મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વિશ્વ આખામાં કોરોનાના કેરને કારણે વિદેશમાં વસતા ભારતીયોઓ પોતાના વતનમાં પાછા ફરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યા ગુજરાતીઓની પણ છે, જો કે વિદેશથી આવેલી એનઆરઆઈને કારણે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધે નહીં તે માટે ભારત સરકારે તમામ એરપોર્ટને સીલ કરી દેતા ભારત આવવા નિકળેલા ભારતીયો હાલમાં વિદેશના વિવિધ એરપોર્ટ ઉપર ભારતીય દુતાવાસના સહારે બેસી રહ્યા છે. અમદાવાદ આવી રહેલી એક ગુજરાતી મહિલાએ વીડિયો બનાવી પોતાના સગાને મોકલી આપ્યો છે મહિલાની વિનંતી છે કે ભારત અને ગુજરાત સરકાર સુધી આ વીડિયો પહોંચાડો તો તેમને કોઈ મદદ મળી શકે.

અમેરિકા વસતા આ ગુજરાતી પરિવારે અમદાવાદ પરત ફરવાનો નિર્ણય કરતા તેમને અમેરિકાથી નેધરલેન્ડ થઈ મુંબઈ આવતી ફલાઈટની ટીકીટ મળી હતી. તેઓ તા. 19મીના રોજ અમેરિકાથી નેધરલેન્ડ આવ્યા હતા અને મુંબઈનો બોર્ડીંગ પાસ પણ મેળવી લીધો હતો, જો કે ત્યાર બાદ એરલાઈન્સે જાહેરાંત કરી ફલાઈટ મુંબઈ નહીં દિલ્હી જશે અને ત્યાંથી મુંબઈ જવાની વ્યવસ્થા થશે.
આઠ કલાકનો રસ્તો હતો અને દિલ્હી આવવાને ત્રણ કલાકનો રસ્તો બાકી હતો, ત્યારે પાઈલોટએ એનાઉન્સ કર્યું કે દિલ્હી એરપોર્ટ ઉપર તેમને લેન્ડ કરવાની મંજુરી મળી રહી નથી, માટે તેઓ નેધરલેન્ડના એમ્સ્ટ્રાડેમ એરપોર્ટ ઉપર પાછા ફરી રહ્યા છે અને ફલાઈટ એમ્સ્ટ્રાડેમ એરપોર્ટ ઉપર પાછું ફર્યું હતું, આ પ્રવાસીઓએ ભારતીય દુતાવાસનો સંપર્ક કરતા ભારતીય અધિકારીઓ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને તેમણે ભારત સરકાર સાથે વાત કરી પ્રવાસીઓને ભારત મોકલશે તેવી હૈયાધારણા આપી હતી, પણ આ ઘટનાને ત્રણ દિવસ થઈ ગયા છે, ખાનગી એરલાઈન્સ ભારતીય મુસાફરો લઈ જવાની ના પાડે છે અને દુતાવાસના અધિકારીઓ કહે છે કે ખાસ વિમાન આવશે તમને લેવા પણ ત્રણ દિવસથી આ મુસાફરો એરપોર્ટ ઉપર બેસી રહ્યા છે. જુઓ વીડિયો