્યારે દરેક અન્ય કર્મચારી જેવા કે AMTS, ફાયરબ્રિગેડ અને હેલ્થ વિભાગના કર્મીઓ માસ્ક, સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોવ્ઝ(હાથ મોજા) થી સજ્જ હતા. દરેક જગ્યા એ ભાતભાતનો કચરો અને ગંદકી ઉઠવતો સફાઈકર્મી પોતના સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર હોઈ શકે એ વાત શક્ય છે પણ શું મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશ્નર, કોર્પોરેટ કે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ તેમને લઇ જરા પણ ચિંતિત નહીં હોય ? જો ચિંતિત હોય તો તેમને આ હાલતમાં કમસેકમ આ કોરોના વાઇરસના ભય વચ્ચે ઉઘાડા હાથે ગંદકી ઉઠાવવા દેવામાં આવે નહીં. 


નેતા અને અધિકારી બન્ને એ પોતાની જાતને સાદો સવાલ કરવો જોઈએ કે આ સફાઈકર્મી અને તેમના પરિવારની શું કોઈ કિંમત નથી ? આ એ સફાઈકર્મી છે કે જે રોજેરોજ દેશની ગંદકી ઉઠાવી પોતાને હંમેશા જોખમમાં મૂકી સમાજને જાતજાતના રોગચાળાથી બચાવે છે. તો શું તેમના સ્વસ્થ્ય પ્રત્યે બેજવાબદાર રહેવું વાજબી છે?