રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ચીનમાંથી નીકળેલો કોરોના વાયરસ, વિશ્વના 100 કરતા વધુ દેશોમાં ફરી વળ્યો છે. કેનેડા, અમેરિકા અને બીજા દેશોમાં શાળા, કોલેજમાં બે અઠવાડિયા સુધી વેકેશન પડ્યું છે. આ વાયરસના કરણે વિશ્વમાં 5000 કરતા વધુ લોકોના મોત થયા છે. રવિવાર, 15 માર્ચ, 2020ના અખબારોમાં સમાચાર છે કે દિલ્હીમાં ‘હિન્દુ મહાસભા’એ કોરોના વાયરસને ઊભી પૂંછડીએ ભગાડી દીધો ! 200 લોકોએ ગૌમૂત્ર પીને કોરોના વાયરસને ચેલેન્જ કરી ! ભારતમાં ઐતિહાસિક શોધ થઈ છે : તમને કંઈ પણ થાય એક જ ઉપાય; ગૌમૂત્ર પીવો ! ભારતમાં માત્ર અંધશ્રદ્ધાળુઓ નથી, ભયંકર ગાંડા લોકો પણ છે, તેનું આ ઉદાહરણ છે. 

કોરોના વાયરસનો સામનો, ભારતમાં ગૌમૂત્રથી થઈ રહ્યો છે, બીજા દેશોમાં ભેંસમૂત્ર કે ઘોડીમૂત્રથી ઉપચાર થતો હશે ! કોરોના વાયરસ કરતા પણ અંધશ્રદ્ધાનો વાયરસ વધુ ખતરનાક છે ! ગોડસેપ્રેમી સંસદસભ્ય કહે છે કે ગાયની પીઠ ઉપર હાથ ફેરવવાથી કેન્સર મટી જાય છે. કોઈ કહે છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, તે પરચો આપે છે ! બધા ઉપચારો, દેવી શક્તિઓ ગાયમાં હોય તો હિન્દુ મહાસભાના સભ્યો પોતાને ઘેર ગાય કેમ રાખતા નથી? ગાયના નામે ઢોંગ કરનારાઓ પોતાને ઘેર ગાય રાખે અને દિવસમાં દસ વખત ગૌમૂત્રનું સેવન કરે તો કદાચ તેમની દ્રષ્ટિ ખૂલે ! બાપુઓ, સંતો, કથાકારો, તાંત્રિકો, સાધુઓ ક્યાં સંતાયા છે? કોરોના વાયરસને ભગાડવા કથા, ભજનકીર્તન, હોમહવન કેમ કામ કરતા નથી?

‘લજ્જા’ની લેખિકા અને હ્યુમેનિસ્ટ તસ્લિમા નસરિને સરસ વાત કરી છે : “કોરોના વાયરસે, અલ્લાહનું ઘર કાબા બંધ કરાવ્યું; મસ્જિદો બંધ કરાવી; ચર્ચ બંધ કરાવ્યા; પ્રાર્થના સ્થળોએ એકઠાં થવાનું બંધ કરાવ્યું ! ભગવાન આપણને મદદ કરી રહ્યો નથી. વૈજ્ઞાનિકો મદદ કરી રહ્યા છે. આપણે વેકસિનની રાહ જોઈ રહ્યા છીએ; આ તો સૌથી ઉત્તમ સમય છે, આંખો ખોલવાનો."rs