મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણે ના સીરમ ઇન્સ્ટિટ્યૂટ થી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા પહોંચી ગયો છે. વેક્સીનને આવકારવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય કમિશ્નર જયંતી રવી એરપોર્ટ પર પહોંચી કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને આવકારી કોરોના વેક્સીનને ગાંધીનગર સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ છે અને ૧૬મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામી રાજ્યના ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ પર ઉતરી જતા રાજ્યમાં વેક્સીનેશન કાર્યક્રમ ડામાડોળ થવાની સંભાવનાઓ પેદા થઇ છે અરવલ્લીમાં આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતરી તેમની પડતર માંગણીઓને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 

      આરોગ્ય કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ નિવેડો આવી શ્કયો નથી . આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાથે પણ બેઠક યોજાઇ હતી તેમ છતાંય પ્રશ્નો ઉકેલાઇ શકયા નથી. આરોગ્ય વિભાગે કર્મચારીઓની પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નીરસતા દાખવતા કોરોના વેક્સીન આગમન ટાણે જ ૩૩ જિલ્લા પંચાયતના ૩૩ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ ભાજપ સરકાર સામે મોરચો માડવા નક્કી કર્યુ છે. આરોગ્ય કર્મચારીઓએ એવી ય ચિમકી ઉચ્ચારી છેકે,૧૬મી જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે પણ રસી નહિ લે એટલું જ નહીં, કોરોનાની રસી આપવાની કામગીરીથી અળગા રહેશે. હવે જયારે રસીકરણ શરૂ થવા જઇ રહી ત્યારે જ આરોગ્ય કર્મચારીઓ વિરોધનો બુંગિયો ફૂંક્યો છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

              ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આંદોલનના કાર્યક્રમો જાહેર કરતાં આ હડતાળમાં અરવલ્લી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમની મુખ્યમાંગ ૨૮૦૦ ગ્રેડ પે સહીત વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી ગયા છે અને તેમની માંગણીઓને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તાલુકા મથકે પણ આરોગ્ય કર્મીઓએ આવેદનપત્ર આપ્યા હતા. 

        હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઇને આક્રમકઃ મૂડમાં જોવા મળ્યા હતા એટલું જ નહિ પરંતુ સંગઠને હવે પોતાની માગણીઓને લઈ આર યા પારનું એલાન કર્યું છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, આંદોલનના સમયગાળામાં આરોગ્ય કર્મચારીઓ કોરોનાની રસી લેશે પણ નહિ અને કોઈને આપશે પણ નહીં. સરકાર સાથે બેઠક નિષ્ફળ જતાં આંદોલનના મંડાણ શરૂ કરાયા છે.