મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ચીનમાં સૌપ્રથમ દેખાયેલા કોરોના વાયરસે ધીરે ધીરે હાહાકાર મચાવતા લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. કોરોના વાઈરસે  વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કેરળમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે પછી પશ્ચિમ બંગાળમાં કોરોના વાઈરસે દસ્તક દીધી છે. ગુજરાતમાં પણ કોરોના વાઈરસનો સંકટ તોળાઈ રહ્યો હતો ત્યારે ચીનથી પરત ફરેલા સાબરકાંઠા જીલ્લાના ૨ અને મહેસાણા જીલ્લાના ૧ વિદ્યાર્થી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતા હિંમતનગર અને મહેસાણાની સિવિલમાં બનાવેલાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હાલ ત્રણે વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

કોરોના વાઈરસને કારણે ચીનમાં રહેતા અને અભ્યાસ માટે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ શક્ય એટલી ઝડપથી પરત આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે, ૧૫ જાન્યુઆરી બાદ ચીનથી ગુજરાત આવેલા તમામનું ફરીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સાબરકાંઠા જીલ્લામાં ચીનમાંથી પરત ફરેલા બે વિદ્યાર્થીઓ સ્થાનિક સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે ઉત્તર ગુજરાતમાં ૨૧૭ ચીનથી પરત ફેરેલ વિદ્યાર્થીઓ અને મુસાફરોની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે

૧૩ જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીએ ઘરે પરત ફર્યા બાદ ખાંસી અને તાવની ફરિયાદ કરી હતી. કોરોના વાયરસના ભયને કારણે તાત્કાલિક વિદ્યાર્થિનીને મહેસાણા સિવિલમાં બનાવવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવી છે.